January 17, 2021

ઉત્તરાયણનો ઉત્સાહ અને શાળા !

 
ઉત્તરાયણનો ઉત્સાહ અને શાળા !

શાળામાં બાળકો હોય તે સૌથી આનંદ આપનારું વાતાવરણ છે. ઘરે એકાદ બાળક તહેવારના દિવસે બહાર ગામ ગયેલો હોય ત્યારે જેમ ઘરમાં ઉજવણીનો ઉત્સાહ ઠરી જતો હોય છે , તેમ શાળાઓ પણ અત્યારે ઠરી ગયેલી છે. બાળકો વિના શાળામાં તહેવારોની ઉજવણી પણ જાણે વરસાદ વિનાના ચોમાસા જેવો અનુભવ કરાવે છે. બાળકો વિના બધું જ નકામું ઘરમાં બોલતું આ વાક્ય શાળાઓને પણ લાગુ પડે છે.

શાળાઓને હાલની કોરોના સ્થિતિમાં બાળકો સાથે જોડાઈ રહેવા માટે અત્યારે સૌથી વધુ ઉપયોગી સાબિત થઈ રહી હોય તો તે ટેકનોલોજી છે. બાળકો સાથેનો બે મિનિટનો સંવાદ કામ કર્યાનો થાક દૂર કરી નવું કામ કરવાનો ઉત્સાહ ભરી દે છે. બાળકો શાળામાં નથી ત્યારે ખબર પડે છે કે વર્ગખંડોમાં  બાળકો આપણા ‘થાક-શોષક’ તરીકેનું પણ કામ કરતા હતા. એવું નથી કે શિક્ષક તરીકે આપણે એકલા જ સૂના પડી ગયા છીએ. સામે પક્ષે બાળકોની પણ સ્થિતિ આપણા જેવી જ હોવાનું દેખાઈ આવે છે. ગામમાં બાળકોના ફળિયામાં જવાના સમયે શિક્ષક ન પહોંચે કે તરત જ બાળકોનો ફોન આવે. જેમાં એક ડાયલોગ તો હોય જ કે, ”એવું હોય તો અમે શાળામાં આવી લેસન બતાવી જઈએ એમાં બાળકોનો ટોન સમજાવી જાય છે કે અમેય શાળા વિના થાક્યા. આવી સ્થિતિમાં ઘરે ને ઘરે જ હોય બાળકો માટે તહેવારની ઉજવણીનો એ ચાર્મ હવે રહ્યો નથી જે શાળામાં રજા પાડવાથી મળતો. રોજ રવિવાર હોય તો પછી જેમ રવિવારની રજા નો આનંદ ઓગળી જાય એમ બાળકોની સ્થિતિ પણ આવી જ બની હોવાની ચાડી પેલો ડાયલોગ કરી જાય છે. સાહેબ, લેસન બતાવવા આવી જાઉં ?

ઉત્તરાયણ નો તહેવાર બાળકો માટે પ્રિય તહેવારમાં  પ્રથમ ક્રમાંકે રહ્યો છે. આપણે યાદ કરીએ ત્યારે ખ્યાલ આવે કે તે સમયે ઉત્તરાયણની આગલી રાત આપણા સૌ માટે જાગરણની રાત કહેવાતી. તે સમયે ભણવામાં ભલે 22 મી ડિસેમબર એટલે રાત્રિ લાંબી એવું શિખતાં, પણ અનુભવ તો 13 મી જાન્યુઆરીએ થતો. ગતવર્ષની ઉત્તરાયણ અંગેની વાત કરીએ તો ઉજવણીના થનગનાટમાં શાળાના આગલા દિવસે તો શાળા બપોરે છોડી દેવી કે ના  છોડી દેવી  તે બાળ સંસદમાં ચર્ચાનો વિષય હતો. 

બાળકોને રોજેરોજ મળવાનું શાળાના બદલે હવે ફળિયામાં થઈ રહ્યું છે. ત્યારે દોરી અને ફિરકીની વાતો ફીકી લાગી રહી હતી. કારણ કે રોજ રવિવાર વાળું ત્યાં લાગુ પડયું. એટલે બાળકો સાથે ઉત્તરાયણ અંગેની ચર્ચા અને તેમને ઉજવણીનો આનંદ વ્યક્ત કરવા માટેનું પ્લેટફોર્મ મળી રહે તે માટે ઓનલાઈન ક્લાસમાં ઈ - પતંગોત્સવનું આયોજન કરવાનું નક્કી થયું. આ વખતનો પતંગોત્સવ પહેલાંના પતંગોત્સવ કરતાં ઘણો આલગ હતો. બાળકોને ઉત્તરાયણ વિષે અવનવું જણાવવું અને તહેવાર વિશેનું જ લેસન આપવું એ તો માત્ર અમારું બહાનું જ હતું. મુખ્ય ઉદેશ્ય તો પોતાની ઉત્તરાયણ વિશે કહેવા તત્પર બાળકોને એક પ્લેટફોર્મ આપવા માટેનો પ્રયત્ન જ હતો. પતંગ બનાવીએ - એવી પ્રવૃત્તિ  ધ્વારા બાળકોને પ્રવૃત્તિ કરવા માટેનું કારણ પણ આપ્યું. બાળકો એ કેવું કર્યું એ પ્રશ્નને કોઈ સ્થાન જ નથી. કારણ કે બાળકો જે કરે તે શ્રેષ્ઠ - એવું અમારું માનવું છે. હા, બાળકો એ શું કર્યું એ તેમણે જ મોકલેલા ફોટોગ્રાફ વડે જોઈએ  










No comments: