21મી સદીના કૌશલ્યોની ચાવી - વાલીઓનો વિશ્વાસ !!
નજીકના
ગામનો એક છોકરો. જ્ઞાનસેતુ પરીક્ષામાં મેરિટમાં આવ્યો. શિષ્યવૃત્તિ મળી.
ખાનગી શાળાના દરવાજા ખૂલ્યા. ઘરમાં ચર્ચા થઈ, "ત્યાં ભણાવો, ભવિષ્ય સુધરશે." ત્રણ મહિના પછી એ છોકરો શિષ્યવૃત્તિ
છોડીને આપણી શાળામાં પાછો આવ્યો. કારણ
પૂછ્યું તો તેણે કહ્યું, "ત્યાં માત્ર જવાબ આપવા પડે. અહીં સવાલ પૂછી શકાય છે." આ એક વાક્ય ઘણું
કહી જાય છે.
આપણી
શાળા ૨૧મી સદીના કૌશલ્યોમાં માને છે. ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, ડિસિઝન મેકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ અહીં માત્ર ચાર્ટ
પરના શબ્દો નથી. વર્ગખંડ, મેદાન, ખેતીના ક્યારા અને જૂથ ચર્ચામાં આ કૌશલ્યો જીવંત છે.
પેન-પેપર વર્ક જરૂર પૂરતું છે, બાળકનો આત્મવિશ્વાસ વધારે છે. શરૂઆતમાં વાલીઓ ફરિયાદ કરે પણ
છે. ગૃહકાર્ય ઓછું લાગે છે. ભણતરની ઓળખ હજી પણ ચોપડી, લેસન અને પરીક્ષા સુધી સીમિત છે. વાલીઓને ત્વરિત પરિણામ
જોઈએ છે. જ્યારે શાળા નવી દિશામાં મક્કમ રહે ત્યારે જ પરિવર્તન આવે છે.
૨૧મી સદીના કૌશલ્યો ત્યારે જ ખીલે જ્યારે ભૂલ
કરવાની છૂટ મળે. ભૂલ ગુનો નથી. નિર્ણય આપવાને
બદલે નિર્ણય લેવાની તક ઊભી કરવી
પડે. અહીં "ખોટો" જવાબ પણ "રસપ્રદ" ગણાય છે. આ
પ્રક્રિયામાં ધૈર્ય જરૂરી છે. વાલીઓ, સમાજ અને શાળાએ ધીરજ રાખવી પડે.આપણી શાળામાં દર વર્ષે જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધનામાં ૧૫ થી ૨૦
બાળકો મેરિટમાં આવે છે. ખાનગી શાળામાં મફત ભણવાનો વિકલ્પ છે. આર્થિક બોજ નથી. છતાં
ગામ ટક્યું છે. વાલીઓ અને બાળકોનો ભરોસો ટક્યો છે. અન્ય ગામથી - શાળામાંથી બહાર
ગયેલા બાળકો પરત આપણી શાળામાં આવ્યા છે.
|
રીડિંગ રીલ્સ : વાલીઓ
એ શાળા પર ભરોસો કરે છે, જે શાળા બાળકો પર
ભરોસો કરે છે ! |
વાલીઓનો શાળા પર ભરોસો ત્યારે ઊભો થાય જ્યારે
શાળા બાળક પર વિશ્વાસ મૂકે. AI અને YouTube ના યુગમાં માહિતી મફત છે. ભરોસો મોંઘો છે.
ખાનગી શાળાઓ સુવિધાઓ આપી શકે, ભરોસો ખરીદી શકતી
નથી. તે ધીમે ધીમે ઊભો થાય છે. જ્યારે શિક્ષક બાળકને નામથી ઓળખે અને બાળક ડર્યા
વગર "મને ખબર નથી" કહી શકે ત્યારે શિક્ષણ સફળ થાય છે.
૨૧મી સદી માટે તૈયાર થતી શાળા ૨૦મી સદીમાં ઘડાયેલા સમાજ સાથે સંવાદ કરતા રહેવું પડશે !

No comments:
Post a Comment