યોગદિવસ: એક દિનચર્યાનો ક્રમ અને ઉત્સવ!
વર્ષે યોગ દિવસ અને સાથે સાથે પ્રવેશોત્સવની તૈયારીઓની
દોડધામ હતી, છતાં પણ, યોગ દિવસ અમારા માટે અનોખો બની
રહ્યો. આમ તો યોગ એ રોજ પ્રાર્થના સભાનો
એક ભાગ અને દિનચર્યાનો ક્રમ બની ગયેલો છે. એટલે બાળકોને "યોગ દિવસ ઉજવવાનો
છે" એવું કહીએ ત્યારે આ કંઈ વિશેષ કરવાનું છે - એવું ક્યારેય લાગતું નથી
હોતું. વરસાદની અવરજવરવાળું વાતાવરણ એટલે યોગ દિવસની ઉજવણી સમૂહમાં કરવી કે
વર્ગખંડ કક્ષાએ? એ અવઢવ રહી. જોકે, મેઘરાજાની
મહેરબાનીએ સમૂહમાં યોગ દિવસ ઉજવવાનો મોકો મળ્યો.
શાળામાં સામાન્ય રીતે રોજિંદી યોગિક ક્રિયાઓ પ્રાર્થના સંમેલનમાં થતી જ હોય છે. માટે આ યોગ દિવસને ખાસ ખેલ મહાકુંભ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. ખેલ મહાકુંભમાં રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષા સુધી ભાગીદારી નોંધાવેલ બાળકોને મેન્ટર તરીકે પસંદ કરાયા. તેમના અનુભવોની વાતચીત સાથે, ખેલ મહાકુંભમાં યોગ ઇવેન્ટમાં કરાવવામાં આવે છે તેવી ક્રમબદ્ધ / તાલબદ્ધ યોગિક ક્રિયાનું બાળકોને એક્સપોઝર અપાયું. મેન્ટર પોતે પહેલાં કરીને બતાવે અને ત્યારબાદ ઇચ્છુક બાળકો તે કરે – તેમાં થતી ભૂલની ચર્ચા થાય અને આમ, ટ્રાય-એરરની ક્રમશઃ પ્રેક્ટિસ જાતે કરી શકે તેવો પ્રયત્ન કરાયો. કોઈ એક યોગિક ક્રિયા માટે કેટલી પૂરક ક્રિયાઓ જરૂરી છે – તેની પણ વાત થઈ.
ખાસ તો, "બાળકોએ યોગ શા માટે કરવા જોઈએ?"
એ પ્રશ્ન ખૂબ ચર્ચામાં રહ્યો. પ્રશ્ન એવો ઉદ્ભવ્યો કે,
"અમે સૌ બાળકો આખો દિવસ - રમવું, રખડવું,
દોડવું, કૂદવું – વગેરે રોજિંદી એટલી બધી
ક્રિયાઓ કરીએ છીએ કે આમ પણ અમારું શરીર સ્વસ્થતા માટે જરૂરિયાત કરતાં પણ વધુ કરી
લે છે, તો અમારે શા માટે યોગ કરવા જોઈએ?" અવનવી વાતોનો યોગ ચાલ્યો અને છેલ્લે એવું નક્કી થયું કે, આપણી રોજિંદી તમામ ક્રિયાઓ જે ઉપર ગણાવી - તે તમામ ક્રિયાઓ માટે શરીરમાં
થતી ક્રિયાઓને નિયમન કરવાનું કામ યોગ કરે છે. માટે મેદાનમાં શ્રેષ્ઠ કરવું હોય કે
વર્ગખંડમાં, યોગ એ સચોટ ઇલાજ છે. આવી તો ઘણી બધી વાતોની
ચર્ચા થઈ. આવી મથામણને પણ અમે સૌ તો એક યોગ જ કહીએ છીએ. હા, તમે
એને કોઈક નામ પાડી અમને મોકલાવી શકો છો. ત્યાં સુધી આ ફોટો/વિડીયો વડે માણીએ અમારી
ઉજવણીને..
No comments:
Post a Comment