February 04, 2016

માનવ સ્વભાવનો પ્રવાસ !!!

                                                                   
પ્રવાસ પૂર્વે માનવ સ્વભાવનો પ્રવાસ
 જ્યાં વિદ્યાર્થીઓને પોતાના નિર્ણયો પોતે લેવાની છૂટ હોય ત્યાં પ્રવાસ ક્યાં જવું એ તો તેમના હકની વાત છે.
     પ્રવાસના સ્થળો અંગે જુદી જુદી ચર્ચાઓ ચાલે જતી હતી. અમિતાભની એડ હોય કે બાજુની શાળાએ કરેલા પ્રવાસના આયોજનની અસર – પણ ધોરણ આઠના વિદ્યાર્થીઓ હવે “કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા !” એ સૂત્રથી વધુ ચર્ચા કરવા તૈયાર નહોતા. અમારા તમામ વિદ્યાર્થીઓના ખિસ્સાને પરવડે એવો એ પ્રવાસ હતો નહિ. છતાં એમને ચર્ચા કરતા રહેવાની છૂટ હતી જ. આખરે આ વખત લીડ કરી ધોરણ પાંચના વિદ્યાર્થીઓ કાંકરિયા, અડાલજની વાવ અને ગાંધીનગરના એક દિવસના પ્રવાસ માટે તૈયાર થયા. પણ આઠમાં ધોરણમાં લગભગ બધાના મો મચકોડાઈ ગયા.. “હુહ, ઈ શું જવાનું ? એક દા’ડામાં પાસા – એવું નહિ આવવું !” પણ જેમ જેમ ધોરણ ૩ થી ૭ ના વિદ્યાર્થીઓની પ્રવાસ ફી આવવા લાગી અને શાળામાં પ્રવાસનું આયોજન ધબકવા લાગ્યું એટલે તેમના પૈકી 14 વિદ્યાર્થીઓએ પણ ફી જમા કરાવી. એમ કહેતા કહેતા કે હવે બીજે ક્યાંય નહિ તો આટલે તો લઇ જાઓ.
                      પણ કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો કે – મંજુરી લેવા જવાના છેલ્લા દિવસે ૩-૪-૫ માંથી ઘણા વિદ્યાર્થીઓ વાલી અને ફી સાથે હાજર થયા. અમે વિચાર્યું કે જો આઠમના 14 વિદ્યાર્થીઓ સમાવીએ તો બીજા અડધી ટીકીટ 28 ને ના પાડવી પડે. અને ઝડપથી નિર્ણય લેવાની લાહ્યમાં એમની સાથે વાત કર્યા વગર એમને બીજે ક્યાંક રવિવારે લઇ જશું એવો નિર્ણય લઇ લીધો. ઓફીસ રૂમમાં લેવાયેલો આ નિર્ણય આઠમાં ધોરણ સુધી પહોચ્યો -----
અને શિક્ષક અડધા કલાક પછી વર્ગમાં પહોચ્યા તો – વર્ગખંડ તેમણે શીખેલી તમામ ભાષાઓ અને જોયેલ આંદોલનના દ્રશ્યોનું કોકટેલ બની ચુક્યો હતો !
“આંદોલન"   –   હમે પ્રવાસ ચાહીએ !”   -   “હમારી માંગે પૂરી કરો !” - “પૈસે નહિ પ્રવાસ દો !”
જેવા સુત્રોથી વર્ગના બધા બોર્ડ અને બારીઓ ચિતરાઈ ચુકી હતી. શિક્ષકની હાજરીમાં તેમનું મૌન – એ હવે અમારા માટે પણ આકરું હતું.
સંવાદની જગ્યા બચી હતી. -: “દસ મિનીટ માટે જગ્યા છોડીએ છીએ – તમને વિકલ્પો આપવા માટે મારે કોઈક બોર્ડનો ઉપયોગ કરવો પડશે... તમારે પ્રવાસના વિકલ્પો ચર્ચવા હોય તો એટલી જગ્યામાંથી તમારું આંદોલન ભૂસી નાખજો..
           .............અને અમારી ધારણા મુજબ – એક બોર્ડ ભુસાઈ ચુક્યું હતું.. તેના પર અમે વિકલ્પો લખ્યા – એક દિવસના પ્રવાસના ! પાંચ જુદી જુદી જગ્યાઓ – અને છઠ્ઠો વિકલ્પ હતો “પૈસા પરત !” જેને જે વિકલ્પ પસંદ હોય તેની નીચે તેમની સાઈન કરે.. જેમાં બહુમતી થશે તે વિકલ્પ સ્વીકારાશે. બે દિવસ પછી હવે પોઈચા સ્થળ પસંદ થયું છે !
પ્રવાસ પૂર્વેના આ પ્રવાસે અમને શીખવ્યું કે “વિદ્યાર્થીઓ સાથે જયારે ખભો મિલાવો ત્યારે જ એમના હૃદયમાં પહોચી શકાય છે!”

No comments: