૫ મી સપ્ટેમ્બરે પુરતા સ્ટાફ સાથે હવે જયારે ધોરણ ૫ થી ૮ માં માતૃભાષાની શિક્ષણની જવાબદારી ઉપાડી ત્યારે સહજ રીતે- આ પ્રશ્ન મનમાં થયો કે
જો ફક્ત તેની લીપી ઓળખાવી અને તે લખતા વાંચવા શીખવવાનું હોત તો કદાચ તેના માટે આટલો મોટો સમયગાળો ન હોત ! તો ભાષા શિક્ષણના બે પાસા વિચારો...........
[૧].યાંત્રિક.......[૨].આંતરિક
[૧] યાંત્રિક-: યાંત્રિક પાસામાં તેની લીપી, ઉચ્ચારો, તેને લખવી, વાંચવી વગેરે ...
[૨] આંતરિક-: આંતરિક પાસામાં તેનો ભાવ સમજવો, અર્થગ્રહણ, વિચારવું, પ્રતિક્રિયા આપવી, સમીક્ષા કરવી, અભિપ્રાય આપવો, સારાંશ કાઢવો, પ્રસ્તુત કરવું કે પોતાની જાતને પ્રસ્તુત કરવી વગેરે કહી શકાય.
આપણા સૌનો અનુભવ છે કે આપણે યાંત્રિક પાસાને મજબૂત બનાવવા અવનવા પ્રયોગો કરીએ છીએ !- ઓફીસીઅલી અને અનઓફીસીઅલી ! (ગુણોત્સવ અને વાંચન-લેખન–ગણન અભિયાન તે પાસા માટે જ છે !) છતાં તેમાં પૂર્ણ સફળતા – બધા બાળકો પોતાની કક્ષા અનુસાર વાંચી, લખી શકતા હોય તેવી સ્થિતિ પ્રાપ્ત થઇ નથી ! કારણ ? આપણે બાળકમાં રજુ થવાની ફરજ પડે- તેને રજુ થવું ગમે જ એવી પરિસ્થિતિઓ તેમની સામે મુકવાનું ચુકી ગયા ! – જો તેમને તેમ કરવાનું ગમતું હોત તો તે ભાષાના યાંત્રિક પાસાઓને ઓળખવા પ્રયત્નો તેમની મેળે કરતા થયા હોત !
મને એ દિવસો યાદ છે જયારે આપણે રેડીઓ પર ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળતાં હતા. મારા દાદા જ્યાં સુધી હિન્દીમાં કોમેન્ટ્રી આવે ત્યાં સુધી સાંભળે અને અંગ્રેજી આવે કે તરત મને કહે બંધ કરી દે ખોટા પાવર શું બાળવાના ! પણ જો કોઈ મેચ તેની છેલ્લી ક્ષણોમાં હોય અને રસપ્રદ બનેલી હોય..અને અંગ્રેજીમાં કોમેન્ટ્રી હોય તોય પ્રયત્ન કરતા કે શું થઇ રહ્યું છે ! તેઓ તે ભાષાને ભેદવાનો પ્રયત્ન કરતા કારણ તે તેમની જરૂરિયાત હતી !
શું આપણે વર્ગખંડમાં ભાષા વાપરવી જ પડે એવી સ્થિતિઓ નિર્માણ કરીએ છીએ ?
૫ થી ૭ ના મારા અનુભવો તો પહેલા કહી ચુક્યો છું પણ આ વખતે ધોરણ – ૮ ના વિદ્યાર્થીઓ સાથે પ્રથમ વખત કામ કર્યું તો કેટલીક નવી યોજનાઓ(સુબીર ની ભાષામાં કહીએ તો ષડયંત્ર!) આ રહી-
· જો નરસિંહ મહેતા પુરુષ હતા તો તેમને “પૂરણ વરને પામી” એમ કેમ કહ્યું હશે ?
· ગાંધીજીએ પોતે કરેલી ભૂલોનો એકરાર ન કર્યો હોત તો તેમના જીવનમાં કયો ફરક પડ્યો હોત ?
· * સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! – કાવ્ય સ્વરૂપને બદલે જો ગદ્યસ્વરૂપે લખવાનું કામ તમને અપાય તો તમે શું લખત?
· * તમારા જીવનમાં ધીરજકાકા જેવા હાસ્યરસ ઉત્પન્ન થાય તેવા પ્રસંગો બને છે ? (તેમને કહ્યું હા ! મે કહ્યું કે કહો- બે ત્રણ વિદ્યાર્થીઓએ પ્રસંગો રજુ કર્યા., મે બીજા બધાને પૂછ્યું તમને આ સાંભળીને હસવું આવ્યું? બધાએ કહ્યું ‘ના’ ! તે પછી તેમને તે પ્રસંગ હસવું આવે તેવી રીતે ફરી લખી લાવવા કહ્યું – બે વિદ્યાર્થીઓ – નીતિન અને નીલેશ તેમાં ખુબ સફળ થયા ! એનો અર્થ એવો નથી કે બાકીના નિષ્ફળ ગયા, - પોતાની ભાષાને ભેદવાનો સૌનો પ્રયત્ન એકસરખો જ હતો.)
· * શરણાઈવાળાએ શેઠને સાંબેલું વગાડી બતાવવા શું કર્યું હશે?
· * નર્મદના કાવ્ય ‘ડગલું ભર્યું કે ના હઠવું’ માં હિંમત મદિરા પીવી એટલે શું ?
· * કિશનસિંહ ચાવડાએ ‘મંગલસુત્ર’ માં પોતાની માતા વિશે લખ્યું છે- જો તમારે તમારી માતા સાથેના અનુભવો લખવાના હોય તો તમે શું લખો ?
આવા પ્રશ્નો ભાષાને સટીક રીતે વાપરવાની પ્રેરણા આપે છે.
આપ પણ પ્રયત્ન કરી જુઓ !
આ વિષય પર આપના વિચારોને કોમેન્ટ સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરો. મનમાં વિચારવું અને તેને શબ્દશઃ કરવું- એ તો ભાષાનું મુખ્ય કામ છે !
No comments:
Post a Comment