November 30, 2020

આશાઓનો અંબાર !!!

આશાઓનો અંબાર !!!

સુવિધાઓ માણસને આળસુ બનાવે છે. – આવું આપણે વારંવાર સાંભળ્યું છે. પરંતુ આ વાક્યો મોટાભાગે તેવા વ્યક્તિના મોઢે સાંભળવા મળે છે જે બધી સુવિધાઓ ભોગવી ચૂક્યો હોય છે. વ્યક્તિના વિકસવા માટે સુવિધાઓ પણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ તો ગામડાઓનું શહેરીકરણ વધુ પ્રમાણમાં થવા લાગ્યું. સુવિધાઓનો ઉપયોગ વડે વિકાસ અને વિકાસ વડે વધુ સુવિધાઓ ઊભી કરવી – એ જાણે કે વર્તુળ બની ગયું.

હવે વિતેલા સમયમાં જેમ જેમ શૈક્ષણિક સુવિધાઓ વધતી ગઈ છે, તેમ તેમ શિક્ષણ એ  વિકાસ માટેનું અનિવાર્ય અંગ બની ગયું છે. શિક્ષણ એ જ મારા કુટુંબની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો લાવી શકે છે. તેવું લોકો દ્રઢ પણે માનતાં થયાં છે. શિક્ષિત થવામાં સમયની સાથે કદમ ન મિલાવી શકનાર વાલીઓ પણ પોતાના બાળકને શિક્ષણ ને એક જડીબુટ્ટીની જેમ પીવડાવવા માટે આતુર છે. આ અગાઉ પણ વાત કરી હતી કે “જો કોઈ વ્યક્તિને અચાનક આર્થિક ફાયદો થઈ જાય એટલે કે બે પૈસા વધુ કમાતો થાય“ અને તેને પૂછવામાં આવે કે શું કરીશ ? તો જવાબ પોતાના બાળકોને સારા શિક્ષણ માટેના પ્રયત્નનો જ હોય છે.

કોરોના કાળમાં સ્થિતિ બદલાઈ ગઈ. શિક્ષણ માટે વાલીઓ શાળાઓ તરફ દ્રષ્ટિ કરતા હતા, તેને બદલે હવે શિક્ષકો વાલીઓના ઘર સામે દ્રષ્ટિફેર કરવો પડ્યો. બાળકો અને શિક્ષકોને મળવા માટેનું સ્થાન નિશ્ચિત હતું. તેને બદલે શિક્ષકો માટે ઘરે ઘરે શાળા ઊભી કરવા જેવી સ્થિતિ ઊભી થઈ. માટે  એમનાં બાળકોના શિક્ષણની એમને કઈંજ પડી નથી ! – આવું પહેલાં આપણે જે વાલીઓ માટે બોલતા હતા. તે વાલીઓના આંગણમાં જઈએ ત્યારે તેઓના ચિંતાતુર ચહેરાનો એક જ સવાલ આવતો સાહેબ આ બાળકોના ભણવાનું શું થશે ? આવા સવાલો સાંભળી સમજાય છે કે આ વાલીને પહેલાં પોતાના બાળકના શિક્ષણની ચિંતા એટલે નહોતી - કારણ કે તે માટે તે શાળા ભરોશે હતો.

બાળકોના શિક્ષણ અંગે બાળકો સાથે રોજ વાર્તાલાપ કરી શકાય અને બાળકોને રોજેરોજ શિક્ષણ અંગેનું વિચારવાનું, સમજવાનું, ઉકેલવાનું થાય એવું કામ મળી રહે તેવા આશય સાથે શાળાએ વૉટ્સઅપ હોમવર્ક અને ઓનલાઈન ડિસક્સન શરૂ કર્યું. જે બાળકો સુવિધાથી વંચિત છે તેઓ માટે રૂબરૂ મુલાકાત અને ટેલિફોનિક વાતચીતનું આયોજન કર્યું. જેટલીવાર એ બાળકોની મુલાકાત માટે તેમના ઘરે જઈએ, શિક્ષક તરીકેનો જીવ બળી જાય કે તેઓ માટે શાળાની ટેકનોલોજી નકામી સાબિત થઇ રહી છે. આવા બળતાં  જીવો વચ્ચેની દિવાળી માં એક આશાની રીંગ વાગી..

હેલો સાહેબ ___ બોલુ , મારા આ નંબર પર હવે પેલું વોટસ અપ લેસન મોકલજો

એના અવાજમાં જે ઉમળકો હતો.. એ સાંભળીને અમારે મન તો એ જ દિવસે જાણે ફરી દિવાળી !

No comments: