June 27, 2025

પ્રવેશોત્સવ - એક જન્મોત્સવ !

પ્રવેશોત્સવ - એક જન્મોત્સવ !

શરૂઆતથી જ અવઢવ હતી કે પ્રવેશોત્સવ ક્યાં યોજીશું? બોક્સ ક્રિકેટ અને મેદાનનું સેટઅપ જોઈ, ખુલ્લામાં એક બર્થડે પાર્ટી હોય એમ ઉજવવાનું નક્કી કર્યું અને ટેગલાઈન મળી - "આ પ્રવેશોત્સવ નથી, બાળકનો વિદ્યાર્થી તરીકેનો જન્મોત્સવ છે!" અમારા આ વખતના ઍન્કર્સ ભારતી અને દર્શનાએ એ ટેગલાઈન ઉપાડીને જ એમની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કર્યું.

સામાજિક વિષય પર વક્તવ્ય આપવાનું હતું, એટલે ધોરણ ૬ અને ૭ના ચાર-પાંચ વિદ્યાર્થીઓને ગ્રામોત્સવ વિશે ડ્રાફ્ટિંગ કરવાનું કહ્યું: 'શા માટે ગ્રામોત્સવ ઉજવાય છે અને કેવી રીતે ઉજવાય છે?' – આ બધી વાતો દ્વારા સામાજિક સમરસતા વિશેની વાત કરવાની હતી. તેમણે પ્રયત્ન કર્યો, પરંતુ સ્ક્રિપ્ટ બહુ જામી નહીં. અંતે, રિતેશે નક્કી કર્યું કે, "આ વખતે તો હું જ રજૂ કરીશ. પછી જોયું જશે કે બીજા કોણ કોણ તૈયાર થઈ શકે છે."

સ્થળ વિશેની અવઢવ ચાલ્યા જ કરી. ઓપન ગ્રાઉન્ડમાં, બર્થડે પાર્ટી જેવું વાતાવરણ રાખી શકાય એમ વિચાર્યું હતું એ વરસાદના કારણે રદ્દ કરવાનું થયું.  શાળાને મળેલા નવીન ઓરડાઓ – જેને અમે સૌ ભાષાભવન તરીકે ઓળખવાના છીએ – તેનું લોકાર્પણ પણ કાર્યક્રમમાં ઉમેરાયું. આમ, સતત એક પછી એક કાર્યક્રમમાં ફેરફારો આવતા ગયા, સ્થળોમાં ફેરફાર આવતા ગયા. આમ છતાં, જે એક વસ્તુ નહોતી બદલાઈ, એ હતી કે આ ઉત્સવ છે અને આપણે એને ઉત્સવની જેમ જ મનાવવાનો છે! જેના આધાર પર આ શાળા વિશે, શાળાની પ્રવૃત્તિઓ વિશે, શાળાના વિદ્યાર્થીઓ વિશે ગામના વાલીઓ સુધી અને આવનાર મહેમાનો સુધી આપણે વાતને પહોંચાડી શકીએ. આપણી જે હકારાત્મકતા છે, જે આપણી એકતા છે, આપણો સંપ છે, આપણી સહજતા છે – તે બધાને ચખાડી શકીએ, જેથી એનું પ્રમાણ વધે અને શાળામાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં પણ એવી સહજતાનો ઉમેરો થાય.

અને આખરે એ દિવસ આવી પહોંચ્યો. શાળામાં વ્યાપેલી નિખાલસતાથી રાજ્યસભાના સાંસદ શ્રી જે.એસ. પરમાર સર પણ વાતાવરણમાં ભળી ગયા. શાળામાં પ્રોટોકોલ એમ પણ હોતો નથી, તેમને પણ આ સહજતાનો આનંદ ભરપૂર માણ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ એ જ રીતે થયું. સ્વાગતથી લઈને છેક આભારવિધિ સુધી, એ બધામાં એક જ ભાવ કેન્દ્રમાં રહ્યો: આ કોઈ એવો કાર્યક્રમ નહોતો કે જેના કારણે બાળકો કંટાળી જાય! આ તો એમનો જન્મોત્સવ હતો, એટલે તેઓ કેન્દ્રમાં રહે, તેમના વિશેની વાતો કેન્દ્રમાં રહે, શાળા કેન્દ્રમાં રહે, સંબંધો કેન્દ્રમાં રહે !

આજ કાર્યક્રમમાંથી કેટલાક નવા સપનાઓ વવાયાં. એમાંથી એક સપનું એટલે શાળામાં એક સ્ટુડિયો હોય! અને એ સ્ટુડિયો દ્વારા શિક્ષણ વિશેના વિવિધ પ્રકારના પોડકાસ્ટ અને વિડીયોઝ બને, લાઈવ સ્ટ્રીમિંગ પણ થઈ શકે!

ભાષા ભવનના લોકાર્પણ પછી સાંસદશ્રી વડે અપાયેલા ૨૦૦ છોડ સાથે સાથે, અમારા બાગમાં પ્રવેશેલા છોડ (બાળકો ) પણ ઉછેરતા રહીશું – સમાજ અને શાળા બંને એક યુનિટ બની બધા છોડની (વનસ્પતિરૂપી અને બાળકોરૂપી) માવજત કરતાં રહીશું.

જે આભારવિધિમાં કહેવાયું એ ફરી કહીએ તો - શાળાનું મુખ્ય કાર્ય તો જીવતાં શીખવવાનું છે. આ આધુનિક યુગમાં ઘણું  સારું થઈ ગયા પછી – નથી કોઈ રોગથી મરવાનો ખતરો, નથી અન્ય પ્રાણીઓ કે જંતુઓનો ખતરો – વિજ્ઞાનના આ યુગમાં આપણે એ બધા ખતરાઓથી જેમ જેમ મુક્ત થતા જઈએ છીએ તેમ તેમ શારીરિક સુરક્ષામાં રહેતા થઈ ગયા છીએ. હવે ઘટે છે એ કે આપણને સાથે મળી જીવતાં આવડતું નથી. સાથે મળી જીવવું એ આગવું કૌશલ્ય છે – અને જે જે મનુષ્યોને એ કૌશલ્ય પ્રાપ્ત થઈ જાય તેઓ સૌ પ્રસન્નતાથી જીવતા પણ થઈ જાય અને સૌને જીવવામાં મદદ પણ કરી શકે. અને એટલે જ આપણી શાળાને કોઈ પૂછે કે 'તમે અહીંયા શું શીખવાડો છો?' તો અમે એકસૂરે કહીશું: "અમે સૌને સાથે મળી સહજતાથી જીવતાં શીખવીએ છીએ."

સહજતાના આ આશીર્વાદ વરસતા રહો, ગામેગામનાં બાળકોને આવા સહજતાના આશીર્વાદ પ્રાપ્ત થાઓ! જુઓ પ્રવેશોત્સવ








No comments: