June 30, 2017

સિંહાવલોકન – સ્મૃતિધારા !


સિંહાવલોકન – સ્મૃતિધારા

નવી જગ્યાએ રહેઠાણ ગોઠવવું અને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરવી બંને ઉત્સાહજનક અને ગુંચવણ ઉભી કરનારા હોય ! લાંબા વેકેશનમાં જુદી રીતે ઠરી ગયેલી દૈનિક ઘટમાળને ફરી નવું શીખવા માટે બદલવાનો આ સમય ખુબ અગત્યનો હોય છે. કેટલાક બાળકો હજુ મામાને ઘરે હોય – તો કેટલાક અહી, મામાને ઘરે ભણવા આવી ના પહોચ્યા હોય ! સ્કૂલ બદલાતી હોય – શાળા પરિવારમાં નવા સભ્યો ઉમેરાતા હોય – આવામાં કોઈક અ-સરકારી આયોજન જરૂરી હોય છે. બે વર્ષથી સ્મૃતિધારા એ થીજેલી ઘટમાળને પ્રવાહીમાં પલટાવાનું કાર્ય કરે છે.
        આયોજન ગત વર્ષ જેવું જ હતું, પણ અમલ કરનાર આપણા પક્ષે ૬ થી ૮ માં હવે ચાર શિક્ષકો છે. એટલે પહેલો ફેરફાર એક માસ્ટર ક્લાસ કે જેમાં ૬ થી ૮ ના મિશ્ર વિદ્યાર્થીઓ હશે જેમણે ગત વર્ષનું જ નહિ ગત બે-ત્રણ વર્ષનું કાર્ય કરાવવું પડે. દરેકે પોતાની રીતે અલગ આયોજન તૈયાર કર્યું કે આપણને ગયા વર્ષ આખામાં એવા કયા કયા મુદ્દા હતા જે ના આવડવાને કારણે મુશ્કેલી પડી. દરેક એકમને એનાથી વધુ માઈક્રો બનાવવાનો પ્રયત્ન થયો – જેમ કે ગુણાકાર – એમ નહિ – ગુણાકારમાં એક અંકની સંખ્યા ગુણ્યા એક અંકની સંખ્યા, બે અંકની સંખ્યા ગુણ્યા એક અંક (વદ્દી વગર –વદ્દી સાથે) બે અંક ગુણ્યા બે અંક – એમ ત્રણ-ચાર અંક સુધી !
        ભાષામાં એક જ વાર્તા લઇ તેને આધારે શબ્દો – તેના પરથી વાક્યો – બીજે દિવસ એ જ વાર્તા હિન્દીમાં અને તેના પરથી શબ્દો અને વાક્યો – એમ ઉપક્રમ ! શિક્ષકે એક દિવસ પૂછ્યું કે કાલે ચોથા ધોરણનું કયું ગીત ગાઈશું ? એની ચર્ચામાં વળી વર્ગમાં ચાર ચાર બંગડી ગુંજી – એક કાવ્ય આધારે જેમ અર્થગ્રહણની પ્રવૃત્તિ થાય એમ એ ગીત ગાવાનું અને તેને આધારે પ્રશ્નોત્તરી – ખરા ખોટા- સમાન અર્થવાળો શબ્દ શોધો – એમ ધાર્યા કરતાં જુદી પણ બાળકોને મજા પડે એવી પ્રવૃતિઓ પણ યોજાઈ. પ્રાર્થનાઓ ગાવી તે ય વર્ગમાં – એટલે એ તેમનામાં સહજતા લાવે અને તેઓ કાવ્યગાન અને તેના રસાસ્વાદ માટે તૈયાર થાય ! આઠમા ધોરણના વિદ્યાર્થીઓ મોડ્યુલમાં વાંચી ગયા કે “પર ગ્રહવાસી” આવતા હોય તેવી ફિલ્મ – અને શિક્ષિકાએ કેટલીક ફિલ્મો ‘કોઈ મિલ ગયા, અવતાર’ જેવા નામ કહ્યા તો એમણે છણકો કર્યો કે તમે એવું તો કઈ બતાવ્યું નહિ – હમણાં તો છટક્યા કે મોર્નિંગ સ્કૂલમાં એવો સમય નહિ અપાય – પણ બતાવવી તો પડશે જ ! ( કઈ મૂવી બતાવી શકાય? )
      સ્મૃતિધારા બીજી એક રીતે શિક્ષકોમાં એ સમજ ઉત્પન્ન કરે છે કે વિષયની બાઉન્ડ્રી પાઠ્યપુસ્તક બાંધે છે- ખરેખર શીખવા માટે કોઈ પણ વિષય ફ્રેમ વગરનો જ હોય ! ભાષાના ગીત પરથી વિજ્ઞાન અને તેના પરથી ગણિત એમ બધું અરસ પરસ જઈ શકે.
ગત વર્ષના અમારા અનુભવો આ રહ્યા >>> याद करके आगे बढे !!
આમ જ હરેક વર્ષ તેમના મો પર સ્મિત લાવવાના કામમાં આવે એ વાત સ્મૃતિમાં રહે તોય ઘણું ! 

No comments: