September 27, 2017

બીજ ફૂટશે તો, વૃક્ષ થશે જ !


બીજ ફૂટશે તો, વૃક્ષ થશે જ !

તેર ચૌદ વર્ષ પહેલા અમારા બાળકોના હાથમાં ગોળા ફેંકનો “ગોળો” ક્લસ્ટર કક્ષાની સ્પર્ધા ના દિવસે આવતો અને તે દિવસ દડો ફેંકે એમ ફેંકી તેનો સ્પર્શનો અહેસાસ ભુલાઈ જાય ત્યારે બીજા વર્ષે ફરી ગોળો ફેંકવાનો આવે ! કારણ – અમારા પૈકી કોઈને ગોળો ફેંકતા ક્યાં આવડતો હતો ? અમારી અને બાળકોની આવડત વધતી ગઈ... 
અને એક વર્ષે ભરવાડ જીતુ એ  ગોળો સૌથી દૂર ફેંક્યો તે તાલુકા કક્ષાએ ભાગ લેવા ગઈ... એ બીજ કૂટ્યું પછી દરેક વર્ષે તાલુકા સુધી પહોંચી જ જઈએ. સુધા નાયક અને કોમલ પરમાર  વળી દ્વિતીય સ્થાન મેળવી ટ્રોફી લઈને આવી. એની અસરમાં અને સુધાની અસરમાં તેની નાની બહેન મનીષા અને ત્યારબાદ ગત વર્ષે હંસા એ જીલ્લા સ્તર સુધી તુર્તીય સ્થાન મેળવ્યું.
                          વર્ષ – ૨૦૧૫ માં શાળામાં આવેલી શિલ્પાને મળો તો સાવ મૂંગી અને માંડ બે ત્રણ શબ્દો બોલે. પણ એની વાચા જયારે ફૂટે ત્યારે ગોળાની જેમ શબ્દો ફૂટે. એ નજીકના શેરો ના મુવાડાથી આવે અને પાંચ વાગ્યે ભરાતી સંધ્યા સભાને બંક કરવા માટે એ કહે, “ હું ઘેર જાઉં?” અને જો કહેવાય કે “શું કામ છે ઘેર જઈ ?” એટલે ગોળો છૂટે “તમારે ના હોય...અમારે તો હોય !” એનો આ સ્પાર્ક વધુ ખીલ્યો સ્વપ્નીલ સાહેબ સાથેની રક ઝકમાં અને સ્વપ્નીલે જ વાવ્યા સ્વપ્ન એનામાં અને એ ઉગી નીકળ્યા આ વખતના ખેલ મહાકુંભમાં ! જેના માતા પિતાને ગોળો શું એ ખબર નથી...
શિલ્પાની શાળા અને શિલ્પાને ગોળો ફેંકતા શીખવનાર સાહેબને પણ એ ઓળખતા નથી પણ એમણે અમારા પર ભરોષો મુક્યો – એ શમણાનો ગોળો રાજ્ય સુધી તેને પહોંચાડ્યો ! હા, રાજ્ય કક્ષાએ પહેલા ત્રણમાં ના આવી શકી પણ ત્યાંથી અમારા બીજા વિદ્યાર્થીઓ અને ખાસ વિદ્યાર્થિનીઓ માટે સ્વપ્નનું પોટલું લઈને આવી ! એને પંચમહાલ જીલ્લાના પ્રતિનિધિત્વ માટે મળેલો ટ્રેક શૂટ અને શરમાતા શરમાતા પહેરેલી ટોપી અમારા માટે ગર્વનો તાજ હતી !
એ જ હવે આવતા વર્ષે ગોળો ફેંકનાર શોધશે ..અને આ વ્રુક્ષને નવી ડાળખીઓ ફૂટશે !

  
  

રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ગોળો ફેંકતી શિલ્પાને નિહાળવા અહીં ક્લિક કરો >> ખેલ મહાકુંભ [ સ્ટેટ લેવલ ]