બાળકો - કેમેરા અને શ્રમનું ગૌરવ !
બાળકોમાં રહેલા
કૌશલ્યોને ઓળખવા એ શિક્ષકનું મુખ્ય કામ છે. એટલે જ તો બાળકોના ઝવેરી તરીકે પણ
સમાજમાં શિક્ષકને સન્માનવામાં આવે છે. જે શિક્ષક બાળકના કૌશલ્યને ઓળખી શકે છે તે
શિક્ષક જ પોતાની મહેનતનું પૂરું પરિણામ મેળવી શકે છે. ભણવાની પ્રક્રિયામાં ટોક અને
ચોક નો જ ઉપયોગ કરી મોટાભાગના આપણા મિત્રોએ તેને કંટાળાજનક બનાવી દીધી છે. જે
વ્યક્તિ કે વસ્તુમાંથી કંટાળો મળતો હોય
તેમાં નફો કે ફાયદો ગમે તેટલો હોય આપણે સૌ તેનાથી દુર ભાગતાં હોઈ છીએ. તો
એવામાં બાળકો પણ ભણવાથી ભાગી રહ્યાં હોય એ સ્વાભાવિક છે. એમાં બદલાવ આપણે સૌએ એમની
સ્કીલ અને એ મુજબનું એમને કામ સોંપીને લાવી શકાય છે.
બાળકોને રસીક કામ
સોંપવું અથવા તો સોંપવામાં આવનાર કાર્ય જો અનિવાર્ય જ હોય પરંતુ તેના માટે
કંટાળાજનક લાગે તેવું હોય તેમાં બાળકોને ગમતું ઉમેરવું જોઈએ. તો જ આપણે ધારીએ છીએ
તેવું બાળકો મજાથી કરી લે. કેટલીકવાર બાળકોને ગમતી પ્રવૃત્તિઓમાં આપણો પ્રત્યક્ષ
શિક્ષણ અંગેનો આગ્રહ જ બાળકમાં “આ તો ભણવાનું છે” – એવી લાગણીઓ બનાવી પેદા કરી દે
છે. અને બાળકોને મન તો ભણવું એટલે શું ? એતો આપણે સૌ જાણીએ જ છીએ.
ફોટોગ્રાફી સ્પર્ધા
માટેનો પત્ર મળતાં જ લાગ્યું કે બાળકો માટે તો આ મજા આવે એવી પ્રવૃત્તિ છે. ઘરમાં
નવો મોબાઈલ આવ્યો કે તરત ઘરનું બાળક પહેલાં કેમેરો ખોલી સેલ્ફી કે ફોટો પાડી
કેમેરા ક્વોલીટી ચેક કરતાં હોય છે.
સ્પર્ધામાં બાળકો માટે ફોટો પાડવા માટેનો ઉત્સાહ હતો , તો શાળા પરિવાર માટે ફોટોગ્રાફીનો વિષય “શ્રમનું ગૌરવ” એ ઉત્સાહ વધારનાર પરિબળ હતું. બાળકોને હમેશાં
વાતો અને વાર્તાઓ વડે આપણે વર્ગખંડમાં શ્રમ વિશે સમજાવતાં હતાં. એ હવે બાળકો જાતે
જ સમજે. મજાની વાત તો એ હતી કે આવી પ્રવૃત્તિ વડે બાળકો વધુ સ્પષ્ટતા સાથે સમજી
શક્યા કે પોતાની બા ભેંસને પાણી પીવડાવે છે, પપ્પા પોતાના વ્યવસાય માટે તૈયારીઓ
કરી રહ્યા છે, મમ્મી રોટલી માટે અનાજ સફાઈ કરી રહી છે, ભાઈ ખેતરમાં મદદ કરી રહ્યો
છે, ફેરિયો સાઇકલ પર સામાન સાથે જઈ રહ્યો છે, આ બધો જ શ્રમ છે. દરેક વ્યક્તિ
કોઈનેકોઈ પ્રકારે શ્રમ કરી રહ્યો છે. તે તો તેમની મોકલાવેલી ક્લિક્સ પરથી એમને અને
અમને સમજાયું જ ! પરંતુ સાથે અમે ઓનલાઈન ક્લાસમાં ચર્ચા દરમ્યાન એ પણ જોડ્યું કે
દરેક વ્યક્તિનો શ્રમ સમાજ માટે કેવી રીતે મહત્વનો છે, અને તેના વડે જ સામાજિક
ઉપયીગીતા ચક્રની જેમ કેવીરીતે ચાલતી હોય છે !
ચાલો, ભલે બાળકો એ શ્રમને લેન્સની નજરે જોયો હશે અને ક્લિક કરી હશે પરંતુ એ એટલું તો સમજી જ ગયાં હશે કે મારા પોતાની માટે આસપાસના સૌ શ્રમ કરી રહ્યા છે. આ જોઇને તે પોતે પણ પોતાનું યોગદાન આપવા તત્પર બનશે જ તેવી અમને તો આશા છે જ ! ત્યાં સુધી ચાલો તેમની ક્લિક્સ ને માણીએ..
1 comment:
નમસ્કાર,
નવાનદીસરટીમ
આપનો પ્રયત્ન અને કામ ગુજરાતની સમગ્ર શાળાઓ માટે આદર્શરૂપ છે
અશ્વિન નકુમ
આ.શિ. અમારપુર પર.શાળા તા.સુત્રાપાડા
Post a Comment