“મારું બીજું ઘર..!”
શાળા એ બાળકનું બીજું ઘર છે! - આવા સુવિચારો
આપણે સૌએ સાંભળ્યા, બોલ્યા અને માણ્યા પણ છે. પરંતુ એ બીજું ઘર બનાવવા માટે
શાળાઓએ શું શું કરવું જોઈએ? તે કેવી રીતે કરી શકાય?
“બીજું ઘર” - એટલે શું? તે માટે આપણે સૌએ
પાછા આપણા અથવા તો બાળકના પહેલા ઘર તરફ ડોકિયું કરવું પડે! બાળક શાળાને પોતાનું ઘર
માને તેવું શાળાનું પર્યાવરણ - વાતાવરણ બનાવવું હોય તો તેના ઘર તરફની આ નજર ખૂબ
જરૂરી છે.
બાળક સાથે તેના ઘરમાં થઈ રહેલા વર્તનને યાદ
કરીએ - તમે જો શિક્ષક તરીકે કામ કરતાં હશો તો તમને અનુભવ હશે કે વર્ગકાર્ય દરમિયાન
કેટલાંક બાળકોનો અવાજ એટલો ધીમોધીમો હોય છે કે આપણને એમ થાય કે અરેરે.. આ કેટલું
ધીરું બોલે છે. તેના મિત્રો તેની વાત સાંભળતાં પણ કેવી રીતે હશે? આટલા ધીમા અવાજે
સંભળાયેલી વાત સમજાતી કેવી રીતે હશે! પરંતુ આ બાળકો જેવાં વર્ગખંડની બહાર નીકળે
એટલે કે શિક્ષક તેની સામેથી ખસે અથવા તો મિત્રો વચ્ચે ઘેરાય કે તરત જ તેનો કંઠ
કિલ્લોલ કરતો જોવા મળે [એટલે કે સાંભળવા મળે] આ બાળકોના ઘરે જઈએ ત્યારે તેમના
પરિવારની ફરિયાદ સાંભળવા મળે કે અરે! આખો દિવસ ઘરે આ જપતાં જ નથી! બૂમો પાડ્યા કરે, રમ્યા કરે અને તોફાન
- મસ્તી કર્યા કરે છે! ત્યારે નવાઈ લાગે કે અલ્યા મારી સામે તો કંઈ બોલતું જ નથી, બહુ પૂછું ત્યારે
ધીરોધીરો જવાબ મળે! એવું તે શું થતું હશે?
વિચારીએ કે બાળક આપણી સામે આવે ત્યારે તેના
વર્તનમાં ફેરફાર આવવો - તે માટે તે જવાબદાર હોય છે કે આપણે? મિત્રો સામે કે
પરિવાર સામે મોટેથી અને ખૂલીને વર્તનાર બાળક આપણી સામે બંધન અનુભવે ત્યારે શિક્ષક
તરીકે આપણે આપણા વર્તનમાં કેવા કેવા ફેરફાર લાવવા જોઈએ? જેમકે..
● બાળક સામે મળે ત્યારે આપણે તેના મિત્રની જેમ
તેને મળીએ છીએ?
● તેને આવેલા આનંદ અથવા તો ગુસ્સા અંગે તેની સાથે
ક્યારેય વાત કરીએ છીએ?
● ભણવા/ભણાવવાની વાત સિવાયની હસીમજાક કરીએ છીએ?
● તેની અંગત કહેવાતી વાતો આપણી સાથે શેર કરી શકે
તેટલી નિકટતા કેળવીએ છીએ?
● તેના પરિવારના સભ્યોની જેમ તેને ટકોર કરે તે
પછીની હુંફ આપવાની પ્રક્રિયા કરીએ છીએ?
જો એક શિક્ષક તરીકે આપણે આ બધું નથી કરતાં
ત્યારે બાળક સાથે નિકટતા કેળવાય - બાળક આપણને પોતાનો મિત્ર - માર્ગદર્શક માને -
પોતાના પરિવારની જેમ સમજી તેની મુશ્કેલીઓ આપણને કહે - મિત્રની સામે ખૂલે તેટલો
આપણી સામે મોટેથી - મજાથી સંવાદ કરે - આવું બધું નથી થવાનું.
એટલે ફરી યાદ કરાવીએ કે જ્યારે શાળા એ
બાળકનું બીજું ઘરે કહીએ ત્યારે શાળા ભવનની વાત નથી. તેમાં કાર્યશીલ આપણે સૌએ
બાળકને તેના પરિવારના સભ્ય હોવાનો અહેસાસ કરાવવો પડે - ત્યારે જ શાળા જતા બાળકને
કોઈ પૂછે કે ક્યાં જાય છે? - ત્યારે તે બાળકનો જવાબના શબ્દો અલગ અલગ હોઈ શકે, પરંતુ ભાવ તો આ જ
હશે કે –
મારા બીજા ઘરે!
No comments:
Post a Comment