September 30, 2020

ટેકનોલોજીના આશીર્વાદ -: પ્રીતિના જન્મદિવસની ઉજવણીએ ઉછળ્યો લાગણીઓનો દરિયો

ટેકનોલોજીના આશીર્વાદ -: 

પ્રીતિના જન્મદિવસની ઉજવણીએ ઉછળ્યો લાગણીઓનો દરિયો 

શિક્ષક- બાળકો - શાળા – ત્રણેય ને અલગ અલગ રાખવા તો શું ? - એવું વિચારવું પણ શક્ય નહોતું. બાળકો વિનાની શાળાઓ ચાલશે કે શાળા વિના બાળકો ફળિયામાં જ મહાલશે – એ ક્યારેય કોઈનેય સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો. પરંતુ તે હકીકત બની.  શાળાઓના નસીબમાં આડ બનીને ઉતારી દીધી એક અણધાર્યા રાક્ષસે. જયારે જયારે માસના અંતે આ અંકમાં લખવાની શરૂઆત થઇ આવે છે – બાળકો વિનાની શાળામાં શૂન્યતા ગળામાં ડૂમો લાવી દે છે. હાય રે ! કોરોના શાળાઓમાં કાળ બની આવ્યો ! આ વાક્ય દિલમાંથી સરી પડે છે.

શાળામાં રમતાં,કૂદતાં કિકિયારીઓ કરતાં હોય,મેદાનના ખૂણે ખૂણે ભમતાં હોય અને વાતવાતમાં લડાઈ કરી પાછાં થોડી વારમાં એકબીજા સાથે રમત ગમતમાં જોડાઈ જતાં હોય, એક દિવસ ન આવે કે આપણાથી ન અવાય તો પૂછાપૂછ કરી મૂકતાં હોય - એક અંગ જેવા અને પોતાના મન સરીખા ઉમંગ જેવા બાળકો વિનાના કેમ્પસમાંથી ઈ-લર્નિંગ ચાલી રહ્યું છે. બાળકોની ઘર મૂલાકાત એ હજુ પણ શાળા સાથેના બાળકની લાગણીઓના તાંતણે બંધાયોલો હોવાની સાબિતી પૂરી પાડે છે. ફરક એ પડ્યો છે કે પહેલાં શાળામાં ઘરની વાતો થાતી હવે બાળકોના ઘરે જઈએ ત્યારે શાળાની ચર્ચાઓ થઈ રહી છે. રોજેરોજ બાળકોના જન્મદિવસ તહેવારોની જેમ ઉજવાતા અને ચોકલેટો મીઠાઈની જેમ ખવાતી. અત્યારે મળવાની આ પ્રક્રિયા ઈ-મીટીંગ બની ગઈ છે. પરંતુ લાગણીઓ એટલી જ ઈ–લાગણીઓ બની જળવાઈ રહી છે. ટેકનોલોજી એ માટે આશીર્વાદ બની રહી છે. તેને કારણે જ તો આજે પણ હસી ખુશીના એ પ્રસંગો બાળકો સાથે ચાલી રહ્યાં છે. બાળકો પણ એટલા જ શાળા સાથે જોડાયેલાં છે – અને પોતાના જન્મદિને હસતાં હસતાં રડેલ પ્રીતિ - એ જ પુરાવો છે કે દીકરીઓ હજુ પણ અમને પરિવારથી કંઈ ઓછાં ગણતી નથી.

એક કહેવત છે – “સુખમાં કે દુઃખમાં” – જેની સામે કોઇપણ પ્રકારની લાગણીઓ વ્યક્ત કરવામાં તમને સંકોચ ન થાય એ સૌ આપણાં !!!

હવે મને ખબર છે કે તમે પૂછશો જ – કે એ દિવસે ઓનલાઈન ક્લાસમાં શું બન્યું હતું ? ચાલો જોઈએ  >  ટેકનોલોજીના આશીર્વાદ

No comments: