July 30, 2020

બાળકના બાળપણના ભોગે કંઈ જ નહિ !

બાળકના બાળપણના ભોગે કંઈ જ નહિ ! 

શાળા માટે આજે સ્થિતિ જેવી ઊભી થઈ છે તેવી ક્યારેય નહોતી થઈ. કોરોના અંગેનો ખતરો દુર ન થાય અને બાળકો જ્યાં સુધી શાળામાં કિકિયારી કરતાં ન થાય ત્યાં સુધી મોટાભાગે વાત આવી લાગણીઓથી જ શરુ કરવી એ મજબૂરી છે. 

અત્યારે બાળકો સાથે સાથે વાલીઓની પણ વ્યસ્તતા વધી ગઈ છે. સૌથી વધારે વ્યસ્ત અને મસ્ત હોય તો તે ધોરણ પહેલાંના બાળકોના વાલીઓ છે. આ વાલીઓમાં બાળકોની શૈક્ષણિક કારકિર્દી શરુ થયાનો આનંદ અને જુસ્સો સામેલ છે. સાથે સાથે તે વાલીઓ પહેલીવાર શાળાઓ સાથે ડીલ કરી રહ્યાં હોઈ તેઓને  શાળા કેવી રીતે કામ કરતી હતી ? આવી બાબતો અંગે કોઈ પુર્વાનુભવ નથી. માટે જ શાળાના તમામ વાતો એટલે કે બાળકોના અભ્યાસ માટેની સૂચનાઓ તેઓ એ જ ફોરમેટમાં અનુસરે છે જે એક શિક્ષક શાળામાં અનુસરે છે. આવા સમયમાં શાળાની જવાબદારીઓ ખુબ વધી જતી હોય છે. કારણ કે શાળાએ બાળકો સાથે કામ કરવાનો બહોળો અનુભવ છે. તેમજ શાળામાં કોઈ બાળક જલ્દીથી ન શીખતો હોય ત્યારે શિક્ષક તરીકેનો આપણો અનુભવ આપણને ધીરજ ધરવા અને નવીન પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરતો હોય છે. પરંતુ વાલીઓ પાસે આવા અનુભવો નથી હોતા. બાળક ધીમેથી શીખે છે – એવો સ્વિકાર એ વાલીઓ માટે ખુબજ મહત્વનો બની જાય છે.

પહેલું ધોરણ એટલે શિક્ષણની નિસરણીનું પહેલું પગથીયું હોય છે. આવા સમયે જયારે બાળકમાં  શીખવા પ્રત્યેનો અભાવ પેદા થવો અથવા તો વાલીઓમાં બાળકને શીખવવા પ્રત્યે હતાશા આવી જવી બંને ખતરનાક સાબિત થઇ શકે છે. આવા સમયે શાળા અને તેમાંય ધોરણ પહેલાના શિક્ષકનું મુખ્ય કામ એ - બાળકોના શિક્ષણ કાર્ય પ્રત્યેના વાલીના થનગનાટને સંતોષવી પરંતુ, સાથે સાથે બાળક પર - જલ્દી શીખી લે – જેવા ચાબખા ન પડે તેનું ધ્યાન રાખવું – એ મહત્વનું છે. બાળકોને ઘરે પ્રવૃત્તિ કરવા માટેનું ઘરકામ પણ વાલીઓ જો ચાલો ભણી લઈએ- વાળા ટોનમાં શરુ કરે તો ત્યાંથી જ શિક્ષણ પ્રત્યે બાળકની વિમુખતા શરુ થાય અને કદાચ વાલીને ખ્યાલ પણ ન આવે. અને આને તો ભણવું જ નથી. આવા ચાબખા શરુ થઇ જાય. 

આવા સમયમાં શાળા ધ્વારા શરૂઆતના દિવસોમાં બાળકોનું ઘરકામ એવા મેસેજ સાથે બાળકોને ઘરે શું કરાવવું તે માટેના મેસેજ અને રૂબરૂ વખતે ખાસ નોંધ – ના નામે અમે નીચે મુજબની વિનંતીઓ વારંવાર કરવાની શરુ કરી.

  • આ પ્રવૃત્તિ બાળકને કંઈક શીખવી દેવાના ઉદેશ્ય સાથે ન કરવી.
  • બાળકને મજા આવે તે રીતે પ્રવૃત્તિઓ કરાવવી. બાળક કંટાળો કરે તે સમયે તેની ઈચ્છા મુજબની વાતો કરવી અથવા કરવા દેવી.
  • એક જ વારની પ્રવૃત્તિના અંતે બાળક તે બધું જ શીખી જશે તેવી અપેક્ષા ન રાખવી.
  • કેટલીકવાર તમને લાગે કે એક મૂળાક્ષર નથી યાદ રહેતો? – આવા સમયે ગુસ્સો કરવો નહિ શાળામાં આ માટે એક સપ્તાહની પ્રવૃત્તિઓ હોય છે.
  • તમારો બાળક બધું જ શીખશે – પરંતુ તે તમારી ધીરજ પર આધારિત છે.

શરૂઆતની આવી સુચના સાથે અપાતા ઘરકામથી ફાયદા પણ ખુબ થયા છે. શાળાને  તેઓ ઘરે જે પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે તેના ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ મળવા લાગ્યા. તે સોશ્યલ મીડિયા અને શાળાએ બનાવેલા વાલીઓના ગ્રુપમાં શેર કરવામાં આવી રહ્યાં છે. ઉદેશ્ય એ જ કે બાળક બાળક ને જોઈ શીખશે [ ઈ-પીઅર લર્નિંગ હા..હા.. હા. ] વાલી ધ્વારા બાળકને કરાવાતી પદ્ધતિ જોઈ વાલી શીખશે. અને જ્યાં જ્યાં શાળાની જરૂર પડશે ત્યાં શાળા પણ શીખવશે.

મોટો ફાયદો શું થયો ખબર છે ? બધાં બાળકો શીખે છે એ ? – અરે એ તો થશે જ પણ વર્ગખંડમાં એકપણ દિવસ સાથે ન ભણ્યાં હોવા છતાં મોટાભાગનાં બાળકો એકબીજાને ઓળખે છે !








અને હા......

લોકડાઉનમાં ઘરે બાળકો સાથે શૈક્ષણિક કાર્ય કરતાં વાલીમિત્રો માટે ઉપયોગી આ ત્રણ વિડીયો..

ક્લિક કરો અને જુઓ

વાંચન કરાવતી વખતે શું ધ્યાન રાખશો ?


લેખન કરાવતી વખતે શું ધ્યાન રાખશો ?

ગણન કરાવતી વખતે શું ધ્યાન રાખશો ?  


No comments: