October 02, 2018

“વૈશ્વિક જન તો તેને રે કહીએ...”



“વૈશ્વિક જન તો તેને રે કહીએ...”
       આજે ફરી બીજી ઓક્ટોબર હતી. અને સૌના હાથવગા એવા સોશિયલ મીડિયા પર ગાંધી છવાયેલો હતો. જન્મના ૧૫૦ વર્ષ પછી ય તેનો જાદૂ એવો જ છે એના ઘણા ઉદાહરણો શાળાએ અનુભવ્યા છે. ચોરી કરનારને બીજાની પીડા સ્પર્શે અને તે વસ્તુ પાછી મૂકી જાય એવી વાતો જીવિત (શરીરથી જીવિત, બાકી આ ડોસો અમરત્વ લઈને જન્મ્યો પછી મુન્નાભાઈની જેમ ઘણા લોકોમાં કેમિકલ લોચો કરતો જ રહે છે. ) ગાંધીના સમયની વાતોમાં આવતું. એ જ અમે જાતે અનુભવ્યું છે. જુઓ > મુલ્યોની શક્તિ હજુ જીવંત છે અને પ્રેમની પરીક્ષા કરાવતું લેપટોપ  
ગાંધીએ શું કર્યું એ કહ્યા કરતાં, બાળકો સાથે અમારા પ્રયત્ન રહ્યા કે એ ગાંધી ગુણને બહાર લાવવાની કોશિશ કરે. સ્વચ્છતાથી શરૂ કરી. મુશ્કેલીઓનો ચર્ચા વડે ઉકેલ, પોતાની જાત પહેલા બીજાનો વિચાર કરવો, સંપથી જીવવું, ફોર્માલીટીને બદલે નૈસર્ગિક રીતે જીવન જીવવું... જેવા પ્રયાસો કરતા રહ્યા. ગામમાં ય ગાંધી ફૂટતો જ રહ્યો છે. વેરવિખેર ગામ માત્ર અમારાથી એક ના થયું હોત. 
       બાપુનું પ્રિય ભજન જે નરસિંહ મહેતાએ પંદરમી સદીમાં લખેલું...હજુ ય વાંચીએ તો થાય કે આ આધુનિક સમયમાં “વૈશ્વિક જન તો તેને કહીએ...” એમ કરી ગાઈએ તોય સુખી સંસારની ચાવીઓ એમાં સમાયેલી છે.
વૈષ્ણવ જન તો તેને કહિએ, જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે..
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જીહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે
 મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે
વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યાં રે....
એક એક કડીમાં જાણે શાંતિથી જીવન જીવવાની ચાવીઓ છે...
           જયારે દરેકને બીજાની પીડાનો અહેસાસ થાય પછી જગતમાં પીડા રહેશે જ નહિ... અને ઉપકાર કેવો ? જે થઇ શક્યું તે કર્યું..બસ એટલું જ..એમાં મેં કર્યું એવું કર્તુત્વ પણ નકામું થઇ જાય. નાના મોટા એવા ભેદ ભૂલી જઈ, સૌને માન આપે. નિંદા કરવાને બદલે જે તે ની ખામી તેના મો પર કહે અને વ્યક્તિ દ્વેષ રાખવાને બદલે તેની ખામી સુધારવા મથે. જે પોતાના લોભ માટે અસત્યનો સહારો ના લે. બીજાની વસ્તુ ઝુંટવી ના લે અને આવી સ્થિતિમાં બીજાને કેવું લાગશે તે વિચારે. અર્થવિહીન ગુસ્સો કરવાને બદલે, સમસ્યાઓને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરતો રહે. આવો માણસ વૈશ્વિક માનવ છે.
આવો માણસ કોઈ બની શકે ? હા, એવો જન્મ્યો છે, મોહનદાસ થઇ...જીવ્યો છે આ જ ધરતી પર અને હજુ ય જીવતો રહેશે આપણા સૌમાં જેમ માતાજી પંડમાં આવે એમ આપણા પૈકી કોઈક કોઈકના પંડમાં એ આવશે.
"સૌના પંડે ગાંધી આવે" - એવી ગાંધી જયંતીએ શુભકામનાઓ ! 







   

  
  





No comments: