March 15, 2026

જાતે કરવા દઈએ - જાતે સમજવા દઈએ - સ્પર્ધાત્મક પરીક્ષાઓ

જાતે કરવા દઈએ - જાતે સમજવા દઈએ - સ્પર્ધાત્મક પરીક્ષાઓ


એક વાત પૂછું? મારે કબડ્ડી ખેલાડી બનવું છે, તો પહેલું કામ શું કરવું પડે? તો આપણા સૌનો એક જવાબ હશે કે શરીરને કસવું પડે! (યાદ રાખજો જવાબ). હવે જ્યારે કોઈ ખેલાડી તૈયારી શરૂ કરે ત્યારે તે અલગ-અલગ પ્રકારે શરીરને કસવા માટેનું આયોજન કરતો હોય છે. માટે તે દોડ, યોગ, ધ્યાન વગેરે કરતો હોય છે. ત્યારે કોઈને થાય કે કબડ્ડીમાં દોડવાની શું જરૂર ? કોઈને થાય યોગ-ધ્યાન બધું કરવું તો નકામું! એના કરતાં તો રમત રમ્યા કરવાની, એટલે પ્રેક્ટિસ થઈ જાય ને? શું લાગે છે ? બધુ નકામું છે ?  આપણે જ્યારે પણ કબડ્ડીના ખેલાડી બનવું હોય ત્યારે આપણે આપણા શરીરને કયા-કયા કૌશલ્ય માટે તૈયાર કરવું જોઈએ?

      કબડ્ડીમાં વધુ સમય સુધી શ્વાસ રોકી રાખવો જોઈએ જેથી સામેના મેદાનમાં વધુ સમય ટકી શકાય.

      આંખો બે અને સામેની ટીમના ખેલાડી -સાત, ત્યારે દરેક પર ધ્યાન આપી શકાય તેવી એકાગ્રતા.

      દાવ લઈને પાછા ફરતી વખતે ઝડપથી દોડી શકાય તેવી સ્ફૂર્તિ.

      છાપો મારતી વખતે ત્વરિત નિર્ણય લેવા માટેની સજાગતા.

તો ફક્ત કબડ્ડીની વાત કરી પરંતુ દરેક રમતમાં આવા અલગ-અલગ કૌશલ્યો કેળવવાની જરૂર પડતી હોય છે. તેવામાં માત્ર રમત રમ્યા કરવાથી તમે ઉત્તમ ખેલાડી બની શકો તે શક્ય નથી. તેના માટે જરૂરી કૌશલ્યોનો વિકાસ કરતી પ્રક્રિયાઓ કરવી જરૂરી છે. શ્વાસ વધુ સમય સુધી રોકી શકવાના કૌશલ્ય માટે યોગ-પ્રાણાયામ, એકાગ્રતા માટે ધ્યાન, સ્ફૂર્તિ માટે જરૂરી દોડ વગેરે. કહેવાનો મતલબ છે કે રમત કોઈપણ હોય, તમારે તેના ખેલાડી બનવા માટે 360 ડિગ્રી પ્રયત્નો કરવા પડે. તો આપણે કહીએ છીએ તેવો સર્વાંગી વિકાસ શક્ય બને.

હવે આવીએ આપણા વર્ગખંડોમાં, જ્યાં આવી પરિસ્થિતિ સર્જાય છે! આપણે વાંચન-લેખન-ગણન તરફ ધ્યાન દોરતા હોઈએ છીએ. પરંતુ તેઓ જાતે કરે, વિચારે, શોધે અને સમજે તેવી પ્રક્રિયાઓ તરફ આપણા સૌનું ધ્યાન જતું નથી. આપણે પ્રશ્નો અને તેની સામે જવાબો બતાવીએ છીએ અથવા કહીએ છીએ. પરંતુ આપણે તેમને જાતે વાંચવા, જાતે વિચારવા, જાતે સમજવા અને જાતે તેના સ્રોત (source) શોધવા જેવા કૌશલ્યો તરફ ધ્યાન આપતા નથી.

પરિણામે જેમ ખેલાડી તો બનવું છે, પરંતુ તે માટે જરૂરી 360 ડિગ્રી મહાવરા કરવાને બદલે પેલી ફિલ્મના ડાયલોગની જેમ - 'રટ્ટા લગા કે!' - લાગે રહો થાય. ગોખેલું જ્ઞાન ક્યારેય ઉપયોગી બનતું નથી: જીવનમાં પણ નહીં અને સ્પર્ધાત્મક પરીક્ષાના  ખંડમાં પણ નહીં. કારણ કે ત્યાં તો બાળકોએ જાતે વાંચીને સમજવાનું અને ઉકેલવાનું હોય છે. વર્ગખંડમાં સતત શિક્ષકના સહારે રહેલો વિદ્યાર્થી જ્યારે પરીક્ષાર્થી બને ત્યારે પોતાને અસહાય અનુભવે છે.

માટે આપણી શાળામાં વર્ગખંડમાં ચાલતું ગ્રુપ લર્નિંગ ઘણું શીખવે છે. બાળક બાળક પાસેથી શું અને કેવી રીતે શીખે-સમજે અને સામે પક્ષે કેવી રીતે શીખવે અને સમજાવે તે પરોક્ષ લર્નિંગ તો ખરું ! શાળાના આવા પ્રયત્નો બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અપાવવામાં મદદરૂપ બને છે. એટલે વાત કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CET) હોય, જ્ઞાનસાધના હોય કે NMMS, ખુશીની વાત છે કે દર વર્ષે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણાં બાળકો નોંધપાત્ર સફળતા મેળવે છે. વર્ષે પણ ફોટોમાં દેખાતા ટોળાઓને  તમે અભિનંદન આપી શકો છો, કારણ કે તેમણે ટીમ - 1 NMMSમાં અને ટીમ - 2 CETમાં ખૂબ સારો દેખાવ કરી આપણી વર્ગખંડીય પ્રક્રિયા પરનો અમારો ભરોસો વધાર્યો છે.


 

 

રીડિંગ રિલ્સ

  સ્વ-અધ્યયનનો પાવર: ગોખણપટ્ટી પરીક્ષાખંડમાં અસહાય બનાવે છે. જ્યારે બાળક જાતે શોધે અને વિચારે છે, ત્યારે તે NMMS કે CET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જીતી શકે છે. 

ીઅર લર્નિંગ: ગ્રુપમાં સાથે મળીને શીખવાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે. એકબીજાને સમજાવવાની પ્રક્રિયા જ તેમને શ્રેષ્ઠ પરીક્ષાર્થી બનાવે છે.



No comments: