July 31, 2018

આપ સાથેની શૈક્ષણિક યાત્રાના આજે સો માસ પુરા થયા !!!



આપ સાથેની શૈક્ષણિક યાત્રાના આજે સો માસ પુરા થયા !!!


એક માણસને અજવાળું કેટલું જોઈએ ? એની આંખો જેટલે સુધી જોઈ શકે એટલું ! એ પોતીકું અજવાળું લઈને નીકળે તો એની ગતિ સાથે એ અજવાળું ય ગતિ કરતું અને માર્ગ અજવાળતું રહે છે ! આવું એક અજવાળું એટલે આપણું “બાયોસ્કોપ” પહેલી મે,૨૦૧૦ એ પહેલી જ્યોત પ્રગટી ત્યારે મનમાં એવું તો હતું કે શાળાની દરેક યાદને આમાં સાચવીને રાખીશું, પણ એ નહોતી ખબર કે આ માર્ગના આટલા બધા સાથીઓ મળી આવશે. આ ૧૦૦ મો અંક છે ! સહેજ પાછું વાળીને જોઈએ તો સમજાય કે યુગ હજુ ય એટલો જ સંવેદનશીલ છે ! નહિતર, એક નાનકડા ગામની સરકારી પ્રાથમિક શાળાની વાતોમાં આટલા બધા વ્યક્તિઓને કેવી રીતે રસ પડી શકે ? હજુ ય સમાજ ઇચ્છે છે કે પોતાના બાળકોને એક બહેતર દુનિયા આપીને જઈએ ! હજુ ય બધાની ઈચ્છા છે કે બાળકોની દુનિયા વધુ હસતી ખેલતી કરીએ ! અને અમને લાગે છે સૌની આ લાગણીઓનો પડઘો આપણા બાયોસ્કોપમાં પડ્યા કર્યો અને આજે આ મુકામ પર પહોંચ્યા છીએ !
રાજ્યના મુખ્યમંત્રીના કાર્યાલય થી લઇ સુરત શહેરના કેમિસ્ટ સુધીના વાચકોએ અમને પ્રોત્સાહિત કર્યા છે. કોઈકે વિદેશથી ફોન કોલ પર બિરદાવ્યા છે. કોઈકે શાળાની પ્રવૃતિઓને વધુ અસરકારક બનાવવા શું કરવું તે માટેના લાંબા પ્રતિભાવ આપ્યા છે. ઘણા ખરા એ કઈ જ કહ્યા વગર ચુપચાપ રહેવું ય પસંદ કર્યું, તો કેટલાક પ્રતિભાવ માત્ર “ગૂડ” વેરી ગૂડ” અને નાઈસ” જેવા ય રહ્યા છે. પણ એક એક પ્રતિભાવ મહત્વનો રહ્યો.. આ વર્ચ્યુઅલ વિશ્વમાં મળીને ૧૦૦ થી વધુ શાળાઓ, કેટલાક ગામની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને શાળા સાથે ના જોડાયેલા હોય તેવા વ્યક્તિઓ (તેમનો વ્યવસાય જુદો હોય, પણ ધ્યેય તો એ જ “બાળકોના મોં પરનું સ્મિત) એ શાળાની રૂબરૂ મુલાકાત લીધી છે. આમ, આપણા બાળકોને જુદા જુદા વ્યક્તિઓ સાથે વાતો કરવાનો મોકો મળ્યો છે. શાળા માટે શરૂ થયેલું આ વલોણું અન્ય શાળાઓને, વાલીઓને પણ ઉપયોગી નીવડ્યું જ હશે !
આ ૧૦૦ અંક પૂરા થવાના પ્રસંગે, અમે ફરી કટિબદ્ધ થઈએ છીએ કે  આ વિચાર વલોણું આપ સૌના સહકારથી “નવનીત” માટે મથતું રહેશે !
અત્યાર સુધીના પ્રકાશિત થયેલ અંકોને નીચેની લીંક વડે વાંચી શકો છો !