November 23, 2021

એમ.ઓ.યું. - આનંદ ઉમેરણના !

એમ.ઓ.યું. - આનંદ ઉમેરણના !


કોરોના સમય આપણે ન ધાર્યું હોય તેવી ઘણી ઘટનાઓ અને સ્થિતિઓ લાવ્યો. એવો વિચાર પણ નહોતો આવતો કે આપણે ભૂત જેવા શાળામાં ફરશું ને બાળકો નહિ હોય. શરૂ શરૂમાં તો એવું ય થતું ને કે - હવે થોડા દિવસ...એમ કરતાં  કરતાં  મહિનાઓ વર્ષ બની ગયા. સમસ્યાના રોદણાં રડવાના બદલે સૌએ પોતપોતાને અનુકૂળ હોય તેવા મારગ શોધી લીધા. 

ગામ સાથે શાળાનું એકરૂપ હોવું અમારા માટે સમસ્યા નિવારણ ઝડપી કરનારું રહ્યું.

જેમ અત્યાર સુધી બનતું આવ્યું છે એમ - આમ કરીએ કે તેમ કરીએ ! એવું કશું ધારેલું હતું જ નહિ. બધું જ જાણે કે એની મેળે….સહજ રીતે બનતું ગયું.  અમને ખબર ય ના પાડી કે અમે સૌ ગામનો હિસ્સો ક્યારે બની ગયા. બાળકો માટે સૌની જે લાગણી હતી એ કઈ આ ઘટનાઓ સિવાય જોવા મળી જ  ના હોત. જ્યાં જ્યાં અમારા ધામા નખાયા ત્યાં ત્યાં તે ઘરના રહેવાસીઓ જાણે સતત સવલત આપવા  માગતા હતા. નહીં ફાવે અમને શાળા ભવનમાં

 સત્ર પૂરું થયું. અગાઉથી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અમારા ગ્રીન બોર્ડ,ચોકડસ્ટરપત્તા, હાર્ડબોર્ડ, ચોપડીઓ, કમ્પ્યુટર જેવા અવશેષો ત્યાં ફળિયાઓમાં જ છોડી વેકેશન મોડમાં આવ્યા. વેકેશન પૂરું થયું ને બાળકોને શાળામાં આવવા માટેની છૂટ મળી ગઈ. અવઢવ થઈ, આદત થઈ ગયેલી ને કે શાળમાં પાંચ દસ મિનિટ રહી ને પછી આખો દિવસ ગામમાં…. અને અચાનક હવે અમે બધા શ્લાં ભવનમાં હતા. દિવસ તો પસાર થઈ ગયો. પરંતુ સતત લાગતું જ રહ્યું કે શેરીઓમાં ભૌતિક બાબતોની સમસ્યા રહેતી પરંતુ જે બાબતોનો ત્યાં જે આનંદ વર્તાતો તે અહિયાં મિસિંગ છે. શીખવતાં શીખવતાં વાલીઓને સહજતાથી વર્ગમાં જોડી દેવાતા. મહેમાનો આવે ચા ઉકળે એટલી વાર ચાની રકાબીઓ અમારા માટે આવી જ જતી. રોટલા ઘડાતા હોય અને અમે ભણાવતાં ભણાવતાં એ રોટલા ટીપાય એની સાથે તાલ મેળવીને...વાતો કરીબપોરે જમવામાં એક - બે રોટલા ય લેતા  આવતા... વરસાદી વાતાવરણમાં ઘરમાં દૂધ ન હોય તોય સાહેબ/બહેનને ગરમ ગરમ કાવો તો પીવડાવો...એમ કરી કાવો ય આવતો. શિક્ષકો જ નહિ બાળકોની પણ એવી જ કાળજી લેવાતી. સમય કરતાં વહેલાં પહોંચી જતાં  ટાબરિયાઓને  ઘરના સભ્યો વાતે વળગાળી રાખતા. બીજા રડતાં છોકરાં કોઈક છાના રાખવા મથતું. (અને પછી પૂછે કે બહેન કુનો સોરો છે ?) .. થોડીથોડીવારે   એકી - પાણી  કર્યા માટે ફર ફર કરતાં  બાળકોને સંભાળ્યા છે. જ્યારે જરૂર પડી ત્યારે  જાતે પલાંઠી વાળી અમારી સાથે  બેઠયા છે. 

એવું બધું એક એક કરી  આખો દિવસ યાદ આવ્યા કર્યું. સાંજે પાંચ વાગ્યા પછી અમે એ શેરીઓમાં પહોંચ્યા. 

અમે જોયું તો બધું જ એમ જ મૂકેલું હતું જાણે કદાચ બાળકો ફરી ત્યાં જ ભણવા આવશે.  અમને જોઈને  એક એક કરી ફળિયું ભેગુ થઈ ગયું...કે સાહેબ આ તો સુનું સુનું લાગે. હવે જાણે ફળિયામાં વસ્તી જ નથી. છોકરાં સુના સુના રમતા હો એવું લાગે. તમે બધા અહીં આવતા તો અમારો દહાડો જતો. ના ના કરતાં ચાર જગ્યાએ ચા પીધીઅને ગોટા તો ખરા જ. ફળિયા અને શાળા વચ્ચે એમ.ઓ.યું. પણ થયાં કે સમયે સમયે આપણે આ રીતે અભ્યાસક્રમમાં શક્ય તેટલું ગામ ઉમેરતા જઈશું, ને બધું બરાબર હશે તોય મહિને એકાદ દિવસ ત્યાં ફળિયામાં ભણવા બેસીશું. 

સતત સ્મરણમાં રહેશે કે ફળિયામાંથી મળેલી એ ઊર્જા !

No comments: