February 07, 2021

રમકડાં – ખોજતે રહો.

રમકડાં – ખોજતે રહો.

છૂટક છૂટક વિચાર થયેલા. શાળામાં રમકડાં લાવીને મૂકેલા પણ ખરા. તેમનો ઉપયોગ શાળામાં હજુ ઓફિશિયલ રીતે દાખલ ના કહેવાય પરંતુ આવતા તો હોય એવા બાળકો માટે થતો. ઘરે જેવા રમકડાં રમવા ના મળે એવા કેટલાક રમકડાંની ટોપલી (કે ટોપલો) ભરેલો રહેતો. (દરેકને પોતે બચપણમાં કઈ રીતે રમકડાં સાચવતા એ યાદ આવી જ ગયું હશે.) મોટા થવાનું આ એક નુકશાન થયું છે કે નાના હતા ત્યારે રમકડાં આપણી “જાન” હતા એ ભૂલી જવાયું છે.

(જવાબમાં લખજો કે તમારું પ્રિય રમકડું કયું હતું ?)

દિવસો સુધીના રિસમણાં, એકાદ ટાઈમ ખાવાનો ત્યાગ, મમ્મી કે પપ્પા સામે અહિંસક આંદોલન એ બધુ  આપણે રમકડાં માટે કર્યું જ હતું. હવે, આપણે આપણી આસપાસના બાળકોને આ બધુ માગતા જોઈએ ત્યારે કહી કે એક રમકડાં માટે આમ શું કામ કરે છે ?

ત્યારે આપણે ચૂકી જઈએ છીએ કે રમકડાં માત્ર રમતને જ નહીં, જીવનને ધબકારે ચઢાવે છે. યાદ કરો કે રમકડાં વડે જ આપણી દોસ્તીઓ થયેલી. દોસ્તો સાથે મળી રમેલ  રમકડાં હજુ પણ જોઈએ તો એ દોસ્તો યાદ આવી જાય છે. એ જ રમકડાં આપણને આપણા મોટેરાઓને જોઈને અનુકરણ કરવામાં મદદ કરતાં. એ જ કોઈક નાનકડી બંદૂક લઈ સૈનિક બનવાનું સપનું જોતાં. રામાયણ સિરિયલ જોયા પછી એ સમયમાં ભાગ્યે જ કોઈક હશે કે જેને તીર કામઠું બનાવી ને બાણ ચલાવવાનું ના શીખ્યું હોય. વગાડતા આવડે કે ના આવડે મેળામાંથી કૃષ્ણની એક્ટિંગ કરવા વાંસળી જરૂર લઈ આવતા. આમ,રમકડાં સંસ્કૃતિ વાહક પણ છે.

જે મોટેરાઓ માટે કહીએ છીએ કે તે કેવા પુસ્તકો વાંચે છે અથવા તેના મિત્રો કોણ છે ? તેના આધારે તે માણસ કેવો હોય એ કહી શકાય. એમ બાળકોના હાથમાં મુકાયેલા રમકડાં શું તેના વલણ પર અસર નહીં કરતાં હોય ? કરે જ. આ વર્ષથી શરૂ થયેલા ટોયફેર માટેનો પત્ર આવ્યો. શરૂઆતમાં ગંભીરતાથી નહોતો લીધો કે આમાં આપણે શું કરીશું ? ઓનલાઈન ક્લાસમાં તે પત્ર વિષે માત્ર વાત કરી. (મનમાં તો એમ જ  હતું કે આવા સમયમાં વળી રમકડાં પર આ બાળકો બહુ ધ્યાન ક્યાંથી આપવાના?) ક્લાસ પૂરો થયા પછી  રાજનો ફોન આવ્યો કે સર તમે કહો છો એ મે ટોય હેકથોનમાં ભાગ લીધો છે એ જ કે બીજું ? અને અમને થયું કે હજુ આટલા વર્ષો પછી પણ આ બધાની શક્તિઓ અને રસરૂચીઓ જાણવામાં થાપ ખવાઇ જ જાય છે. એક એન. જી. ઓ વડે થ્રો કરવામાં આવેલા ટોય હેકથોનમાં રાજ (ધોરણ -8) એ રજીસ્ટ્રેશન એની મેળે કરવી દીધેલું.  તેને આવા રમકડાં બનાવવામાં રસ હશે જ. એ અમે કેમ ચૂકી ગયા એ સવાલ અમને ખટક્યો !

“ના, એ જુદું છે, કાલે એના વિષે વિગતે વાત કરીશું”  બીજા દિવસે ઓનલાઈન ક્લાસમાં તેના વિષે વિગતે વાત કરી. તેમણે જ બનાવેલ કયા કયા રમકડાં ફરી બનાવી ને રજૂ કરી શકે તેની પણ વાત થઈ. સાથે જ નવા આઇડિયા શું છે તમારા ? કઈ કઈ જૂની વસ્તુઓ તોડવી પડશે ? જેવી ચર્ચાઓ પછી તેઓ રમકડાં બનાવતા ગયા અને અમને કહેતા ગયા. ટોયફેરમાં સંદીપની હોડી, યશવંતનું બોર મશીન, રાજનો કરોળિયો તો દેવનું વોટર રોકેટ.

તેમાંથી રાજનો “ડાન્સિંગ કરોળિયો” 😍જિલ્લા સુધી અને શાંતિલાલનું ભાગ પાડવાનું રમકડું રાજ્ય 😍 સુધી પ્રતિનિધિત્વ કરી આવ્યું.

ટોયફેર બીજું શું શીખવે?  અમને એક ઝટકો જરૂર આપી આપી ગયો કે જેટલું જાણશો તમારા બાળકો વિષે, તેમની શક્તિઓ વિષે, તેમની રસરૂચીઓ વિષે – ઓછું પડશે. એટલે બસ ખોજતે રહો.






No comments: