😢 શાળા સંભાળનારનાં સંભારણાં ! 😢
સૌને ખબર હોય છે સતત કે આ આઠમું પાસ કરીશું એટલે શાળા છોડી બીજી જગ્યાએ ભણવા જવાનું જ છે. પણ સૌ એ યાદ કરવાનું ટાળીને “આજ” ની મોજ કરતા રહે છે.
“તેરી પૂજા કરું દિલ સે...મેરી પૂજા અમર કર દો...” તેના સૂર એવા રેલાતા કે સૌ થોડીવાર થંભીને સાંભળી રહેતા. હિન્દી સોન્ગ્સ હોય કે હોય પ્રાર્થના ભજન કે ગુજરાતી લોકગીત...તે અમારા ફોન લઇ તેમાંથી સાંભળી રીયાઝ કરતી..અને એ અમારી સિંગિંગ સ્ટાર નેહલ...અહિયાં રોજ નહિ હોય ! હવે તેનો અવાજ સાંભળવા તેની રાહ જોવી પડશે. આ નેહલબેન ને પાછો કૂવાનો ઘણો શોખ...અને એ શોખને શોક માં બદલાતા અટકાવનાર અમારી કાબરી...તું ય એને સદાય સાથ આપજે !
સ્કૂલ ખુલતા પહેલા જરૂર પડે કિશનની ... “કિશનમ શરણમ ગચ્છામી !” એના વગર કઈ ચાવી ક્યાં છે કોણ કહે ?! હાથમાં ચોક લઈ દરરોજ શબ્દ લખાવવા ઊભી રહેતી ભૂમિ જાણે હોમવર્ક ચકાસવા ઊભી હોય એમ લાગતું. તેણે શાળાના ઉપપ્રમુખ તરીકે શપથ લીધા અને તેનો આખો નેચર બદલાઈ ગયો ! ક્યાંક બહાર ફરવા ગઈ હોય તો શાળા માટે વસ્તુ ખરીદીને લાવે ! દરેક બાબતમાં તે સ્પષ્ટ હોય કે આમ કરવું જોઈએ અને આમ ના કરવું જોઈએ... સમૂહ બેઠકોમાં ગુંજતા તેના શબ્દો "હાથ ઉપર, સામે...અવાજ બંધ !" યાદ આવશે.
ઉપપ્રમુખ તરીકે ભૂમિ જેટલી ચોકસાઈ ભલે નહોતી પણ વૈભવ એ સાચે જ ગૌરવ અપાવે તેવો પ્રમુખ... બેધડક કોઈની પણ સામે સટિક રજૂઆત કરવી...અને દરેક બાબતમાં તર્કસંગત મુદ્દા મૂકવા ! એની પૂરેપૂરી શક્તિઓ વડે ખીલે એ અભ્યર્થના હજુ ય છે !
શાળાની લાઈબ્રેરી ને સતત જીવંત રાખતી અને એક સવાલ પૂછીએ એની સામે લાંબુ લેક્ચર આપતી, ભારે રિસામણી નિકિતા અને ગમ્મે તે લડીએ ચૂપચાપ સાંભળી .. હા ..એમ કરીએ કહી...આગળ વધી જતો એનો જ ભાઈ નિખિલ... ! તું હવે કબડ્ડી જીતવાનું લક્ષ્ય હાઈસ્કૂલમાં પૂરું કરજે.. દર વખતે કબડ્ડી ટીમ તાલુકા માંથી પાછી આવે ત્યારે ખોખો ની ટીમ ફાઇનલ સુધી જાય તેવી અમારી ખોખો ટીમના સભ્યો ! ધોરણ છઠ્ઠાથી શાળામાં આવેલી, ઓછું બોલતી, વધુ દોડતી એવી ઉર્વશી જેની પેપર સ્ટાઇલ ઘણા સમય સુધી નવાનદીસર માટે ટ્રેન્ડસેટર રહેશે.. દોડમાં જેણે શાળાને નવી ઓળખ અપાવી તેવો જયદીપ અને ગોળાફેંક માં નવા નદીસર ની પરંપરાને આગળ વધારનાર રીન્કુ તમને અમે ક્યારેય નહીં ભૂલી શકીએ..
