ચોપડીના 💭 અને 💀 ખોપડીના પ્રયોગો !
બે વર્ષના સામૂહિક ઉજવણીના ઉપવાસ ક્રમે ક્રમે છૂટી રહ્યા છે. સમૂહમાં કામ કરવાનું નામ પડે કે તેમનો થનગનાટ બેવડાઈ જાય છે. ખેલ મહાકુંભમાં ભાગીદારી માટેનું ટીમ વર્ક સાંજે છ સાત વગાડતું હતું.
એવામાં આવતો હતો વિજ્ઞાન દિવસ. નિયમિત રીતે, ચુક્યા વગર થતા પ્રયોગો એક તરફ અને સાગમટે થતા - ચોપડીના અને ચોપડી બહાર પોતાની ખોપડીના પ્રયોગો કરવાની મજા અલગ. લગભગ 12 દિવસ પહેલાથી જ વિજ્ઞાન દિવસ ઉજવવાનો નક્કી થયેલો. આમ તો પ્રયોગોની અને આકૃતિઓ દોરવાની વહેંચણીની પ્રક્રિયાથી શીખવાની શરૂઆત થઈ. તમામ બાળકો તેમની રુચિ પ્રમાણે કંઈક ને કંઈક વિભાગ સાથે જોડાઈને વિજ્ઞાન દિવસની ઉજવણી કરવા તત્પર હતા, જેમાં શરત એ હતી કે પ્રયોગના સાધનો જાતે બનાવવાના, લાવવાના કે શોધવાના ! આ ચેલેન્જ પૂરી કરવા બાળકોની દોટા- દોટ તેમને વિજ્ઞાન તરફ લઈ જતી હતી. અને ટીમ પ્રમાણે તેમનું પ્રદર્શન અને ગ્રુપ પ્રમાણે બાળકોનું નિદર્શન જાણે કે બાળકોને સમૂહ ભાવનાના મૂલ્ય તરફ લઈ જતું હતું. વિજ્ઞાન દિવસના માહોલમાં બાળકો, એ રીતે રંગાઈ ગયા હતા કે દરેક બાળક પોતાનું બેસ્ટ પ્રદર્શન આપવા માંગતું હોય. પોતીકા આયોજનનું આકાશ ખુલી ગયું હતું. અને એ આકાશમાં વિવિધ વૈજ્ઞાનિકોના ખ્યાલો (વક્તવ્ય), વૈજ્ઞાનિક સાધનોની ઓળખ સાથેનું પ્રદર્શન, 6થી8 ના તમામ પ્રયોગો, 6 થી 8 ની તમામ આકૃતિઓ, ચાર્ટ દ્વારા તફાવત, ૪૦ જેટલી વ્યાખ્યાઓનું ચાર્ટ દ્વારા પ્રદર્શન, જાદુના ખેલ, પ્રયોગ કેવી રીતે લખવો તેનું ચાર્ટ દ્વારા પ્રદર્શન વગેરે વૈજ્ઞાનિક ક્ષેત્રો સાંકળી લીધા હતા.
જ્યારે આટલા બધા વૈજ્ઞાનિક વિભાગો એકસાથે ગ્રીન હોલમાં તૂટી પડ્યા ત્યારે લાગતું જાણે વિજ્ઞાનની ચોપડીઓમાંથી પ્રયોગો અને આકૃતિઓ કૂદકા મારીને બહાર આવી અમારા ગ્રીન હોલમાં નૃત્ય કરી રહી હોય! કેટલાંક બાળકો ઘણું હસ્યા અને શરમાયા જ્યારે સાચે જ પેરિસ્કોપ, કેલિડોસ્કોપ, ટેલિસ્કોપ અને સ્ટેથોસ્કોપના સાધનો જોઈ સંકલ્પના સ્પષ્ટ કરી.
વૈજ્ઞાનિકો વિશેના ખ્યાલો,સાધનો-ઓળખ-ઉપયોગો, પ્રયોગો કરવાની મથામણ, આકૃતિઓ દોરવાની અને એમાંય ચાર્ટમાં બોર્ડર દોરવાની મઝા જેવી મેરેથોન વૈજ્ઞાનિક પ્રક્રિયા બાળકોને સર્જનાત્મકતા અને જિજ્ઞાસાવૃત્તિને વધારે તેજ બનાવતી હતી.
શાળાના બાળકો, નહિ; ગામના યુવાનોએ પણ ભાગીદારી કરી.
એક તહેવાર પૂરો થાય અને તેની નિશાનીઓ ઠેર ઠેર દેખાય તેમ આપણા આ વિજ્ઞાન દિવસની ઉજવણીની નિશાનીઓ શાળાના પ્રયોગશાળામાં મઢાઇ ગઈ… >
ચાલો જોઈએ ફોટોગ્રાફ્સ વડે
No comments:
Post a Comment