August 15, 2019

આઝાદીની રક્ષા !



આઝાદીની રક્ષા !

બંને રાષ્ટ્રીય પર્વની ઉજવણી વર્ષોથી કરતા આવ્યા છીએ. એ બાબતમાં આપણે શિક્ષકો વધુ નસીબદાર છીએ. શાળા, કોલેજમાં ભણતા ત્યાંથી લઈને આજે શિક્ષક તરીકે કાર્ય કરીએ છીએ ત્યાં સુધી વર્ષે બે વખત એ તિરંગાને સલામી આપી શક્યા છીએ.
વર્ષો વર્ષની એ જ પરંપરા છે છતાંય ક્યારેય જૂની નથી લાગી. અઠવાડિયા અગાઉથી જ આ વખત શું કરીશું ?  ની ચર્ચાઓ શરૂ જ થઇ જાય. સાંસ્કૃતિક કાર્યક્રમો માટેનું સરનામું હવે બદલાઈને ગ્રામોત્સવ થઇ ગયું છે. છતાં દરેક વખતે કોઈને ને કોઈકને થોડો થોડો ચસકો તો રહે જ.
આ વખતે તો આઝાદી સાથે “બંધન” હતું. અલબત્ત રક્ષા માટેનું. એટલે ગામમાંથી આવનારા બધા વધુ સમય નહિ આપી શકે એવું લાગ્યું... પણ વકૃત્વ સ્પર્ધા તો હોય કે નહિ ? નો જવાબ “હોય ને !” અપાઈ તો ગયો. વિષય જેને જે ગમે તે વિષે બોલી શકે એવું નક્કી કર્યું. પણ બધા રક્ષાબંધન ઉજવવાના મૂડમાં વધુ લાગ્યા. અમે યાદ કરાવ્યું કે છેલ્લે તમે જ તમારું મૂલ્યાંકન કરો છો. મારું મૂલ્યાંકન મારા વડે > એમાં તમારા મિત્રો તમારા ગુણ ના મુકવા દે તો પછી ફરિયાદ ના કરતા. અને ૧૪ મી ઓગષ્ટે એ વાતે એવી તો અસર કરી કે વકતૃત્વ માટેના નોમીનેશન આવ્યા પંચાવન !
૧૪ મી ઓગષ્ટની બપોર પછી બે કાર્યક્રમ નક્કી થયા. રાખડીઓ બનાવવી અને શાળા છૂટવાના સમયે રક્ષાબંધન ઉજવવી અને વકતૃત્વ સ્પર્ધા યોજવી. બંને સમાંતર કાર્યક્રમો ચાલ્યા. એક બાજુ કેટલાક પોતાનાથી રજુ થવાય એટલો રજુ થવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે બીજી બાજુ રાખડીઓ બની રહી હતી. વકતૃત્વ સ્પર્ધા આ વખતે અમને નવા ચમકારા આપી ગઈ. કોઈ દિવસ પ્રાર્થનામાં “આજ ના રોકસ્ટાર”માં ય ભાગ ના લેનાર આજે માઈક સામે ઉભા હતા. કેટલાક ત્રણ ચાર લીટી બોલીને બેસી ગયા..કે યાર ઘેર જોરદાર બોલતો હતો પણ ના બોલાયું ! ને કેટલાક પાંચ મિનિટથી વધુ બોલ્યે જ જતા. તેમાંથી ત્રણને ૧૫મી ઓગષ્ટે બોલવાની ટિકિટ મળી. આટલા બધા સ્પર્ધક અને ત્યારબાદ રક્ષાબંધન... ઉપરથી વરસાદી વાતાવરણ... આવતીકાલે તોરણ વગેરે કોણ બનાવશે ? એવું આયોજન કરવાનું તો ચુકાઈ જ ગયું.
રાત્રે “આપણું નવાનદીસર” વોટ્સેપ ગ્રુપમાં ફોટોઝ અને વિડિયોઝ મળવાના શરૂ થયા તો સમજાયું કે અમે ભૂલી ગયા હતા...ગામ નહિ.  તિરંગાને સલામી આપી બધા વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો.
રોજ તમારા બાળકોને પૂછો કે -
“આજે શાળામાં સવારથી સાંજ સુધી શું કર્યું?
“આજે શું શીખ્યા ?”
“શું વાંચવા કે લખવા આપ્યું છે?
આનાથી તેઓ પોતાનો આખો દિવસ એકઠો કરવાની ટેવ પાડશે..અને તમને પણ તે રોજ શું શીખે તેનો ખ્યાલ આવશે.
પરસ્પર લાગણીઓ વહેંચી રાષ્ટ્રીય પર્વ  ઉજવી, ભગિની-બંધુ પર્વ ઉજવવા છુટા પડ્યા !
 




















👇🎦👇

રાષ્ટ્રીય પર્વ  ઉજવણી માં બાળકોનું વક્તુત્વ ! 


👇🎦👇



👇🎦👇 



👇🎦👇

👇🎦👇


1 comment:

BALVANT RATHOD said...

Jordar saheb. I like it.