April 30, 2019

વર્ગખંડમાંની વ્યક્તિગત દરકાર !



વર્ગખંડમાંની વ્યક્તિગત દરકાર !
  કાલ્પનિક ઘટના....[૧]
એક શાળામાંથી બાળકો પ્રવાસે ગયા છે. તેમની દેખરેખ અને  દરકાર માટે શાળાના શિક્ષકો પણ તેમની સાથે ને સાથે બસમાં પ્રવાસ કરી રહ્યાં છે. બાળકો અને સૌ શિક્ષકો એક સ્થળે થી બીજા સ્થળે ફરી ફરી પ્રવાસની મોજ માણી રહ્યા છે. પ્રવાસના એક સ્થળે ખબર પડે છે કે એકાદ બે બાળકો જે આપણા સાથે પ્રવાસે નીકળ્યાં હતાં તે અધવચ્ચે છૂટી ગયાં છે. ત્યારે ? પૃથ્વી પરનો કોઈ શિક્ષક એવો નહિ હોય કે આ જાણ્યા પછી હૃદયનો એક ધબકારો ચૂકી ન જાય ? કારણ ?
   વિચારીએ બાળકો સાથેના વર્ગખંડના શૈક્ષણિક પ્રવાસની ઘટના..[૨]
આખું વર્ષ ભણાવ્યા પછી વર્ષાન્તે કસોટીના પરિણામ બાદ આપણને ખ્યાલ આવે છે કે ફલાણા ધોરણના આપણી સાથે શૈક્ષણિક પ્રવાસે નીકળેલા આપણા ધોરણના બાળકો પૈકી કેટલાંક બાળકો અભ્યાસક્રમમાં પૂરું શીખવાને બદલે વચ્ચેથી છૂટી ગયાં છે. ત્યારે ? ત્યારે આપણો ધબકારો ચુકે છે ખરો ? કારણ ?
ઉપરોક્ત ઘટનાઓ જોઈએ તો પ્રક્રિયાઓ સરખી જ થાય છે. એકમાં બાળક જાતે છૂટી જાય છે અને બીજી ઘટનામાં તેનું શિક્ષણ કે જેનું જીવનમાં મહત્વનું સ્થાન છે તે, છુટી જાય. છે  પરંતુ બંનેમાં ચિંતાનું પ્રમાણ વધઘટ જણાય છે. તેનું કારણ છે જે તે સમયની બાળકોની “વ્યક્તિગત દરકાર”! પ્રવાસ સમયમાં તમે જોશો કે બાળકો પ્રત્યેની આપણી વ્યક્તિગત દરકાર ચરમસીમાએ હોય છે.તે સમયે આપણા માટે  તે ટોળાનો એક ભાગ ન હોતા વ્યક્તિગત પ્રવાસી હોય છે. તેથી દરેક બાળક પ્રવાસમાં સાથે અને  સામે રહે તે માટે ચિંતિત હોઈએ છીએ. અને તે જ કારણે તેના પ્રત્યેની વ્યક્તિગત જવાબદારી આપણે વહન કરતાં હોઈએ છીએ. આપણો એક ધબકારો ચૂકવો એ આપણી તેના પ્રત્યેની દરકાર દર્શાવે છે.
શિક્ષક તરીકે જોઈએ તો આપણે સૌ જાણીએ છીએ જ કે, શિક્ષણ પણ બાળકના જીવનની એટલી જ મહત્વની બાબત છે જેટલી પ્રવાસમાં આપણા માટે બાળકની દરકાર ! તો આવા શૈક્ષણિક પ્રવાસમાં આપણાથી પાછળ રહી જનાર માટે પણ આપણી ચિંતા એટલી જ હોવી ઘટે !
માટે જ, આખા વર્ગખંડમાં બે ચાર તો હોય જ વાળો ડાયલોગ છોડી તેઓની પણ દરકાર શરુ કરીએ કારણ કે આપણા માટે ભલે તે બે ચાર હશે પણ હકીકતમાં તો તે બે ચાર કુટુંબનું ભવિષ્ય છે !

No comments: