January 31, 2021

“એક જૉબર નહીં પણ જીવતર”

“એક જૉબર નહીં પણ જીવતર”

શિક્ષણ એ બાળકોને કેળવવાની પ્રક્રિયા છે. માનવ પેઢી નિરંતર વિકાસ કરતી રહે છે - તેનું એક માત્ર કારણ શિક્ષણ/શીખવું જ છે. બાળકોને કેળવવા એ શાળાનો મુખ્ય ધ્યેય છે. સમૂહ જીવન વડે બાળકો સંપીને જીવવાના પાઠ શીખે અને તેમનામાં સામાજીકતા આવે તે શાળાનું મુખ્ય કામ છે. ત્યારબાદનો ધ્યેય – બાળકોમાં રહેલી સ્કિલને ડેવલોપ કરી તેના હાથ, પગ (મગજ પણ ખરું) વડે જીવનનિર્વાહ કરે અને સમાજના જિકસો પઝલને પૂરું કરે.

શાળાની શરૂઆત કેવી રીતે થઇ હશે ? ગામમાં બાળકોને એક જગ્યાએ મજાથી વિવિધ પ્રવૃત્તિઓ વડે માનસિક કસરત કરાવી તેને કેળવવાની જગ્યા બનાવવાના વિચારથી શાળા નામનું સ્થળ અસ્તિત્વમાં આવ્યું હશે. આજે વિચારવામાં આ વાત જેટલી આહલાદક લાગે છે તેટલું જ તે સમયે શાળા નામનું સ્થળ પણ આહલાદક લાગતું હશે !? પરંતુ ધીરે ધીરે સમાજમાં શૈક્ષણિક પ્રક્રિયાઓની જગ્યાએ માહિતીલક્ષી અભ્યાસક્રમ હાવી થતો ગયો. પાઠ્યપુસ્તકો એક માર્ગદર્શક તરીકે શિક્ષકોના હાથમાં મૂક્યા, પછી તો જાણે ‘અધ્યયન’ તો ગૌણ બની અને અધ્યાપન હાવી થઈ ગયું. પાઠયક્રમ જ કેળવણીનો મુખ્ય પથ બની ગયો હોય એવું લાગવા માંડયું. 

બાળકો માટે આવી બધી ભણવા ભણાવવાની પ્રક્રિયા કંટાળો પેદા કરતી થઈ. ગમે ત્યાં બેસી ગમે ત્યાં લખીને શીખતાં બાળકોને સ્લેટમાં બાંધતા ધીમે ધીમે મૂળાક્ષરો “રેતીયા ને બદલે સ્લેટિયા” બનતાં ગયા. એ જ રીતે શૈક્ષણિક પ્રક્રિયાઓ પણ વર્ગખંડોમાં સિમિત બની ગઈ. ધીમેધીમે કે બાળકને કેળવવું એટલે શિક્ષકે બોલવું અને બાળકે સાંભળવું, શિક્ષકે બોર્ડમાં લખવું અને બાળકે વાંચવું – શિક્ષકે ગણાવવું અને બાળકોએ ફક્ત તેટલું જ ગણવું બની ગયું. આવી વર્ગખંડની રસમોથી જાણે કે બાળકોને મજા આવે એવું કઇંક આ પ્રક્રિયાઓમાંથી ગુમ થયું હોય એવું લાગે છે ! એની જો યાદી બનાવીએ તો જેમ કે શિક્ષકનું પૂછવું અને બાળકોનું શોધવા મથવું – મજાથી અને મોટેથી ગીતનું ગાવું – ઘરનું ગણિત ગણવું > વગેરે વગેરે..વર્ગખંડોમાં ઓછી થતી આ પ્રક્રિયાઓ કરવી એટલા માટે અનિવાર્ય છે કે આવી બધી પ્રક્રિયાઓ બાળકો માટે નવી પ્રવૃત્તિઓ ઊભી કરે છે. પ્રવૃત્તિ વડે અપાતું શિક્ષણ બાળકોને આનંદ આપનાર એક માત્ર સ્ત્રોત છે. જેનો કોઈ વિકલ્પ હજુ સુધી શોધાયો જ નથી. બાળકોને મન પ્રવૃત્તિ કરવાની હોય એટલે તો જાણે કે કોઈ ઉત્સવ ઉજવવાનો હોય તેવો ઉમળકો હોય છે. આપણો અનુભવ છે જ કે જ્યારે જે કામ કરવામાં ઉમળકો હોય તે કામમાં થાક નહીં પણ “આનંદ જ આનંદ” આવતો હોય છે ! બાળકોને રોજેરોજ શાળામાં ઉત્સાહથી આવતાં કરવા માટે શાળામાં રોજેરોજ નવી નવી શૈક્ષણિક અને સહાભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન વડે ઉત્સવ ઉજવવાનો હોય તેવું વાતાવરણ બનાવવું જરૂરી છે. [આપણે હાલની કોરોના વાયરસના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં જ્યારે શૈક્ષણિક પ્રક્રિયા ઓનલાઇન ક્લાસમાં થઈ રહી છે ત્યાં પણ  આ બાબત લાગુ પડે છે. આપણા સૌના અનુભવો છે કે રોજેરોજ સ્ક્રીન સામે બેસીને ભણવાની વાતોની જગ્યાએ સ્પર્ધાઓ કે પ્રવૃત્તિઓની વાત આવે તે દિવસે ફોન વધારે કનેક્ટ થતા હોય છે.] બાળકોમાં શૈક્ષણિક પ્રક્રિયામાં આવો જ રસ રોજેરોજ જળવાઈ રહે તેના માટે વર્ગખંડોની પ્રક્રિયાઓમાં રોજેરોજ બાળકોના કેળવણી માટેની પ્રવૃત્તિઓ રચવી જરૂરી છે – આવી અઢળક પ્રવૃત્તિઓ વિચારવા – આયોજવા માટે આપણે સૌએ આપણા શાળામાંના શિક્ષક તરીકેના કિરદારને વિસ્તરાવવું પડશે. આપણે સૌએ પોતાના શિક્ષકપણાને એક “જોબર” તરીકે નહીં પણ “જીવતર” તરીકે જોવાનું શરૂ કરવું પડશે. 

પરીક્ષા સમયે ઘણીવાર આપણે બાળકોને ઉપદેશાત્મક ભાષામાં કહેતા હોઈએ છીએ કે, “તમે તમારા ૧૦૦% પરીક્ષાની તૈયારીઓ પાછળ આપશો તો જ તમે તમારા ૧૦૦% પરિણામની અપેક્ષાના હકદાર છો ! આ જ વિધાન આપણા સૌ પર પૂરેપૂરું લાગુ પડે છે કે આપણે આપણું શાળાકીય જીવન ૧૦૦% બાળકો માટે ઉપયોગ કરતાં થઈએ ત્યારે જ  બાળકોનું શાળાકીય જીવન  “ઉત્સવ” જેવુ બનાવી શકીશું ! ફરીથી યાદ કરાવી દઉં કે  ઘરમાં ઉત્સવ હોય ત્યારે દોડાદોડી વધતી હોય છે, પરંતુ તેનો થાક ક્યારેય અનુભવાતો નથી > શિક્ષક તરીકે શાળાકીય જીવન પણ આજ અનુભવ કરાવશે તેની ગેરંટી અમારી !

બાકી તો શૈક્ષણિક પ્રક્રિયા માટે આપણને આ જોક ઘણું બધુ સમજાવી જાય છે >> પિતા સાથે આંગળી પકડી શાળા એ જતાં બાળકે પૂછ્યું....   

     😱 બાળક : પપ્પા આ ભાઈ બકરીના બચ્ચા ને કયા લઈને જાય છે? 

     😐 પપ્પા : [ દુ:ખી થતાં કહ્યું ]  તે ભાઈ બચ્ચાને કસાઈવાડે લઈ જાય છે ! 

     😧 બાળક : [ હાશકારા સાથે ] હાશ ! મને એમ કે શાળામાં લઈ જતા હશે !



2 comments:

Jayendrasinh Parmar said...

Truely inspired by this Article Thank you

MITESH RATHVA said...

Adbhut drastikon