Showing posts sorted by relevance for query નાગરિક ઘડતર. Sort by date Show all posts
Showing posts sorted by relevance for query નાગરિક ઘડતર. Sort by date Show all posts

December 26, 2015

“નાગરિક ઘડતર” નું ઘડતર

   
 “નાગરિક ઘડતર” નું ઘડતર
                        શાળામાં દરરોજ કશું એક જેવું નથી હોતું, કારણ એ જીવન છે ! જીંદગીમાં પણ હર એક દિવસ – હર એક ક્ષણ પહેલા હતી એનાથી જુદી હોય છે. ડાયનામિક હોવું એ જ એની જીવંતતાનો પરિચય છે. શાળાનું ધ્યેય શ્રેષ્ઠ શાળાથી શ્રેષ્ઠ નાગરિક – શ્રેષ્ઠ નાગરિકથી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજથી શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણનો છે ત્યારે તેના માટેની ચાવી એ આપણી “નાગરિક ઘડતર” નામની પ્રવૃત્તિ છે. આ રહી લીંક :
                    શાળાનું સંચાલન વિદ્યાર્થીઓના હાથમાં લઇ જનાર અને વિદ્યાર્થીઓને પોતાના હકો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત રાખી ખોખારો કરી બોલવાની કેળવણી આપતી આ પ્રવૃતિમાં પણ વર્ષો વર્ષ જુદા જુદા ફેરફારો આવ્યા જ કર્યા ! તેનો મૂળ હેતુ એ જ રહ્યો પણ એની અસરકારતા વધારવા રૂપે ફેરફાર થયા કરે છે. ગત સત્રમાં જૂથ બનવાની પ્રક્રિયા સમયે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ સાથે સાંકળવામાં મુશ્કેલી પડી. આખા સત્ર દરમિયાન રોજે રોજ ખાટીમીઠી થયા કરતી કે કોણ કયા જુથમાં ઉમેરાયું !
ઉકેલ સ્વરૂપે આ વખત નીચેના પગથીયા અનુસાર જૂથ નિર્માણ થયું.
ü  ૧. દરેક શિક્ષકના નામની ચીઠ્ઠી બની. જેથી ધોરણ ત્રણ થી સાતના તમામ વિદ્યાર્થીઓને સરખા ભાગે સાત જુથમાં વહેચી શકાય.
ü  ૨. વારાફરતી એક એક ધોરણના વિદ્યાર્થીઓએ ચીટ ખેંચી એટલે  તે દિવસ હાજર બધા વિદ્યાર્થીઓ જુથમાં વહેચાઈ ગયા. તેમના નામ જૂથ મુજબ નોધાઇ પણ ગયા. વિદ્યાર્થીઓના હાજરી પત્રકમાં પણ તેમના નામ સામે કોડીંગ થઇ ગયું . હવે, બીજે દિવસ સાંજની સભા મળે ત્યારે જે વિદ્યાર્થી કોઈ જુથમાં ના હોય એને ચીટ ખેંચવાની અને તે મુજબ જૂથ પસંદ થાય.
ü  ૩. જુથમાં તમામે પોતાના જૂથના નેતા અને ઉપનેતા ચુંટ્યા. તે માટેના નિયમો પૂર્વવત જ રહ્યા.
ü  ૪. નામ પસંદ થયા – આ વખત નામોનું વૈવિધ્ય પણ મજેદાર રહ્યું- કારણ પહેલા નામનો પ્રસ્તાવ રાખવાનો હક ત્રીજા-ચોથા ધોરણના વિદ્યાર્થીઓને અપાયો.
                                            છોટા ભીમ, સરદાર, બાલવીર, વિશ્વાસ, અકબર, સ્ટાર અને ઓનેસ્ટ એમ સાત જૂથ ધરાવતી અમારી આ શાળા સંસદ પોતાના કામે લાગી ગઈ છે.  પંદર દિવસ પછી તેમની કામગીરીની સમીક્ષા સંસદમાં થશે. દરેક જૂથ પોતે કરેલી કામગીરી સૌ સમક્ષ મુકશે. અપીલ કરશે કે તેમના જૂથને જ શ્રેષ્ઠ જૂથ તરીકે મત મળે. પખવાડિયાનું શ્રેષ્ઠ જૂથ પસંદ થશે. અને તેમની કામગીરી આગામી પખવાડિયા માટે બદલાશે. બધા બાળકોને બધા કન્વીનર સાથે કામ કરવાનો મોકો મળે એટલે જૂથના કન્વીનર શિક્ષકની કામગીરી નહિ બદલાય-આખા સત્ર સુધી !આ માળખાથી શાળાના કાર્યો સુગમ બને જ છે સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાની જવાબદારીઓ સમજતા થાય અને હક મેળવતા થાય એ મુખ્ય ઉદેશ્ય છે.
પ્રવૃતિમાં જીવન હજુય ધબકે છે – આપના પ્રતિભાવ મળશે તો પ્રાણવાયુનું કાર્ય કરશે.

July 01, 2014

સ્વરાજ્યથી સુરાજ્ય.....



સ્વરાજ્યથી સુરાજ્ય.....
        ભારતની એક સવાર એવી હોય - જ્યાં દરેક નાગરિકને પોતાના હક અને ફરજોનું જ્ઞાન છે. ઘડાતા કાયદાઓને પાલન કરવામાં સરકારીતંત્ર કરતાં નાગરિકો વધુ પ્રતિબદ્ધ હોય જાહેર સ્થળોની જાળવણીની જવાબદારીઓ સહિયારી હોય. એકબીજાને મદદ કરવામાં દરેકને ખુશી પ્રાપ્ત થતી હોય. જેની કલ્પના આઝાદીના લડવૈયાઓએ કરી હતી એવું ભારત આપણી નજર સામે હોય.
-: ઉપરના ફકરામાં “હોય” શબ્દ વાંચતાં જ થાય છે કે ‘હા! આવું હોવું જોઈએ! પણ હોય કેવી રીતે???”
                          રાષ્ટ્રનું ભાવી તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. આપણા આપણા સુરાજ્યના સપનાં સાકાર થઇ શકે છે. આપણી શાળામાં ભણતાં વિદ્યાર્થીઓને એમને જે તે ઉંમરે પ્રાપ્ત હકોની જાગૃતતા હોય અને જે હક ન મળતાં હોય તો તેને લોકશાહી ઢબે મેળવવાની ટેવ હોય. [ જો આવું થાય તો બસને સળગાવી પેટ્રોલ વધારાનો વિરોધ કરવાના વિચારો અટકી જાય] પોતાના હક એ કોઈની ફરજ બજાવવાથી પ્રાપ્ત છે, એમ જ પોતાની જવાબદારી છે કે પોતે ફરજ બજાવી બીજાના  હકોનું પણ રક્ષણ કરે.
                      આપણા સ્વરાજ્યને સુરાજ્યમાં પલટવા શાળામાં “નાગરિક ઘડતર’ નામની એક પ્રવૃત્તિ ચાલે છે. સમયાંતરે પ્રવૃત્તિ એનું “પ્રવૃત્તિ” તરીકેનું સ્વરૂપ ગુમાવીને શાળાનો પ્રાણ બની ચુકી છે. શાળામાં ભણતો દરેક વિદ્યાર્થી શાળાને પોતાનું BEST આપવાનો પ્રયત્ન કરે છે. પોતાને યોગ્ય લાગે તો પોતાની ભાષામાં યોગ્ય ઢબે અવાજ ઉઠાવે છે. ખાસ તો એ પોતાને સમગ્ર શાળા સંચાલનનો મહત્વનો હિસ્સો સમજે છે. અમારી શાળા વ્યવસ્થાપન સમિતિ જાણે કે શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોથી બનેલી છે.“નાગરિક ઘડતર” ની આ પ્રવૃત્તિને કાગળ પર ઉતારવી એ જરા મુશ્કેલ છે,પણ નીચેની લીંકો તેની રચના અને સંચાલનનો સચોટપણે ખ્યાલ જરૂરથી આપશે.
¹è -:  part-1   part-2   part-3      part-4     part-5   part-6  patr-7    patr-8
અમારા નાગરિક ઘડતરનું સ્વરૂપ એ કોઈ સ્થિર-જડતા ભર્યું નિર્જીવ નથી, માટે એમાં યોગ્ય બદલાવ માટે આપના સૂચનો પણ આવકાર્ય છે. 

April 30, 2022

ટીકા સાંભળવાની ટેવ !!!!!

ટીકા સાંભળવાની ટેવ !!!!!


બાળકોનું ભણતર અને ઘડતર શાળામાં થતું હોય છે. ઘણીવાર બધાં કહેતાં હોય છે કે બાળક સમાજમાંથી શીખે છે. તેના આસપાસના પર્યાવરણમાંથી જાણે છે; છતાં તે બાળક કેવો બનશે તે તેની શાળાના ઘડતર પર આધારિત છે. બાળકોને શીખવાનું બધે મળતું રહેતું હોય છે. શાળાએથી ઘરે જાય અને બીજા દિવસે પાછો શાળાએ આવે ત્યાં સુધીમાં તો જોઈ, સાંભળી અને અનુભવીને તેનામાં ગઈકાલ કરતાં નવું અપડેશન આવી ગયું હોય છે.

ઘણીવાર એવું બનતું પણ હોય છે કે શિક્ષકે વર્ગખંડમાં કહેલું શાળાએથી પરત જતાં તેનાથી જુદું અનુભવાયું પણ હોય. એવામાં સમાજમાં દેખાતી અને અનુભવાતી ઘટનાઓમાંથી તે શું શીખે છે તેનો આધાર આપણે તેને આપેલ સમજ પર  છે. એટલે શાળા બાળકોના ઘડતર માટે જવાબદાર છે તેવું વર્ષોથી કહેવામાં આવ્યું છે. ઘણીવાર સાંભળ્યું હશે આવતીકાલનો દેશ કેવો હશે તે આજના વર્ગખંડો પરથી જાણી શકાય છે. માટે ભલે બાળક સમાજ કરતાં શાળામાં  ઓછો સમય રહેતો હશે પરંતું દિવસ રાત દરમ્યાન સમાજમાંથી શિખેલ બાબતોને તો તે શાળાએ આપેલ દૃષ્ટિકોણથી જોતો હોય છે અને શિક્ષકે આપેલ સમજ થી સમજતો હોય છે.

પ્રાથમિક કક્ષાથી   બાળકો વધુ સમજણ સાથે સમાજને જોતાં થાય એટલા માટે  શાળામાં શરૂ થયેલ નાગરિક ઘડતર પ્રવૃતિ પરોક્ષ રૂપે પરિણામ આપતી રહી છે. શિક્ષક તરીકે આપણે જ્યારે શાળામાં કે વર્ગખંડમાં કાર્ય કરતા હોઈએ છીએ અને આપણા કામ બાબતે કોઈ ભૂલ નિર્દેશ કરે અથવા સહકર્મી સમૂહમાં ટિપ્પણી કરે ત્યારે આપણા હાવભાવ બદલાઈ જતાં હોય છે. આવામાં ટિપ્પણી કે ટીકાઓથી શીખવા માટેની આપણી ક્ષમતા ખતમ થતી હોય છે. તેનું કારણ છે કે નાનપણથી આપણા કામમાં ભૂલ શોધનાર સાથે આપણે ગ્રુપ વર્ક કર્યુ નથીશાળામાં  જૂથકાર્ય, કામગીરીની ચર્ચા, તેની સમિક્ષા વગેરેથી ઘણાં બધાં ફાયદાઓ પૈકી એક મોટો ફાયદો પણ છે કે બાળકો મિત્રોને પણ ભૂલ બતાવી શકે છે અને સાથે રહી સુધારવાનું શીખી પણ શકે છે.

એટલે તો ધોરણ પહેલાનો દિક્ષિત જમ્યા પછી ડીસ પોતાના કપડે ઘસી સાફ કરવાની સલાહ આપી શકે છે અને ત્રીજામાં ભણતી ભારતી બધી છોકરીઓએ ટોયલેટ બહાર નીકળતાં રાખવાની કાળજી વિશે સૂચના કરે છે. મહંમદ શાળાના ઉપ પ્રમુખની ભૂલની સાબિતી આપી તેના માર્કસ માઇનસ કરવાની અરજી કરે છે.

વ્યક્તિત્વ વિકાસ અંતર્ગતનું વાર્ષિક મૂલ્યાંકન વખતે જૂથ ભેગું થઈ વર્ષ દરમ્યાન સાથે કામ કર્યા પછી પણ પોતાના સાથીઓનું મૂલ્યાંકનમાં એકબીજા ની ભૂલો બતાવી તેના માર્કસ ઓછા કર્યાની બૂમો સંભળાય છે, તો કયાંક અલ્યા એને મારા ભાગમાં આવેલ ડેસ્ક ગોઠવવાના કામમાં મદદ કરી હતી, એના 2 માર્ક વધારો વાળી વિનંતીઓ પણ સંભળાય છે. પાછા ફરી સૌ સાથે મળી પખવાડીયાના શ્રેષ્ઠ ગ્રુપ તરીકે પોતાના ગૃપને વિજેતા બનાવવા કા મે લાગી જાય છે. ભવિષ્યના નાગરિક તરીકેના આવા ગુણ વડે થયેલું ઘડતર દેશને મદદરૂપ બનશે અને નાગરિક તરીકે જીવવામાં લોકશાહીનો સાચો આનંદ પણ આપશે.

ચાલો નાનકડા નાગરિક દીક્ષિતની ફરિયાદ સાંભળીએ !  >  કપડે ઘસી સાફ કરવાની સલાહ