September 29, 2020

Selfe with DD - Twist is Sweet !

Selfe with  DD  -  Twist is Sweet !

સતત એક પ્રકારનું કામ જીવનમાં રૂઢતા લાવી દે છે. દરેક માનવી સમયાંતરે પોતાના રૂટીનમાં કાંતો બદલાવ ઈચ્છે છે અથવા તો બ્રેક ઈચ્છતો હોય છે. આપણા રૂટીનમાં જીવાતા જીવન દરમ્યાન પણ જો વચ્ચે ફેરફાર ન આવે તો જીવનમાં પણ નીરસતા આવી જવાની સંભાવના રહેલી છે. અને એટલે જ તો, આવા બદલાવ અથવા તો બ્રેક માટે તહેવારોની ઉજવણી શરુ થઇ હશે. આવા ફેરફારો જીવનમાં નવો ઉત્સાહનો સંચાર કરી દેતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ જ કે જે કાર્યમાં ઉત્સાહ ઉમેરાય તેના પરિણામોમાં ૧૦૦% સફળતાની આશા દેખાઈ આવે છે. દેખાઈ શું આવે ૧૦૦% પરિણામ મળી જ રહે છે. એનાથી જ સમજી શકાય છે કે કોઇપણ કાર્ય સતત એક રૂટીનમાં થવું એ તેની ખરાબ રીતે થઇ રહ્યાની અને અસફળતા મળવાની પણ નિશાની છે.!!

કાર્યનો ઉત્સાહ જળવાઈ રહે તે માટેનો બીજો નિયમ એ છે કે તેના માટે નિરીક્ષકો હોવા મહત્વના છે. તમને વાત કરું તો ક્રિકેટ આટલી ફેમસ કેમ બની અને ગલીએ ગલીએ રમાતી કબ્બડ્ડી અને કુસ્તી કેમ પાછળ રહી ગઈ એવું અમને જયારે કોઈ બીજો પૂછે ત્યારે અમારો જવાબ એ જ હોય કે પ્રેક્ષકો વિના ! જયારે કોઈ જોનાર નથી, ત્યારે કોઈ રમનાર પણ નથી ! કારણ કે કોઈ જોતું નથી એટલે ખેલાડીઓમાં  રમવાનો ઉત્સાહ પણ નથી બનતો ! અને તેની સામે ક્રિકેટે તે સમયે સમય સુચકતા વાપરી રમતમાં ટેકનોલોજીનો સંપૂર્ણપણે  ઉપયોગ કરી શેરી મહોલ્લા અને ગલીએ ગલીએના તમામ પ્રેક્ષકોને પહેલાં રેડિયા સામે ભેગાં કરી દીધાં. પછી તો ધીમેધીમે ઘરમાં ટીવી આગળ બેસીને રૂબરૂ મેદાન જ જાણે ઉભું કરી દીધું. કુસ્તી કહો કે કબડ્ડી તમામ મેદાનો પ્રેક્ષકો વિનાના બનવા લાગ્યા અને અહીં પેલો જ નિયમ લાગુ પડ્યો – જોનાર નથી તો – રમવાનો ઉત્સાહ નથી ! અને ઉત્સાહ નથી તો પછી તે ક્યાં સુધી ચાલે એ પણ આપણે જાણીએ છીએ જ.

આવી જ બાબતોનું પુનરાવર્તન થવાની શરૂઆત શાળામાં થઇ એવું લાગ્યું. જુન માસથી શૈક્ષણિક સત્ર શરુ થયું પરંતુ કોરોનાને કારણે આ વખતે શિક્ષણ શાળાઓમાં નહિ બાળકોના આંગણામાં અને ટીવી મોબાઈલની સ્ક્રીન પર શરુ થયું. શિક્ષણ વિભાગ ધ્વારા બાળકોના શિક્ષણ કાર્યને ઘર સુંધી પહોંચાડી શકાય તેવા હેતુથી સમય પત્રક સાથે દુરદર્શન ની ગિરનાર ચેનલ પર  હોમલર્નિંગ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો. બાળકો આનો પુરેપુરો લાભ મેળવે તેના માટે શાળા પરિવાર ધ્વારા પણ બાળકોના ઘરનું સર્વે કરી આયોજન કરવામાં આવ્યું. જેમાં...

  • જે બાળકોના ઘરે ટીવી નથી તો ? – સાથે રમતાં મિત્રના ઘરે જોવે તેમની સૂચનાઓ સાથેની બાળકોની ટીમ બનાવી.
  • દુરદર્શન પર જોયા પછી ન સમજાય તે બાબતો બીજા દિવસે ઓનલાઈન ક્લાસમાં અથવા તો પોતાના શિક્ષકને ફોન કરી પૂછે તેવી વાલીઓને પણ જાણ કરી.
  • રોજેરોજ બાળકો સાથેની ટેલીફોનીક મુલાકાતમાં પણ દુરદર્શન જોયું ? અને હોમવર્ક કર્યું ? = આ બે પ્રશ્નોને ખાસ પુછવામાં તેવું નક્કી કરાયું.

આવા આયોજન સાથે રૂટીન કાર્ય શરુ થયું. વાલીઓ પણ જોડાયા. તેઓ પણ બાળકોની પ્રવૃત્તિઓ જોતાં – બાળકોને પૂછતાં – વાતો કરતાં – શિક્ષક સાથે તે અંગેની ચર્ચા કરતા ! બાળકો ધ્વારા પણ જોવે – વાંચે –લખે – સમજે – પૂછે – બધું જ થવા લાગ્યું –ધીમેધીમે આ રૂટીન બન્યું. – જેથી હવે તમે પણ સમજી ગયાં હશો કે રૂટીન બનવું એટલે કે કામ થવું પણ તેમાંનો ઉત્સાહ ઉડી જવો. સમયાંતરે બાળકોને શૈક્ષણિક કાર્યક્રમો જોવા માટે નવો ઉત્સાહ ભરવાનો સમય આવી ગયો હોવાનો અહેસાસ તેમની સાથેની ટેલીફોનીક અને રૂબરૂ મુલાકાત સમયે થવા લાગ્યો. વાલીઓ પણ પોતાના જીવનનિર્વાહ માટેના વ્યવસાયમાં વ્યસ્ત હોય એટલે આમાં સતત ધ્યાન ન આપી શકે. તે માનવું જ રહ્યું. પરંતુ આપણે સૌએ તો ‘બાળકોની કેળવણી’ ને જ વ્યવસાય તરીકે સ્વિકાર કર્યો છે, ત્યારે આપણે બાળકોના દરેક કાર્યમાં ઉત્સાહ વધારવા શું કરી શકાય તેનું મંથન શરુ થયું. વિચારતાં વિચારતાં જ વિચાર આવ્યો - ‘સેલ્ફી વિથ DD’ [એટલે કે દુરદર્શન]. જેમાં નીચે મુજબની વાતો અજમાવાઇ.

·         શિક્ષકો રોજેરોજ બાળકોને હોમ લર્નિંગને રોમાંચિત બનાવી રિમાઈન્ડ કરે. અને તે જોઈ રહ્યાં હોય તેનો ફોટો મંગાવે.

·         ફોટો આવે એટલે વળતો પ્રોત્સાહિત રિસ્પોન્સ કરવો.

·         સુર્યપાલનો આવેલો ફોટો સંદીપને બતાવાય અને જાનકીનો આવેલો ફોટો જીનલને મોકલાવાય.

·         વાલીઓના ગ્રુપમાં પણ શેર કરવાનું આયોજન કર્યું.

અઘોષિત રીતે એવો માહોલ ઉભો કર્યો કે જાણે “બાળકો ફોટોગ્રાફ્સ વડે એકબીજાને પૂછતાં ન હોય કે મેં તો DD જોયું, તમે જોયું?” “જો, અનીતાએ તો જોયું, પ્રિન્સ તેં જોયું ? અમારો પુરક ઉદેશ્ય પણ એ જ હતો કે બાળકોને પણ લાગે કે “અમે આ જોઈએ છીએ,તે પણ કોઈક જોવે છે. હવે બાળકોને પોતે હોમલર્નિંગ જોવા માટેનું ફક્ત ભણવું એ જ એક માત્ર કારણ ની જગ્યાએ મિત્રોને જોતાં બતાવવા માટેનું બીજું કારણ પણ મળ્યું છે.

અને ઉપરની શરૂઆતની વાત ફરીથી કહું કે દરેક રમતમાં ખેલાડીના ઉત્સાહનો આધાર જોનાર પ્રેક્ષકો પર છે. તે વાત આમાં બાળકો પર પણ લાગુ પડે છે – અને તેમાંય પ્રેક્ષકો તરીકે  મિત્રો અને પોતાના શિક્ષકો જ હોય તો પછી પુછવાનું જ શું ?

હજુ મંજિલ દૂર છે ત્યારે આપણા સૌનો ઉત્સાહ ટકી રહે તે માટે બીજું શું કરી શકાય તે માટેના સૂચનો અમને મળશે તો એઝ યુઝવલ અમને ખૂબ ગમશે. 











No comments: