લોકશાહી એ જીવન રીતિ છે. લોકશાહી એ માત્ર શાસન વ્યવસ્થા નથી, પણ જીવન જીવવાની કળા છે. આ વાત આપણે સ્વીકારતા હોઈએ, છતાં ભવિષ્યના દેશસંચાલકોને તે કેવી રીતે શીખવવી તે મોટો પ્રશ્ન છે. શાળાઓમાં માત્ર ચૂંટણીઓ યોજવાથી નેતૃત્વના ગુણો વિકસે તેવી રૂઢિગત માન્યતા અધૂરી છે. ચૂંટણી વિના પણ નેતૃત્વ વિકસી શકે છે, પરંતુ શાળા સંચાલન માટે વાસ્તવિક કૌશલ્યોની જરૂર પડે છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ દર્શાવ્યા છે. આજના સમયમાં વ્યક્તિગત જીવન સુંદર બનાવવા અને સમગ્ર સૃષ્ટિને જીવવા યોગ્ય બનાવવા માટે સૌથી મોટો ગુણ એ છે કે દરેક સમસ્યાનો ઉકેલ ચર્ચા દ્વારા લાવવો. ચર્ચા એટલે મારું મંતવ્ય જ સાચું અને સામેવાળાનું ખોટું તેવો દુરાગ્રહ નહીં, પરંતુ મારી વાત મુક્તપણે રજૂ કરવાની સાથે બીજાની વાત સાંભળવી. આ મૂળભૂત સમજ કેળવવી અત્યંત આવશ્યક છે. આપણી નવાનદીસર પ્રાથમિક શાળા પીએમ શ્રી - ગુજરાતમાં છેલ્લા વીસ વર્ષથી બાળકો જાતે શાળાનું સંચાલન કરી રહ્યા છે. બાળકોનો પ્રચાર, ચૂંટણી સંચાલન અને સચિવ તરીકેની કામગીરી જોતાં સ્પષ્ટ થાય છે કે તેઓ આવેશમાં નહીં, પણ વાસ્તવિક પરિસ્થિતિના અસરકારક ઉપાયો તરીકે નિર્ણયો લે છે. તેમનામાં સારું કે ખરાબ એવા પૂર્વગ્રહોને બદલે વર્તમાન પરિસ્થિતિમાં શું યોગ્ય છે તે જોઈને પ્રયોગ કરવાનું વલણ સ્વભાવગત બનતું જાય છે. આ વર્ષની ચૂંટણીમાં ફિરદૌસે મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે તમામ જવાબદારીઓ કાળજીપૂર્વક સંભાળી. તેની ક્રિએટિવિટી તો જાણીતી હતી જ, પણ તે પોતાના વિચારોને અમલમાં મૂકવાની ધીરજ પણ હવે કેળવી રહ્યો છે. બીજી તરફ, દર્શનાએ શિક્ષક પાસે મત માંગતી વખતે જે સંવાદ કર્યો તે અસરકારક હતો. શિક્ષકે તેને પૂછ્યું કે શાળાની સૌથી મોટી સમસ્યા કઈ છે અને તે શું કરશે. ત્યારે દર્શનાની વાતમાંથી એક મોટો પાઠ મળ્યો કે ક્ષતિ સુધારવા માટે સીધો આરોપ મૂકવાને બદલે વિદ્યાર્થીને જ પૂછવું જોઈએ કે તેણે શું કર્યું અને તેનાથી શું પરિણામ આવ્યું. આટલી ઊંડી સમજ એક બાળકે શિક્ષકોને આપી દીધી. દર્શના ચૂંટણી જીતે કે ન જીતે, પણ શાળા તરીકે ચૂંટણી યોજવાનો મૂળ હેતુ સિદ્ધ થઈ ગયો. બાળકોએ પ્રાર્થના સંમેલનો, ગામમાં ફરીને તેમજ ડિજિટલ વીડિયોઝ દ્વારા વિવિધ માધ્યમોથી પ્રચાર કર્યો. કોઈએ કવિતાઓ રચી તો કોઈએ પોસ્ટર બનાવ્યા. હાર્દિકનો આત્મવિશ્વાસ તેના વિજેતા બનવાનું મુખ્ય કારણ બન્યો. બીજી તરફ દર્શનાને લાગ્યું કે પોતે હાર્દિકથી વધુ ગુણ નહીં મેળવી શકે એટલે તેને માત્ર ઉપપ્રમુખ બની શકાય તેવા પ્રયત્નો કર્યા. જ્યારે જ્વાલાંશી જે હજુ પાંચમા ધોરણમાં છે તેણે હાર્દિકથી વધુ મત મેળવવા પ્રયત્નો કર્યા અને તેથી તે ઉપપ્રમુખ બની. પહેલી જ કેબિનેટની બેઠકમાં બાળકોએ સચિવોની નિમણૂક માટે જે ચર્ચાઓ કરી તે જોતા લાગ્યું કે શાળા સુરક્ષિત હાથોમાં છે. શાળામાં આવેલા નવા વિદ્યાર્થીઓ માટે નીતિ સમજાવવી જરૂરી છે. શાળામાં જ્યારે પણ વિવાદ થાય ત્યારે શિક્ષકો સજા કરવાને બદલે પક્ષકારોને જ પૂછે છે કે આ સ્થિતિમાં આગળ શું કરવું જોઈએ. નવા વિદ્યાર્થીઓને આ પદ્ધતિ સમજાવવા માટે બે શાંતિ સચિવોની નિમણૂકનો નવો વિચાર આવ્યો. આ શાંતિ સચિવોનું કામ આગ લાગ્યા પછી કૂવો ખોદવાને બદલે પાણી વહી જતા પહેલા પાળ બાંધવાનું એટલે કે વિવાદો ઊભા જ ન થાય તે જોવાનું રહેશે. બંને શાંતિ સચિવોએ એક ઉત્તમ વિચાર આપ્યો કે વિવાદ વખતે કોનો વાંક છે તે શોધવાને બદલે દરેક વ્યક્તિએ પોતે શું કર્યું અને પોતે શું સુધારી શક્યા હોત તેનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આ પદ્ધતિથી ગુનેગારનું લેબલ લગાડવાને બદલે ક્ષતિ સુધારવાની તક મળે છે. આ ઉપરાંત શિક્ષણ સચિવ તરીકે વર્ગમાં ક્લાસ નેવિગેટર હોવાનો નિયમ બનાવ્યો, જેથી શિક્ષકનું દૈનિક આયોજન સ્પષ્ટ રહે. જો કોઈ શિક્ષક પાસે નેવિગેટર ન હોય તો તેમણે વર્ગની બહાર જવાનું અને શિક્ષણ સચિવે વર્ગ સંભાળવાનો મોટો અને સ્પષ્ટ નિર્ણય પણ બાળકોએ લીધો. આ પ્રકારના વીસથી પચ્ચીસ નાના-મોટા ફેરફારો બાળકોએ પહેલી જ કેબિનેટમાં કર્યા. નિર્ણયો કરતાં પણ તે નિર્ણયો સુધી પહોંચવાની તેમની પ્રક્રિયા જ સાચું શિક્ષણ છે. આ દ્રશ્ય જોઈને વિશ્વાસ બેસે છે કે ભારત અને આ વિશ્વનું ભવિષ્ય ઉજ્જવળ છે અને આ બાળકો આ દુનિયાને વધુ સુંદર બનાવીને જ રહેશે. રીડિંગ રીલ્સ : "લોકશાહી એ માત્ર સરકારનું સ્વરૂપ નથી, પણ તે મુખ્યત્વે સંયુક્ત અનુભવ અને પરસ્પર સંચારનું એક સ્વરૂપ છે." - જ્હોન ડ્યુઈ માણીએ કેટલીક ક્લિક્સ અને છેલ્લે વીડિયો! * માણીએ વીડિયો * |
Subscribe to:
Post Comments (Atom)



































.jpg)




No comments:
Post a Comment