September 11, 2017

સ્વ-શાસન દિન - શિક્ષકનું પ્રતિબિંબ !


સ્વ-શાસન દિન - શિક્ષકનું પ્રતિબિંબ !

રોજ રોજ જ્યાં બાળકોનું જ સામ્રાજ્ય હોય ત્યાં આ દિનની ઉજવણી બહુ મહત્વની નથી હોતી. છતાં એમણે મજા આવે છે; સાડી પહેરી, બૂટ અને બંધ ગળાના શર્ટ પહેરવાની ! તો એક દિવસ રાખીએ જ્યાં એ વર્ગને સંભાળે અને આયોજન કરે “શીખવાની રીતો” !
           આ વખતે વળી નવી માથાકૂટ હતી. ચાઈલ્ડ પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ બંને એ હથિયાર હેઠે મૂકી દીધા ! શિક્ષકોની સંખ્યા ૫૫ ને પાર કરી ગઈ હવે ક્યાં કોને સમાવીએ ? એટલે અમે આઇડિયા આપ્યો કે જે પોતે કયા વર્ગમાં શું કરાવશે એનું લેખિત આયોજન જમા કરાવે એને મોકો આપીશું એવું કહી દો ! દાવ ઊલટો થયો-લેખિત જમા કરાવનાર પંચાવનથી વધ્યા !
 હવે, મેદાનમાં આવવું જ પડ્યું. શાળા સમય બાદ એક કલાકથી લાંબુ સેશન ચાલ્યું. એમને જ પૂછ્યું કે “હવે ધોરણ સાતમાં હિન્દી માટે ચાર વ્યક્તિઓએ નોમીનેશન કરાવ્યું છે, તમે કહો કે કોણ પોતાની દાવેદારી છોડવા તૈયાર થાય છે ?” સમજતા - સમજતા અને સ્વીકારતા કે “હા, એ મારાથી વધુ સારી કરી શકશે....” અને આખરે ૬ થી ૮ માટે દરેક પિરિયડ દીઠ એક એક એમ ચાર વર્ગોના ૨૮ અને ૧ થી ૫માં સવારે બે અને બપોર પછી બે એમ દસ બાળ શિક્ષકો ફાઈનલ થયા !
         તે દિવસે તેમનું વર્તન જોઇને અમને અમારી કાર્યશૈલીનો પરિચય મળતો હતો. અમે કરાવેલી કઈ પ્રવૃત્તિ તેમને વધુ અસર કરી ગઈ તે પણ પરખાતું હતું. બાયસેગ પર પ્રસારિત થયેલી જ્ઞાનકુંજની તાલીમ શિક્ષકો સાથે જે વિદ્યાર્થીઓ પણ જોઈ હતી તેનો ફાયદો પણ દેખાયો કે એ સ્માર્ટ બોર્ડ નો ઉપયોગ પહેલી વાર કરતા હોય તેવું લાગ્યું જ નહિ ! ક્યાંક ક્વીઝ હતી, ક્યાંક બાળગીત, ક્યાંક ઉખાણા, ક્યાંક કાવ્ય, ક્યાંક ગણિતના દાખલા તો ક્યાંક વળી રમત રમાતી હતી !
દિવસ આખો અમને અરીસો બતાવતો હતો – કે શિક્ષક તરીકે અમે “આવા છીએ !” 
















1 comment:

Sahadev said...

ખૂબ જ સરસ આયોજન