અમારી પાસે એક મસ્તી ટીમ હતી. બધા ભાગફોડિયા... વિજ્ઞાનમાં તરાપો બનાવવાનો ડેમો કરવાનો હતો..અને જીગર અને તેની ટીમ તરાપો બનાવી પાનાઈ ના કોતરમાં સાક્ષાતકાર કરવા જતી રહી..તેમને માટે અમારે દરેક વખત અલગથી જ વિચારવું પડે. બેટ્ટાઓ હવે તમને તમારી ભૂલો પર શાંતિથી હાથ ફેરવી સમજાવવા વાળું કોઇ નહીં હોય એ યાદ રાખજો.
ગણિત ગણતી અને એન એમ.એમ.એસ. ની પરીક્ષામાં મેરીટ માં આવનાર ભૂમિકા ! વકૃત્વ માં જગદીશ અને હાર્દિકને સીધી ટક્કર આપતી. હા, હાર્દિક તારું માથું દુખવું ય અમને યાદ રહેશે. અને જગદીશ હવે તારા વગર શાળામાં પ્લાસ્ટિક નહિ એટલે નહિ...નો નારો કોણ બુલંદ રાખશે ?
શાળામાં બનેલી ઘટનાઓની છાનબીન અને જે ગુપ્તચર બનવાના બધા ગુણ ધરાવે છે એવો અમારો "અજિત ડોભાલ" - ભાવેશ, લવ યુ 🤗
અને હા, રોહિત હવે તું ડાયલોગ બોલી શકું, "આઠ આઠ વર્ષની આ પ્રાથમિક શાળાની આનંદની બેડીઓ તોડીને...." તારો એ રમુજી સ્વભાવ જીવંત રાખજે.
પોતાની વિષમ સ્થિતિઓને પરાસ્ત કરી શિક્ષણ મેળવવા મથનાર રમેશ, પરેશ, ટીનો, હેમાલી, દીનિકા, રીમા, વૈશાલી, સપના, અનિતા, ગાયત્રી, આર્યન, રાજુજી,રાજેશ્વરી, તમે બધા તમારો આ જઝ્બા જાળવી રાખજો.
મિતેશ, તારી રસોઈ બનાવવાની કળા વધુ નિખરશે જ...ત્યારે અમને જમાડવાનું ભૂલતો નહિ. કોમલ તારા લગ્નગીતો અને આપણી ૩૭૭ વાળી મજાક દરરોજ નાસ્તા ટાઈમે યાદ આવશે...
અને હિનાબેન તથા વંદનાબેન હવે જરાક બોલકા થજો... મુશ્કેલી સાંભળવા અમે તૈયાર જ હોઈશું...
જ્યારે બધાને અમારા કહ્યા પછી એમાં પોતાની સુવિધા જોવાની જ થતી ત્યારે તે સમગ્ર હિતને જ ધ્યાનમાં રાખ્યું છે એવી હેમાલી તું ગ્રામોત્સવ માં એકલા જ ડાંસ કરવા તૈયાર થયેલી ! તારું એ ડેડીકેશન ક્યારેય નહી ભૂલાય.. તો નેહાબેન તમે હંમેશા તમને યોગ્ય લાગે તે જ કરતા...એ જીદ જીવનમાં ય ચાલુ રાખજો 😂 તું ઇચ્છું છું તે મેળવું છું એ તને મળતું જ રહે 💫 પ્રિયંકા તું આઠ વર્ષમાં કુલ આઠ કલાક પણ બોલી નહિ હોઉ...પણ તારું પરિણામ હંમેશા બોલ્યું છે...એ એમ જ બુલંદ અવાજે બોલતું રહે.
અને છેલ્લે જે આઠ પાસ કરી દીધું પણ હજુ બધા પાંચમા માં છું એમ જ સમજે એવી નાનકડી નાઝમીન !
બેટા, એક ફોર્મમાં લગાવવા તારી પાસે ફોટા મંગાવ્યા હતા..એક વધ્યો અને તે ખિસ્સામાં મૂક્યો...ને જાણે એ જ દિવસથી શાળાનું ગુડલક શરૂ થઈ ગયું. જુદા જુદા એવોર્ડ્સ થી આપણી દીવાલ ભરાઈ ગઈ છે...તેમાં સર્વોચ્ચ છે એ તારો જ છે.... નાઝું તારું "જો....ને.....સાહેબ..." સંભળાવવા આવતી રહેજે.
એન્ડ યેસ, બોયઝ કીપ ધ જોશ હાઈ... એન્ડ ગર્લ્સ ડોન્ટ ફરગેટ અવર પ્રોમિસ એન્ડ કોડ ઓફ ઇ-મેઇલ !
હેપ્પી જર્ની ટુ ઓલ
No comments:
Post a Comment