કોઈ તો રોક લો..
'રાંઝણા' (ધનુષવાળું) ફિલ્મ જેવું આપણું આખું વર્ષ રહ્યું. માંડમાંડ કોઈક રસ્તો
શોધી લઈએ
ત્યાં તો મૂવીમાં જેમ ઝોયાને બીજું કશુંક પસંદ આવી જાય એમ આપણા શૈક્ષણિક
માર્ગોના વળાંકો આપણે જોઈ રહ્યા હોઈએ ને તે આડા ફંટાઈ જાય.
વાલીઓ, બાળકો અને ફળિયામાં ટ્યુનિંગ કરાવીને ઓનલાઈન શીખવા
માટેનું વાતાવરણ બરાબર સેટ કર્યું. હવે, છૂટી જતાં એ બાળકો
સુધી બીજા બાળકો ય સંદેશ પહોંચાડી દેતા. જેમ રૂબરૂ આવતા ત્યારે એકબીજાને 'લેસન કર્યું?' એમ પૂછતા તેમ હવે ફોનથી-મેસેજથી
એકબીજાને શીખવા તરફ ધક્કો મારતા થઈ ગયેલાં. ત્યાં જ ધોરણ 6 થી
8 ખોલવાનો નિર્ણય આવ્યો ને શરૂઆતમાં કેટલાંક બાળકોએ તો રીતસર
દોટ જ મૂકી. શિક્ષકો, બાળકો, વાલીઓ –
એમ બધાં જાણે જીવનમાં પહેલીવાર શાળાઓ ખૂલી હોય એમ અનુભવતાં હતાં. વર્ગો પ્રમાણમાં
શાંત લાગે. અરે! આપણે કહ્યું હોય કે છૂટાછૂટા બેસી ખાજો, તો
એ વાત માને! (અમારા માટે તો એ નવાઈ હતી કે બાળકો આટલાં બધાં કહ્યાગરાં થઈ ગયાં.)
કેટલાંક છેલ્લી પાટલી પર એકલા એકલા બેઠા હસતાં રહેતા... મંદમંદ... ('થ્રીઇડિયટ્સ'માં આમિર ખાન હસે એમ... 'મજા આ રહા હૈ... કઈ
મહિનોં સે સપના થા કિ મૈં સ્કૂલ મે લાસ્ટબેન્ચ પર બૈઠા હૂ ઔર ટીચર પઢા રહે હો... ઔર
આજ વો સપના સચ હો ગયા હૈ. ) ટૂંકમાં ભણવું - ન ભણવું એ
બધાં કરતાં એકબીજાને મળવું (દૂરથી તો દૂરથી) જાણે અમૃત જેવું હતું. નિદાન કસોટી
આવી, એમાં પણ તેઓએ સંપૂર્ણ – જાણે કે પરીક્ષા આપવાનીય મજા
પડતી હોય એમ હાજરી આપી.
બધું જ મસ્ત ચાલતું હતું. (આપણી ભીતર રહેલો કુંદન હવે ખુશ હતો કે હવે
તો બધું જ ઓલ સેટ જ છે.) ત્યાં ધીમે ધીમે ઝોયાએ રંગ બદલવાનું શરૂ કર્યું. છાપામાં
આપણાથી દૂર – કેસ વધવાના અને સેકન્ડ વેવ, ડબલ મ્યુટેશન જેવા શબ્દો; પહેલાં
છૂટકછૂટક અને પછી જથ્થાબંધ વધ્યા. અમે તેમને ફરી ઓનલાઈન ભણવાનું થાય તો શું કરીશું,
તેમને શું મુશ્કેલી પડે, તેમણે તેમાં ટેક્નિકલ
રીતે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી – જેવી ચર્ચાઓ કરતાં. (પણ મનમાં તો એમ જ કે,
'ના રે! હવે ગુજરાતમાં એટલા બધા કેસ ન જ આવે કે શાળાઓ બંધ કરવાની
થાય.') અમારી આ ટ્રેન હવે પાટા પર પૂરપાટ દોડતી હતી. ધોરણ 1
થી 5 ના બાળકો પણ હવે તેમને લેવા ટ્રેન ક્યારે
ઊભી રહેશે તે માટે પૂછપરછ કરતાં હતાં, ને અમેય કહેતાં કે હવે
બસ થોડાક દિવસ. ત્યાં તો ગુજરાતમાં કેસ – પંચમહાલમાં કેસ – ગોધરા તાલુકામાં – પરિઘ
નાનો થતો ગયો. કેટલાંક બાળકોના વાલીઓએ બાળકોને ટ્રેનમાંથી ઉતારવા માંડયા અને
દેખાદેખીથી શરૂ થયેલી આ ઘટમાળ પછી તો ભયના ઓથાર હેઠળ – ટ્રેન મોટી ને પૅસેન્જર ઓછા
એવા હાલ થઈ ગયા. અમે પણ કાળજીના ભાગરૂપે બાળકોને વર્ગમાં બેસાડવાનું જ બંધ કરી
દીધું. ફોનથી સંપર્ક ફરી શરૂ કર્યા. છતાં લાગતું હતું કે હવે થોડોક સમય, પાછું બધું બરાબર થઈ જશે.
પણ ત્યાં જ – ટ્રેન રોકો અને પૅસેન્જર ખાલી કરો – એવી હાલત
આવી ગઈ.
એ પછીના ચોવીસ
કલાક અમારા માટે 'રાંઝણા'ના કુંદનના છેલ્લા સીન
જેવા -मेरे सीने की आग
या तो मुझे जिंदा कर सकती थी या मुझे मार सकती थी,पर साला अब उठे
कौन? कौन फिरसे मेहनत करे दिल लगाने को... दिल तुडवाने को… अबे कोई तो आवाज दे के रोक लो! – ની જેમ એક એક કરીને બધાં દૃશ્યો આંખ
સામે ભજવાતાં જતાં હતાં.ફરી એક
ફૉર્મ લઈ સર્વે, ફરી
કેટલાયના નંબર બદલાઈ ગયા હશે, કેટલાકના ટીમ્સ
એકાઉન્ટ કાઢી નખાયા હશે. કેટલાકના વાલીઓ 'હવે શું
કરવો છે!' કરી ફોન વેચી આવ્યા હશે. – કરી શકીએ એમ તો હતાં જ પણ એમ મન ભરાઈ
આવેલું કે,
“કૌન સાલા ફિર સે ઉઠે!" એવુંય થતું કે, "કોઈ તો રોક લો...” ને એ જ સાંજે ફોન – “સાહેબ, કાલે કેટલા વાગ્યે ઓનલાઈન ક્લાસ?” આટલા જ શબ્દો ને – “યસ, કાલે સવારે કહીએ ને વોટ્સએપ ગ્રુપમાં...” બધું ગોઠવી દેવાની તાકાત આવી ગઈ.
ફટાફટ આયોજન ટાઇપ થયું.
નાગરિક
ઘડતરની જેમ જ 6
થી 8 ની વર્ચ્યુઅલ સંસદ કરી, તેમની સામે સવાલો મૂક્યા, તેમણે સૂચનો આપ્યાં. અમે ભેગાં કરી
માળખું કર્યું... ને ... શું! અમારી ફિલ્મ તો હેપ્પી હેપ્પી જ છે.😊ફરી અમારી પડતાં-આખડતાં, અથડાતાં-કુટાતાં શીખવાની જર્ની શરૂ થઈ
ગઈ છે.
No comments:
Post a Comment