વર્ગખંડની બહાર, પ્રકૃતિના દ્વાર !
કેટલાંક કારણો
પૈકીનું એક કારણ જે અમારા ધ્યાને આવ્યું છે તે એ છે કે, બાળકોને
તેમની આસપાસનું જાણવામાં ખૂબ રસ હોય છે! હોય પણ ખરો ને - આખરે આપણા સૌમાં પ્રકૃતિ
સાથે સહવાસ કરવાનો સ્વભાવ રહેલો જ છે. એટલે બાળકો તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સાહિત
હોય છે.
બીજું એક કારણ છે, પર્યાવરણ
એ વર્ગખંડની બહાર રહીને શીખવાનો વિષય છે. જેમાં બાળકોને વારંવાર ખુલ્લા વાતાવરણમાં
ટહેલવા મળે છે. ફક્ત સાંભળીને કાન પકવવાને બદલે તમામ ઇન્દ્રિયો શીખવાના આનંદને
માણતી હોય છે!
ત્રીજું એક કારણ છે
- પર્યાવરણનો શિક્ષક 'લેક્ચરર' બનવાને બદલે 'ફેસિલિટેટર' (માર્ગદર્શક) બની રહે તેવો આ વિષય છે.
કેટલાક વિષયવસ્તુ તો એવા હોય છે કે જેમાં બાળકોનું પૂર્વજ્ઞાન આપણા સૌ કરતાં પણ
વધારે ધારદાર હોય છે. તેવામાં તો શિક્ષક તરીકે સાથે ન હોઈએ તો પણ વધુ મજાથી તેઓ
શીખતા-સમજતા હોય છે!
પર્યાવરણ એ ફક્ત
વિષય નથી, પરંતુ
તેમાં આવતાં 'લર્નિંગ આઉટકમ્સ' (શીખવાના
નિષ્કર્ષો) દ્વારા સંસ્થાઓનો “બાળકને પ્રકૃતિ સાથે હોવાનો અહેસાસ કરાવવાનો
પ્રયત્ન” હોય છે. પ્રકૃતિ સાથેનો સહવાસ ત્યારે જ શક્ય છે જ્યારે બાળક તેના વિશે
પૂરું જાણતું અને સમજતું હોય! બાળકને બાળપણથી સામાજિકતાનો અહેસાસ જેમ સમાજ કરાવે
છે, તેમ પ્રકૃતિનો અહેસાસ કરાવવાનું કામ શાળા તરીકે આપણું
છે.
ધોરણ-4 માં પર્યાવરણમાં પક્ષીઓ વિશે
જાણવા-સમજવાના લક્ષ્ય સાથે આપેલી એક પ્રવૃત્તિને અમારા પર્યાવરણ શિક્ષક શાંતિલાલ
નવાનદી સરે કરાવી, તેને માણીએ તેમના જ શબ્દોમાં...
"પર્યાવરણ વિષય ભણવો એટલે આંખ, કાન,
નાક, ચામડી અને જીભ - આ પાંચેય ઇન્દ્રિયોને
ખુલ્લી રાખીને અનુભવ કરવો. સંવેદના અનુભવવી અને અવલોકન કરવા જેવાં કૌશલ્યો
કેળવવાં. અમે ધોરણ-4 માં આવતા એકમ 'કામનો મહિનો' માં પક્ષીઓ માળા ક્યાં બનાવે છે? કેવી રીતે બનાવે છે?
માળો બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે? જેવા મુદ્દાઓ વિશે બાળકોના અવલોકનો અને અનુભવોની ચર્ચા કરી.
પાઠને અનુરૂપ જુદા જુદા પક્ષીઓના માળા બનાવવાની પ્રવૃત્તિનું
આયોજન કર્યું. વર્ગના ચાર ગ્રુપ - વાયુ, જળ, અગ્નિ અને
પૃથ્વીને માળો બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે તેની યાદી તૈયાર કરાવી. વાયુ ગ્રુપ =
દરજીડો, જળ ગ્રુપ = ચકલી, અગ્નિ ગ્રુપ
= સુગરી અને પૃથ્વી ગ્રુપ = કબૂતરનો માળો બનાવવા માટેની સામગ્રી ઘરેથી લાવશે તેવું
આયોજન કર્યું.
બીજા દિવસે ચારેય ગ્રુપ મેદાનમાં જુદી જુદી જગ્યાએ માળો
બનાવવા બેસી ગયા. બધા બાળકો સળીઓ, પાંદડાં, દોરા,
રૂ, તાર જેવી સામગ્રી વીણી લાવ્યા હતા. બધા જ
ગ્રુપમાં બાળકો પોતપોતાના અનુભવ અને અવલોકન પ્રમાણે કામ કરી રહ્યા હતા. મજા તો એ
વાતની આવી કે સુગરીનો માળો બનતો જ નહોતો! દરજીડાનો માળો આબેહૂબ બની શક્યો. કબૂતરનો
માળો બનાવી તેમાં રૂનાં ઈંડાં બનાવીને મૂક્યાં!
આ પ્રવૃત્તિથી બાળકોની અવલોકન કરવાની દ્રષ્ટિ કેળવાઈ અને
તેઓ પ્રત્યક્ષ અનુભવ મેળવી શક્યા. પ્રવૃત્તિ દરમિયાન સંવાદ કરતાં પૂછ્યું કે - 'માળામાં
રૂ, વાળ, દોરા, કપડાં
કેમ મૂક્યાં છે?' તો તેમનો જવાબ હતો - 'માળો મુલાયમ અને હૂંફાળો રહે તે માટે!'"
આપણે વિચારી શકીએ છીએ કે પક્ષીઓ માત્ર ચાંચ વડે કેવું સુંદર
ઘર બનાવે છે! આપણે ભેગા મળીને પ્રયત્ન કરીએ તો પણ દરજીડા જેવો માળો બનાવી શકતા
નથી.
- શાંતિલાલ નવાનદીસર, પર્યાવરણ ફેસિલિટેટર
આશાસ્પદ છીએ કે સંસ્થા તરીકે બાળકના મનપસંદ
વિષયને પ્રવૃત્તિસભર બનાવવાના પ્રયત્નો દ્વારા જ બાળકો જાણશે કે - “અલ્યા, માળો બનાવવો કેટલું અઘરું કામ છે!” અને કોઈ માળાને નુકસાન કરતા પહેલાં
તેમને આ પ્રવૃત્તિ ચોક્કસ યાદ અપાવશે કે - “રુકો જરા, સબર
કરો - અને વિચારો - કે આ પક્ષી જેવો માળો તું ફરી બનાવી શકીશ ખરો?”
રીડિંગ રીલ્સ
ઇન્દ્રિયજન્ય શિક્ષણ : પર્યાવરણ શિક્ષણ એ માત્ર વર્ગખંડમાં સાંભળવાનો વિષય નથી, પણ પાંચેય ઇન્દ્રિયો દ્વારા અનુભવવાનો વિષય છે.

No comments:
Post a Comment