નઈ ઉમંગ !!!!!
😎 “ઓહો! નિરમલ્યા!” – શાળામાં આવવાનું બંધ થયા પછી પહેલીવાર મળી રહેલા સતીશે બૂમ પાડી. શારીરિક અંતર જાળવવાની સૂચના થોડીવાર માટે હવા થઈ ગઈ.
😕 “જે નવાનદીસર ગામમાંથી આવે છે તેઓ ઘરે જઈ નાસ્તો કરી આવશે. બહારથી આવનારા વિદ્યાર્થીઓ પોતાની સાથે નાસ્તાનો ડબ્બો લેતા આવશે. દરેકે પોતાની પાણીની બોટલ લાવવાની છે અને તે શાળામાં ક્રમ મુજબ ગોઠવીને રાખવાની.”
😎 “સાહેબ, આ તો ખોટું કહેવાય. અમેય ઘરેથી ડબ્બો લઈને આવીશું. એટલે અહીં બધાં સાથે બેસીને ખવાય.“
😕 “ના, કારણકે અહીંયાં સાથે બેસીને નાસ્તો નથી કરવાનો. બધાંએ મેદાનમાં, ગ્રીન હૉલમાં, કુટિરમાં - એમ છૂટા છૂટા બેસવાનું છે.“
“તોય, એટલું તો સારું છે, અમે સાથે જ ખાધું કહેવાય.”
પહેલીવાર એકદમ નિષ્ઠુર થઈ ના પાડી કે, “તમે જમવા માટે સાથે બેસો, તેમાં તમે નાસ્તાના ડબ્બા અદલાબદલી કર્યા વગર રહો નહીં.”
શાળા ખૂલ્યા પછીના દિવસોમાં આવી બીજી ઘણી માથાકૂટો ચાલુ જ છે.
તેઓ સાવચેત રહે એ જરૂરી છે એટલે આવું કડક વલણ રાખ્યા પછી તેમની આ લાગણીનો આનંદ છે. એકાદ બે વર્ષ પહેલાં એકબીજાને ઓળખતાંય નહોતાં, તેઓ હવે એવા પાક્કા મિત્રો છે કે સાથે રહેવા તલસે છે. તેમાં છોકરીઓ તો વળી ઘરે ગઈ નથી કે પાછી આવી નથી. વાતો ખૂટતી નથી.
વર્ગો પ્રમાણમાં શાંત બન્યા છે. તેમને અમારી વાતો જાણે સાંભળ્યા જ કરવી છે. શાળા છૂટ્યા પછી દરરોજ તેમને પૂછવાનો રિવાજ છે કે, "કેવો રહ્યો આજનો દિવસ? શું શીખ્યા? મજા પડી કે ન પડી?" એમાં કેટલાક વીરલા (વીરાંગનાઓ પણ ખરી) બચીને ભાગતા હતા કે આજે વર્ગમાં બહુ ધ્યાન નથી આપ્યું ને સાહેબ પૂછશે તો શું કહીશું? એના બદલે હવે થોડીવાર વધુ શાળામાં રોકાઈ શકે એવા મોકા શોધે છે. અને સામેથી કહે છે કે “સાહેબ, હું કહું? આજે..“
નાગરિક ઘડતર અને સંસદ શરૂ કરી નથી એટલે શાળામાં કાર્ય વહેંચણી હજુ સામાન્ય છે પરંતુ જાણે કે એ બધું જ તેઓ મિસ કરતાં હોય એમ અત્યારે પૂરા ઉમંગમાં હોય છે. પ્રાર્થના પછી આવનાર પણ હવે એટલા વહેલા આવે કે અમારે કહેવું પડ્યું કે દસ વાગ્યા પહેલાં આવીને ટોળે વળવું નહીં. થર્મલ ગનથી
તાપમાન માપી જે
તે વિદ્યાર્થીને કહેવાનું, માસ્ક વગર આવનારને માસ્ક આપવાનું, હાથ સેનેટાઈઝ કરી આપવાના અને મેદાનમાં કોઈ બાથંબાથી ન થાય તેની કાળજી રાખવાની. આવાં નવાં ઉમેરાયેલાં કામ માટે અમારે ખાસ આયોજનો નથી કરવાં પડયાં.
જાણે નવા નવા શાળામાં આવ્યાં હોય તેમ લાગ્યા કરે છે. સામે તેમના અધ્યયન માટે તો ચિંતા છે પણ કેળવણી માટેની ચિંતા આ અવલોકનો પછી રહી નથી. બાકીનું બધું ફોડી લઈશું એમ લાગે છે. લર્નિંગ suffer નથી જ થયું, કોઈ ને કોઈ રીતે તેમણે જ્ઞાનની, નવું નવું શીખવાની સફર ચાલું જ રાખી હતી; એ તો તેમને મળીને સમજાઈ જ ગયું છે.
શું લાગે છે – Can we ?
No comments:
Post a Comment