ટીચિંગ લર્નિંગ મટિરિયલ - કોના માટે? કોના વડે?
સૌ જાણીએ છીએ કે બાળક જન્મ પૂર્વેથી જ શીખવાનું શરૂ કરે છે.
જન્મ પછી તેની શીખવાની પ્રક્રિયામાં થોડો ફેરફાર થતો હશે (જેમ કે, ગર્ભમાં બાળક માટે શીખવાનો એકમાત્ર સ્ત્રોત કદાચ
શ્રવણ-ઇન્દ્રિય જ હોય છે), પરંતુ તે પ્રક્રિયા
ક્રમિક રહેતી હોય છે. “મારે શીખવું નથી” - એવું કહેનાર વ્યક્તિ પણ ક્યારેય શીખ્યા
વિના રહી શકતી નથી. એટલે જ તો ઘણીવાર કોઈ અમને પૂછે કે, "જેને શીખવું જ નથી, તે વળી શું શીખતો હશે?" ત્યારે મજાકમાં અમે હકીકત કહેતા હોઈએ છીએ કે, શીખવું નથી એવું કહેનાર વ્યક્તિ પણ “શીખવાનું કેવી રીતે
ટાળવું અથવા શીખવું કેવી રીતે નહીં” તે માટેની મથામણ કરતાં શીખે છે! એટલે જ માણસ
સતત શીખતો રહે છે, એવું આપણે કહેતા
હોઈએ છીએ.
ત્યારે હવે બાળકોને શીખવતી સંસ્થાઓ માટે એ
પ્રશ્ન ઉદ્ભવવો સ્વાભાવિક છે કે - જો બાળક જાતે જ શીખે છે, તો પછી શાળા કે શિક્ષકે શું કરવાનું? ત્યારે જરાય મુંઝાયા વગર અમારો જવાબ હોય છે - “લર્નિંગ”, એટલે કે 'શીખવું કેવી રીતે' તે અમે શીખવીએ છીએ. બાળકોને "ભણાવવા" (Teach) શબ્દ હવે આધુનિક જમાનામાં આઉટડેટેડ થતો જાય
છે, અથવા તો જ્યાં તેનો
ઉપયોગ થાય છે ત્યાં તેની વ્યાખ્યા બદલાતી દેખાય છે. બાળકોને અત્યારે જે રીતે
ટેક્નોલોજિકલ એક્સપોઝર મળી રહ્યું છે, તે જોતાં જો કોઈ તેમને 'ટીચ' (Teach)
કરવાનો પ્રયત્ન કરે, તો બાળકોને તે 'ટીચવા' (પીટવા) જેવું લાગે છે! અને તેના કારણે જ બાળકની
પોતાની શીખવાની પદ્ધતિ અને શિક્ષકની શીખવવાની પદ્ધતિ 'મિસમેચ' થઈ રહી છે.
આવા વર્ગખંડીય વાતાવરણમાં ફક્ત બે જ બાબતો છે
જે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના આ 'મિસમેચ'ને હટાવી 'ફૂલ મેચિંગ' કરી શકે છે: એક છે બંને વચ્ચેનો સંવાદ અને બીજું છે
ક્રિએટિવિટી (એટલે કે, બંનેએ સાથે મળીને
કંઈક નવું કરવાની પ્રવૃત્તિ)!
અમારો વર્ષો જૂનો એક ડાયલોગ ફરીથી યાદ અપાવી
દઉં કે - “ભણવું એ આ દુનિયાની સૌથી કંટાળાજનક પ્રવૃત્તિ છે, અને નવું જાણવું કે શીખવું એ બાળક માટે સૌથી આનંદદાયી
પ્રવૃત્તિ છે.” આ બંને સમાન લાગતા છતાં વિરોધાભાસી વાક્યો ઘણું બધું સમજાવી જાય
છે. બાળકને નવું શીખવું તો છે જ, પણ 'ટીચાઈ-ટીચાઈને' એટલે કે ફક્ત સાંભળીને નહીં, પણ વાતચીત કરતાં-કરતાં અને કંઈક નવું બનાવતાં-બનાવતાં! Like a touring with friends! હવે આવો માહોલ જો
આપણે આપણા વર્ગખંડોમાં ઊભો કરી શકીએ, તો જ બાળકો પોતે જાતે શીખતા અને સમજતા થાય - જેને મૂળ
શિક્ષણ એટલે કે 'કેળવણી' કહેવાય છે.
બાળકો સાથે કોઈ એક વિષયવસ્તુ પર ચર્ચા થાય (Teaching), અને તેને શીખવા-સમજવા માટે જ્યારે
ક્રિએટિવિટીનો સહારો લેવાય, એટલે કે બાળક સાથે
મળીને તે સાધનનું નિર્માણ કરીએ - તેવી તક આપતી એક પ્રવૃત્તિ શાળામાં કરવામાં આવી.
જોકે, આને 'પ્રવૃત્તિ કરવામાં આવી' તેના બદલે 'ઉજવવામાં આવી' એમ કહેવું વધારે યોગ્ય ગણાશે. કારણ કે, કોઈ તહેવારની જેમ આજે કંઈક નવું અને વિશેષ કરી રહ્યાનો આનંદ
તેમના ચહેરા પર સ્પષ્ટ નીતરી આવતો હતો. અને હા, હજુ તો મટિરિયલ પૂરું બન્યું પણ નહોતું, ત્યાં તો આખું ગ્રુપ તે બનાવતાં-બનાવતાં જ વિષયવસ્તુ શીખી
ગયું! આ આશ્ચર્ય અમારા સૌના મનમાં ઊભરી આવતું હતું.
ચાલો, તમારે પણ જાણવું હશે ને કે આટલો બધો આનંદ આપનાર એ તહેવારનું
નામ શું છે? અરે સાહેબ!
"નામ મેં ક્યા રખા હૈ, માહોલ દેખો
યારો!" - ક્લિક કરી પહોંચીએ એ ટીચિંગ-લર્નિંગની દુનિયામાં, જ્યાં મળે છે ત્રણ યાર:
ટીચર, બચ્ચે ઔર સાથ મેં
મટિરિયલ!
રીડિંગ રીલ્સ
શિક્ષક
અને વિદ્યાર્થી સાથે મળીને શીખવા માટેના સાધનો બનાવે છે. મટિરિયલ તૈયાર થાય તે
પહેલાં જ બાળકો વિષય વસ્તુ શીખી જાય છે.

No comments:
Post a Comment