July 31, 2026

બાળક શીખતો નથી કે આપણે શીખવી શકતા નથી? : મુક્ત રમત દ્વારા શિક્ષણ…


બાળક શીખતો નથી કે આપણે શીખવી શકતા નથી? : મુક્ત રમત દ્વારા શિક્ષણ…

દરેક શિક્ષક પોતાના વર્ગખંડમાં એક સામાન્ય પડકારનો સામનો કરતા હોય છે: "મેં ઘણું શીખવ્યું, પણ કેટલાક બાળકો તેમની વય-કક્ષા મુજબ શીખી શકતા નથી." પરિણામે, આપણે તે બાળકોને 'અભ્યાસક્રમમાં પાછળ' જાહેર કરી દઈએ છીએ અને તેમને ફરીથી એ જ પરંપરાગત પદ્ધતિથી શીખવવાની મથામણમાં લાગી જઈએ છીએ.

પરંતુ, ચાલો એક ક્ષણ રોકાઈને વિચારીએ... શું કોઈ માણસ ખરેખર શીખ્યા વગર રહી શકે?

જેમ કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે "હું હવે વિચાર જ નહીં કરું", કારણ કે 'વિચાર ન કરવો' એ પણ એક વિચાર જ છે; બિલકુલ તેવી જ રીતે કોઈ બાળક પણ ક્યારેય શીખ્યા વગર રહી શકતું નથી. જ્યારે શિક્ષક વર્ગખંડમાં બોર્ડ પર કશુંક શીખવી રહ્યા હોય અને બાળકનું ધ્યાન બહાર હોય, ત્યારે પણ બાળક કશુંક તો શીખી જ રહ્યું હોય છે—કદાચ તે બહાર ઊડતા પક્ષીની ગતિ, પવનની લહેરખી કે રૂમમાં પડતા છાયા વિશે શીખી રહ્યું હોય!

મુદ્દો એ નથી કે બાળક શીખતું નથી, મુદ્દો એ છે કે આપણે જે શીખવવું છે તે બાળક અત્યારે શીખવા તૈયાર નથી.

બાળકનો કુદરતી સ્વભાવ છે—જાતે રમવું, જાતે વિચારવું, જાતે શોધવું અને જાતે ફરવું. બાળકો માટે શીખવું એ એક 'બાય-પ્રોડક્ટ' (આડપેદાશ) છે. બાળક તો માત્ર રમવા માટે રમે છે, પરંતુ એ રમત-રમતમાં જ તે દુનિયાના જટિલ નિયમો શીખી લે છે. જ્યારે આપણે બાળકને વર્ગખંડની ચાર દીવાલો વચ્ચે અનેક નિયમોમાં બાંધી દઈએ છીએ, ત્યારે તેનો શીખવાનો કુદરતી આનંદ છીનવાઈ જાય છે. આ મુશ્કેલીનો શ્રેષ્ઠ ઉકેલ છે: શાળામાં 'મુક્ત રમત'નો વિનિયોગ.

મુક્ત રીતે હરવું-ફરવું, રમવું અને ભણવું એ બાળકનો કુદરતી હક છે. વર્તમાન શૈક્ષણિક વ્યવસ્થા વચ્ચે પણ જો આપણે બાળકોને સ્વતંત્રતા આપવાનો પ્રયાસ કરીશું, તો તેમની શીખવાની ઝડપમાં અદ્ભુત પ્રગતિ જોવા મળશે. આપણો પણ અનુભવ છે કે જ્યાં આપણને સ્વતંત્રતા મળે છે, ત્યાં આપણું પરફોર્મન્સ સૌથી શ્રેષ્ઠ હોય છે. આ નિયમ બાળકોને પણ એટલો જ લાગુ પડે છે.

આ માટે આપણે શાળાના મેદાનમાં કે વર્ગખંડમાં એવી રમતો ઊભી કરી શકીએ જેમાં બાળકો માટે કોઈ કડક નિયમો ન હોય, પરંતુ આપણો પરામર્શ કે પરોક્ષ ઉદ્દેશ ચોક્કસ શિક્ષણશાસ્ત્ર (Pedagogy) પર આધારિત હોય.

મુક્ત રમતોના કેટલાક વ્યવહારુ ઉદાહરણો:

  1. મેદાનમાં ચોકથી ચિત્રકામ: સ્પોર્ટિકા (બોક્સ ક્રિકેટ) ની પીચ પર બાળકોને ચોક આપીને કહ્યું કે "તમને જે દોરવું હોય તે દોરો." બાળકે મુક્ત મને એ જ આકારો અને અક્ષરો દોર્યા જેને બોર્ડ પર દોરી-દોરીને આપણે થાકી જતા હતા!

  2. સ્ટમ્પ અને દડાની રમત: બાળકે દડો ફેંકીને સામેના સ્ટમ્પ પાડવાના છે. કેટલા સ્ટમ્પ પડ્યા? બાળક પોતે ગણશે—"મારું ૧ પડ્યું", "મારાં ૪ પડ્યાં!" અહીં ગણિત સહજ રીતે શીખાય છે.

  3. માટીકામ અને અક્ષર-નિર્માણ: માટીમાંથી માત્ર રમકડાં જ નહીં, પરંતુ અક્ષરો અને મૂળાક્ષરો બનાવવા.

  4. બ્લોક્સ અને આકારો: બ્લોક્સ ગોઠવીને ચોરસ, લંબચોરસ કે વિવિધ આકારો બનાવવા.

  5. પથ્થરની ઢગલીઓ અને સરખામણી: મેદાનમાંથી પથ્થરો વીણી લાવવાના, તેની જુદી જુદી ઢગલીઓ કરવાની અને ગણીને નક્કી કરવાનું કે કયા જૂથની ઢગલી સૌથી મોટી કે નાની છે.

આ બધી રમતો એટલા માટે મુક્ત રમતો છે કારણ કે તેમાં બાળકો પર નિયમોનો બોજ નથી. આપણી પ્રક્રિયા નિયમ વગરની છે, પરંતુ પરામર્શ રૂપે શીખવાની પ્રક્રિયા તો સતત ચાલુ જ રહે છે.આપણે આપણી શાળાઓમાં અને વર્ગખંડોમાં મુક્ત રમતોનો જેટલો વધુ ઉપયોગ કરીશું, બાળકો એટલા જ મુક્ત મને અને ઝડપથી શીખી શકશે.

યાદ રાખજો... આનો સૌથી મોટો લાભ એ થશે કે 'ધીમી ગતિએ શીખનારા બાળકો' આ પદ્ધતિથી સૌથી ઝડપથી શીખતા થઈ જશે!

 અને હા… ઉપરનું વાક્ય ફરી બે વાર વાંચો 

No comments: