August 30, 2020

ઓન હોય કે ઓફ હોય; શીખવાનું હોય. ✋

ઓન હોય કે ઓફ હોય; શીખવાનું હોય. ✋

કોઈક શબ્દ જરૂરથી વધુ વખત વપરાય પછી તેનો મૂળ અર્થ ગુમાવી દે છે. શિક્ષણની બાબતમાં પણ આવું જ બન્યું. કોરોનાના કારણે દૂર રહી શીખવા માટે કરાતા પ્રયત્નોને આપણે “ઓનલાઇન શિક્ષણ” એવું નામ આપ્યું (અથવા અપાઈ ગયું.)  પછી એ શબ્દ એટલી બધી વખત ઉછળ્યો કે તેના અર્થ બદલાઈને  માત્ર – “વિડીયો કોન્ફરન્સ એટલે ઓનલાઈન શિક્ષણ” એમ બધાના મગજમાં ઠસવા લાગ્યું. હવે આ જ વ્યાખ્યા સાથે ભારતની કોઈપણ શાળા કાર્ય ન કરી શકે. એટલે જ્યારે પણ “ઓનલાઈન” એવો શબ્દ આવે તેની સાથે જ આપણને પ્રશ્નો જ દેખાય (પ્રશ્નો છે પણ ખરા.) પણ હવે જો આ ઓનલાઈન શબ્દને તડકે મૂકી દઈએ  અને ઉપાયો વિચારી તો રસ્તા મળી શકે – શરત એટલી કે જો તેને “વિડીયો કોલિંગ” સાથે જ જોડવાનું ના હોય તો.

આવા સમયનો સૌથી ઉત્તમ રસ્તો તો આ અગાઉના બાયોસ્કોપમાં કહ્યું હતું એમ – આ શિક્ષણ પ્રથાને રીસેટ મારી દઈને નવેસરથી વિચાર કરવાનો હતો. પરંતુ જેમ એક સ્થળે પહોંચવાના બે રસ્તા હોય તેમાંથી એક રસ્તે અડધે સુધી પહોંચીને અફસોસ કરીએ કે પેલો રસ્તો લેવા જેવો હતો તો તેનાથી રસ્તાને નહીં; આપણને ફરક પડે છે. – આવો વિચાર પછી મગજમાંથી હટાવી શકાતો નથી. જે રસ્તે ચાલીએ  છીએ તે રસ્તે બધી મુશ્કેલી જ મુશ્કેલી લાગ્યા કરે અને જે રસ્તે ચાલતા નથી તેના માત્ર સ્વપ્ન અને વિચારો જ આવે.

આવું જ આપની સાથે થઈ રહ્યું છે. ઓનલાઈન કે  ઓફલાઇન શીખવાનું તો જરૂરી હતું. અત્યારે આપણે સૌ કહીએ છીએ કે “શાળા જ શીખવે એવું ના હોય !”  – “બાળક જાતે પણ શીખી શકે.” - “બાળક સમાજમાંથી પણ શીખી શકે.” - “બાળક પોતાના મિત્રો પાસેથી પણ શીખી શકે” - “બાળક રમત દ્વારા પણ શીખી શકે.” - “બાળક તેના વાલી પાસેથી પણ શીખી શકે.” હવે આ  સંવાદોને આપણા જ ભૂતકાળમાં મૂકીને જોઈએ તો આપણને સમજાશે કે આપણે આ બધી રીતે શીખી શકાય એ વાત સમજ્યા પછી પણ તે મુજબ બાળકને  શીખવાની તક ઓછી આપી હતી ! વર્ષોથી આપણે શીખવું એટલે “શાળા શીખવે તે” અને “શિક્ષક જ શીખવી શકે” એ માન્યતાને વાલીઓ અને બાળકોના મગજમાં ઘર કરાવી દીધી. રમત રમે ત્યારે રોકોટક કરી, વર્ગમાં વાતો કરે ત્યારે રોક ટોક કરી, કોઈક ખેતરની વાતો વર્ગમાં લાવે ત્યારે રોકટોક કરી.. અને હવે આપણને આજે સમજાય છે એ રોક ટોક ના કરી હોત આજે તેમનું શીખવાનું સરળ બન્યું હોત –

શાળાઓની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે. આપણે જ પહેલા વાલીને સમજાવતા હતા કે આમ અઠવાડિયામાં બે ત્રણ રજા પાડે તો પછી મુશ્કેલી પડશે. જુઓને તેની હાજરી કેટલી ઓછી છે. એટલામાં તો શિક્ષકે વર્ગમાં કેટલું બધુ શીખવ્યું હોય – હવે તમે તો કઈ ઘરે શીખવી શકશો નહીં. એટલે આમ નિશાળ નહીં આવે (મારી પાસે નહીં આવે) તો નુકશાન જ નુકશાન છે. – અને હવે આપણે કહીએ કે હવે ત્રણ ચાર મહિનામાં શું ખાટું મોળું થઈ જવાનું ! 




No comments: