March 21, 2021

મિત્રની ટકોર મિત્રને - શાળા બેનર

મિત્રની ટકોર મિત્રને - શાળા બેનર 

કોરોના કાળ પછી ખુલેલી શાળાઓનું વાતાવરણ હવે પહેલા જેવું નથી રહ્યું. નિયમો બદલાય એટલે રહેણી કરણી પણ બદલાય એ આપણે સૌ જાણીએ છીએ. કોરોનાની એન્ટ્રી એ આપણા શાળા જીવનના નિયમોમાં મોટો ફેરફાર ઊભો કરી દીધો છે. બાળકો એકબીજાને ખભે હાથ મૂકીને શાળા કેમ્પસમાં ફરતાં ત્યારે કેવી મજાની મિત્રતા છે તેવો અહોભાવ થતો. હવે તે દ્રશ્ય બાળકોમાં સંક્રમણ ફેલાવશે તેવો ડર પેદા કરી રહ્યો છે. કોરોના એ આપણા સૌની જોવાની દ્રષ્ટિ જાણે કે બદલી જ નાખી છે. બાળકો સાથે અંતર જાળવીને અંતરથી [મનથી] જોડાવાનો સમય હવે આવ્યો છે. અને આવામાં એક શિક્ષક તરીકે ગંભીરતા ન સમજતાં બાળકો સાથેનું અંતરવાળું વર્તન પણ તેને ઓછું ન છાજે તેનું ધ્યાન રાખવું એ પણ એક કઠિન વાત છે. કારણ કે પહેલીવાર શિક્ષકો માટે આવી સ્થિતિ પેદા થઈ છે – હવે સમજાય છે કે બે ત્રાજવામાં પગ રાખી મત્સ્ય વેધ કરતા એ અર્જુન માટે આવી જ  સ્થિતિ પેદા થઈ હશે. કારણ કે એક શિક્ષકના જીવે તો બાળકો સાથે પણ રહેવું હોય છે, બાળકોના હિતમાં સંક્રમણથી બચાવવા અંતર પણ જાળવવું  હોય છે અને વર્ગખંડોમાં સાથે જીવવું હોય છે.

એવું નથી કે ફક્ત વર્ગખંડમાં જ આની અસર વર્તાઇ છે. કોરોના પૂર્વે શાળામાં થતી પ્રવૃત્તિઓ  મોટાભાગે સામૂહિક પ્રવૃત્તિઓ હોવાને કારણે પણ શાળાની ચિંતાઓ હવે વધી રહી છે. આવા સમયમાં બાળકો જેટલા બને એટલા સંક્રમણથી બચે તે માટે તેમનામાં જાગૃતિની સાથે સાથે તેમની ટેવોમાં ફેરફાર લાવવા માટે શાળાઓએ હવે મથવાની શરૂઆત કરી દીધી છે. બાળકો માટે સાવચેતી અને સલામતી એ શાળાની પહેલી ફરજ છે. પરંતુ આ બાબતમાં બાળકોની ટેવોને તેના અનુકૂલનમાં ફેરવવામાં ન આવે ત્યાં સુધી બાળકોને સતત ટકોરવા પડે તે સ્વાભાવિક છે. માણસ સ્વભાવ જ રહેલો છે કે ટેવ એ જલ્દી બદલી શકતો નથી અને એટલે જ આપણાં મિત્રો કે આપણાં વહાલાં આપણને તે બાબતે સતત ટોકતાં રહેતાં હોય છે. કેટલીકવાર આપણી ટેવો સુધારવા આપણા પરિવારજનો પણ આપણા મિત્રોની ભલામણ લાવતાં હોય છે – કારણ કે બધાને એમ જ હોય છે કે મિત્ર જ મિત્રની ટેવમાં જલ્દી ફેરફાર લાવી શકે છે. આવા જ એક પ્રયત્ન રૂપે જ્યારે શાળામાં કોરોના સંક્રમણ અંગે સાવચેતી માટે સૂચના આપતાં બેનર બનાવવાના થયાં ત્યારે અમે પણ તેમાં શાળાનાં બાળકોનો જ  મોડલ તરીકે ઉપયોગ કર્યો. સગાં- વહાલાંની  જેમ અમને પણ આશા છે કે > અમારા બાળમિત્ર જ તેમના મિત્રની ટેવમાં જલ્દી ફેરફાર લાવી શકશે !  










No comments: