February 21, 2016

માતૃભાષા


"માતા" – "માતૃભાષા" 

                     ભાષા એ ખરેખર તો અનુભવવાની વસ્તુ છે ! દરેક માનસ પોતાની લાગણીઓને અસરકારક રીતે રજુ કરવા માટે ભાષાનો ઉપયોગ કરતો હોય છે. તમે ગમે તેટલી ભાષાઓમાં એક્ષપ્રેસ બુલેટટ્રેનની ઝડપે બોલી શકતાં હો પણ તમને સપનું તો માતૃભાષા માં જ આવશે ! તમારી સાથે ઘટતી કોઇપણ સારી નરસી ઘટનાઓના રિએકશનનો પહેલો ઉદગાર તો તમારી માતૃભાષામાં જ નીકળશે !
ચાલો અકબર-બીરબલની એક નાની વાર્તાને યાદ કરી લઈએ !
                એક દિવસ અકબરના દરબારમાં એક વ્યક્તિ આવી તેણે ચેલેન્જ કરી  કે પોતે ૧૨ ભાષાઓ કડકડાટ બોલી શકે છે ! – જો કોઈ મારી મૂળ ભાષા બતાવી શકે તો હું તેને ચતુર માનું અને ન બતાવી શકે તો તેને મારા ગુલામ બનવું પડે – દર વખતની જેમ ચતુર બીરબલે ચેલેન્જ સ્વીકારી ૨૪ કલાકનો સમય માંગ્યો –બીરબલે તે વ્યક્તિની રહેવાની સગવડ પોતાના જ શયનગૃહમાં કરાવી ! – અડધી રાત્રે તે વ્યક્તિ જયારે ગાઢ નિંદ્રામાં હતો ત્યારે બીરબલે તેના પર ઠંડા પાણીની ડોલ રેડી – પોતાના પર અચાનક પાણી પડતાં જ તે વ્યક્તિ – अबे, कौन है? નો ઉદગાર નીકળ્યો – બીરબલે કહ્યું આ ગુસ્તાખી  માટે મને માફ કરશો, પણ આપની માતૃભાષા હિન્દી છે ! – તે વ્યક્તિએ બીજે દિવસે દરબારમાં હકીકત સ્વીકારી !!!
                     આપણે ગમે તેટલી ભાષાઓના જાણકાર કેમ ન હોઈએ દર્દનો ડૂમો અથવા તો હૃદયમાંનો આનંદનો ઉદગાર જયારે અચાનક બહાર આવે ત્યારે તે બંનેનું રૂપાંતર તો માતૃભાષાના સ્વરૂપમાં જ થઇ જતું હોય છે ! માતૃભાષા એટલે આપણને માતા પાસેથી મળેલી ભાષા એવો અર્થ પણ થાય છે. ઉછેર કરનાર એટલે જ માતા, માતા એટલે ફકતને ફક્ત સંબંધિત “મા” જ એમ નહિ. પરંતુ આપણા જન્મથી આપણી આસપાસ આપણા ઉછેરમાં હનુમાન ફાળાની સાથે સાથે ખિસકોલી ફાળો ધરાવનાર ધ્વારા આપણા કાનમાં દુનિયાની ઓળખ જે ભાષામાં કરાવવામાં આવી છે તે આપણી માતૃભાષા ! અર્થાત તે ભાષામાં માતાની લાગણીઓનો ભાવ છુપાયેલો હોય છે ! માટે જ સંસાર વ્યવસ્થામાં જેટલું ઉચ્ચ સ્થાન માતા માટે સંબોધાય છે તેટલું જ માતૃભાષા માટેનું માનવું જોઈએ.  માતા ન હોવી તેનું દર્દ અને ભાષા ન હોવી તેનું દર્દ સમાન પીડાદાયક હોય છે. માતૃભાષાનું ગૌરવ એટલે બીજી ભાષાઓનો અસ્વીકાર એવો અર્થ કેટલીકવાર કેટલાંક બુધ્ધિજીવીઓ કરતાં હોય છે!? – પરંતુ ખરું તો એ છે કે બીજી બધી જ ભાષાઓનું સમ્માન અને સ્વીકાર કરીશું જ પણ, તેવિવિધ  ભાષાને સમજવતાં કરવામાં કે બોલતાં કરવામાં પણ મૂળ પાયો તો આપણી માતૃભાષા જ હોય છે અને તેથી જ તેનું ગૌરવ લેવું   અનુભવવું એ આપણી ફરજ અને આપણી સભ્યતાનું પ્રમાણ છે ! અને પાછાં ગોળ ફરી ફરીને ત્યાંના ત્યાં જ કે, આ ગૌરવ લેવાનું સભ્યતા દાખવવાનું આપણને  શીખવનાર પણ આપણી માતૃભાષાને જ છે ! અમારા વિચારોને તમારા સુધી અને તમારા સૂચનોને અમારા સુધી પહોંચાડવાનો શ્રેય આપણે ભલે ટેકનોલોજીને આપીએ, પરંતુ જે વહેચાય છે તેનું પ્રથમ સાધન તો ભાષા છે ! જો ભાષા જ ન હોત તો ? તેનું દર્દ એવા વ્યક્તિને પૂછો જેની પાસે લેન્ડલાઇન ફોન છે પણ અવાજ નથી  ! અથવા તો એવી વ્યક્તિને પૂછો કે જેની પાસે આઈ ફોન છે પણ દુર રહેતાં વ્યક્તિઓને પોતાની લાગણીઓને વ્યક્ત કરવા માટેના શબ્દો નથી !! માટે જ અંતમાં ફરીથી માતૃભાષાનો આભાર માનતાં ચાલો જોઈએ શાળા પરિવારે તેના ગૌરવની કેવીરીતે ઉજવણી કરી !     





  



4 comments:

Hamir khistarita said...

વાહ ખૂબ સરસ

hp said...

Nice work

Nakul said...

ખૂબ જ સુંદર

Unknown said...

ખરેખર માતૃભાષા જ ઉત્ત્તમ છે. અદ્ભૂત કાર્ય.