વૉક વિથ વૉકેશન !
તમને કોઈ પૂછે કે, “તમે કઈ વાતનું સપનું
ક્યારે જોયું?” તો મોટાભાગનો જવાબ
હોય છે - “જે વાતને દિવસે જાણી, જોઈ કે સાંભળી, ત્યારે!” હા, આ સાચું છે. જ્યારે
આપણે કોઈ નવી વાત, નવી પરિસ્થિતિ કે
નવી વ્યક્તિ વિશે જાણીએ છીએ, ત્યારે તેમાંથી ગમતી
બાબતો આપણા મનમાં ઘર કરી જાય છે. આપણને એવું કરવાનું કે એવું બનવાનું મન થાય છે
અને આ રીતે આપણી આંખોમાં સપનાં રોપાય છે.
બાળકોના મનમાં પણ આવાં સપનાં રોપવા માટે તેમને વિવિધ
અનુભવોનું એક્સપોઝર આપવું જરૂરી છે. આ માટે પ્રાથમિક શાળાઓમાં વર્ષમાં દસ દિવસ
‘બેગલેસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસોમાં બાળકોની બેગનું ભારણ ઓછું કરી, તેમને પાઠ્યપુસ્તકોની બહારની દુનિયા સાથે જોડવાનો પ્રયાસ
થાય છે. આ પ્રવૃત્તિમાં બાળકોને એવી વ્યક્તિઓને મળવાની તક મળે છે, જેઓ પોતાના વિસ્તારની જરૂરિયાતો પૂરી કરતો વ્યવસાય કરે છે
અને સાથે સાથે પોતાની આજીવિકા પણ સુંદર રીતે રળે છે.
ગામડામાં રહેતાં બાળકોને તેમની આસપાસના માત્ર એટલા જ લોકો
કે બાબતોની જાણ હોય છે, જેમની સાથે તેમને
રોજબરોજનો સંવાદ કે વ્યવહાર કરવો પડે છે. પરિણામે, તેઓ મર્યાદિત
વ્યવસાયોની જાણ ધરાવે છે. સાચું કહીએ તો, તેઓ વ્યવસાયને નહીં, પરંતુ વ્યવસાયીને જાણે છે. ઉદાહરણ તરીકે, રોજ નજીકની દુકાનેથી વડીલોની સૂચના મુજબ સામગ્રી ખરીદવા
જવું – આટલું જ તેમનું કામ હોય છે અને તેમાં સંવાદ પણ મર્યાદિત રહે છે. જો તેમને
પૂછવામાં આવે કે, “દુકાનદારનો વ્યવસાય
એટલે શું?” તો તેઓ જવાબ આપશે, “ખરીદવું અને
વેચવું.” આટલું તેઓ સારી રીતે જાણે છે. પરંતુ “ક્યાંથી ખરીદવું? કેટલું ખરીદવું? શું ખરીદવું? કેવી રીતે વેચવું? ન વેચાયેલી વસ્તુનું
શું કરવું?” – આવા પ્રશ્નોના જવાબ તેમની
પાસે નથી હોતા, કારણ કે તેમનો આ અંગે ક્યારેય સંવાદ થયો નથી
કે તેમણે આ સાંભળ્યું નથી.
એવું નથી કે આવા પ્રશ્નો તેમના મનમાં નથી ઉઠ્યા. જ્યારે
દુકાનદારે કોઈ સામગ્રી માટે કહ્યું હોય કે, “નથી, ખલાસ થઈ ગઈ, આજે મંગાવું છું, કાલે આવી જશે,” ત્યારે બાળકના મનમાં
પણ આપણે વિચારેલા પ્રશ્નો ઉદભવ્યા હશે – “ક્યાંથી મંગાવશો? કેવી રીતે આવશે? કેટલામાં મંગાવશો?” ત્યારે દુકાનદારનો જવાબ હોય છે, “જથ્થાબંધ દુકાનદાર પાસેથી!”
જેઓ કૃષિ અને
પશુપાલનનો વ્યવસાય કરતી વ્યક્તિઓને મળ્યા. પશુપાલકોએ કહ્યું, “અમારી પાસે આટલી ભેંસો અને ગાયો છે, આટલું દૂધ ઉત્પાદન થાય છે, ગામની ડેરીમાં દૂધ
આપીએ છીએ અને આટલા નાણાં મળે છે.” આ સાંભળીને એક ગ્રૂપ ગામની ડેરી પર પહોંચ્યું.
ત્યાં તેમના મનમાં પ્રશ્નો ઉદ્ભવ્યા – “આખા ગામનું દૂધ ખરીદો છો, તેનું શું કરો છો? ક્યાં વેચો છો? કેવી રીતે મોકલો છો? કેટલામાં વેચો છો?” જવાબ મળ્યો – “મોટી ડેરીમાં!”
પ્રથમ સત્રની આ મુલાકાત દરમિયાન મળેલા જવાબોએ બાળકોના મનમાં
નવા પ્રશ્નો જન્માવ્યા. “જથ્થાબંધ સામાન વેચતી દુકાન કેવી રીતે ખરીદે-વેચે છે? આખા વિસ્તારની દુકાનો જ્યાંથી ખરીદે છે, ત્યાં એટલા બધા લોકો માટે ખરીદીની વ્યવસ્થા કેવી હશે? ગામની દુકાન કરતાં સસ્તું મળે તે માટે ભાવતાલ કે કોઈ
પ્રક્રિયા હશે?” એ જ રીતે, “મોટી ડેરી એટલે કેટલી મોટી? આખા ગામનું દૂધ
ટેન્કરમાં ભરી લઈ જાય છે, તો ત્યાં કેટલાં
ટેન્કરો આવતાં હશે? ખાલી કેવી રીતે
કરતાં હશે? તેમાંથી દૂધની કઈ-કઈ વસ્તુઓ બનતી હશે? આટલી બધી વસ્તુઓ કોણ અને કેવી રીતે બનાવતું હશે? તેને વેચવાની વ્યવસ્થા શું હશે?”
આ પ્રશ્નોના જવાબ શોધવા માટે અમે સૌએ પ્રયાસ શરૂ કર્યો.
બાળકોએ ગ્રૂપમાં પ્રશ્નોની યાદી તૈયાર કરી. શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખે
જવા-આવવાની તૈયારીઓ સંભાળી. “કેટલાં વાહનોની જરૂર પડશે?” તેની ગણતરી કરી, શાંતિલાલને મધ્યસ્થી
તરીકે રાખી વ્યવસ્થા કરવામાં આવી. દરેક વાહનમાં બેઠક વ્યવસ્થાનું લેખિત આયોજન
કરાયું. જમવાની વ્યવસ્થા માટે દર્શનાબેનને મધ્યસ્થી તરીકે સામેલ કર્યાં. “કેટલી
ડિશ કહેવી? ક્યારે જમવું? આખી થાળી કહેવી કે
પોષાય તેવી ડિશ નક્કી કરવી?” – આ બાબતો શાળાની
કેબિનેટમાં (પ્રમુખ, ઉપપ્રમુખ અને ગ્રૂપ
લીડર્સ) ચર્ચાઈ.
અને પછી, નક્કી થયેલા એક
દિવસે સૌ નીકળી પડ્યાં – બાળકોને વ્યવસાયોની નવી દુનિયા બતાવવા અને તેમની આંખોમાં
નવાં સપનાં રોપવા! પછી શું થયું? તે અમે કહીએ તેના
કરતાં અમારો વિડિયો તમને વધુ સારી રીતે જણાવશે. ક્લિક કરો અને માણો અમારા
‘વૉકેશનલ બેગલેસ ડે’નો અનુભવ !
પંચામૃત ડેરીની મુલાકાત.. 💫 Bag Less but Educationa full 💫
CLICK > PHOTOS
No comments:
Post a Comment