February 28, 2021

હમ તૈયાર હૈ, કયા આપ તૈયાર હૈ?

હમ તૈયાર હૈ, કયા આપ તૈયાર હૈ?

તમારી ખૂબ જ તીવ્ર ઈચ્છા પૂરી થાય ત્યારે તમારું પોતાનું રીએક્શન કેવું હોય ? જીવનભરની ઈચ્છા હતી કે મારુ સંતાન ડૉક્ટર બને- અને એવામાં જ મેડિકલમાં પ્રવેશ યાદીમાં તેનું નામ જોવા મળે તો તમારું સૌથી પહેલું રીએક્શન શું હોય ?

તમને થશે કે અરે ! એમાં શું પૂછવાનું ખુશી જ હોય ને?

એ તો સ્વાભાવિક છે, રિ-એકશન શું હોય ? ખુશ થઈ જઈ તમે શું શું કરો ?

કોઈ કહે મીઠાઇ વહેચું, તો કોઈ કહે સોશીયલ મીડિયામાં તરત સ્ટેટ્સ મૂકું , તો કોઈ કહે તરત સગાં વ્હાલા ને ફોન કરું. વગેરે.. જવાબ અલગ અલગ પ્રકારે હોય શકે પરંતુ સર્વનો સાર એ તો નીકળે જ કે આનંદ નો પાર ન રહે ત્યારે મારી ખુશીમાં સૌને ભાગીદાર બનાવું.

જેને ટેકનોલીજી નો “ટ” હજુ હવે ભણવાનો છે, અને સોશિયલ મિડિયાનો “સ” હજુ હવે લખવાનો થશે એવી બાળકી તેના લોકલ મીડિયા એવી બૂમો ધ્વારા ઊભા ફળીયે જ્યારે કહેવા દોટ મૂકે કે - એં .. મારુ નામ નિશાળમાં લખાઈ ગયું. રોજ જે દુકાને સામાન લેવા જાય છે ત્યાં જઈને પણ બૂમ પાડે - છોટુકાકા મારુ નામ શાળામાં દાખલ કરી દીધું.”

શિક્ષક તરીકે આ વિચારીએ ત્યારે જ આપણને આ પળ માટે અહોભાગ્ય ઉપજતું હોય તો એ ઉર્વશીને બોલતી અને બૂમો પાડતી જોઈ તે પળ પણ  કેટલી આનંદદાયી હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે. ઉર્વશી ની જેમ શાળામાં પ્રવેશ કરવાનો બાળકોમાં અનેરો ઉત્સાહ હોય છે. બાળકો માટે શાળામાં નામ લખાવવું એટલે જાણે એમનું સપનું પૂરું થયાનો અહેસાસ કરાવતું હોય છે.

શાળામાં પહેલું ધોરણ ભણાવતાં શિક્ષકો માટે આ આનંદની વાત સાથે સાથે મોટી જવાબદારી પેદા કરનારી પણ છે. આવા અનેરા ઉત્સાહ સાથે આવતાં બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે સાથે સાથે તેમને અનુકૂળ વર્ગખંડ બનાવવાનો એ શિક્ષકો માટે સૌથી મોટી ચેલેન્જ હોય છે. એક વાતાવરણમાંથી કોઈ છોડને નવા પર્યાવરણમાં લઈ જઈએ ત્યારે ગમે તેટલો સોળે કળાએ ખીલેલો કેમ ન હોય, શરૂઆતમાં થોડીક નર્વસતા તો આવી જ જતી હોય છે. માટે જ શાળામાં નવીન પ્રવેશતાં બાળકો માટે આ સમયગાળો પારિવારિક પર્યાવરણ અને ફળિયાનું મુક્ત વાતાવરણમાંથી બદલાઈ શાળાકીય વાતાવરણમાં ઢાળવાનો હોય છે. એટલા માટે ખૂબ જ કાળજી લેવા માટેના આ દિવસો હોય છે,  જો આ ચેલેન્જમાં આપણે સૌ પાસ થઈ જઈએ તો કહી શકે કે આ બાળકોના શૈક્ષણિક કારકિર્દીનો પાયો ચણવા માટે ખૂબ સારું પ્લેટફોર્મ બનાવી શક્યા છીએ. શાળાના ભવિષ્યના શૈક્ષણિક ગુણવત્તાના ગ્રેડમાં પણ આવા જ  દિવસોમાં કરાયેલા પ્રયત્નો ખૂબ જ મોટો ભાગ ભજવતાં હોય છે. કદાચ આજે આની ચર્ચા નીકળી એટલે આપણે સૌએ તે તફર વિચાર્યું. પરંતુ ચાલો હવે “જગ્યા ત્યાંથી..” વાળી કહેવતને યાદ કરી થોડા સમયમાં જ શાળામાં પ્રવેશનાર આવી ઉર્વશીઓ માટે શાળાકીય પર્યાવરણમાં તેમના માટેની અનુકૂળ જમીન તૈયાર કરવાની મહેનતમાં લાગી જઈએ. 





No comments: