July 31, 2020

અસ્તિત્વની -: પહેલી શરત અને બીજી શરત !


અસ્તિત્વની -: પહેલી શરત અને બીજી શરત !  

અનુકૂલન સાધવું એ અસ્તિત્વ ટકાવી રાખવા માટેની પહેલી શરત છે. ડાયનાસોરની વાત નીકળે ત્યારે આ વાક્ય અચૂક બોલાય. અનુકૂલનનો અર્થ તે સ્થિતિને શરણે થવું એવો લેશો તો મુશ્કેલી વધી જશે. અનુકૂલન માટેની વ્યાખ્યા કરીએ તો પ્રતિકૂળ સંજોગોમાં સ્વ-હિત અથવા તો વર્તમાનના ધ્યેયને સિધ્ધ કરવા માટેના પ્રયત્નોને  વિપરીત સ્થિતિને  અનુકૂળ બનાવી દઇએ તો ફક્ત આપણું અસ્તિત્વ ટકાવી રાખવામાં જ નહીં દુર્દશા થી બચી આગળ વધવામાં પણ ઉપયોગી બને. આને કહેવાય ખરી અનુકૂલનતા ! વિપરીત પરિસ્થિતિમાં ફક્ત તેને અનુકૂળ બનવાથી અસ્તિત્વ ટકી રહે છે પરંતુ અસ્તિત્વ પછી બધુ શૂન્ય થઈ જાય છે. જેને મોબાઈલ ટેકનોલોજીની ભાષામાં ફેકટરી રીસેટ કહી છીએ.

કોરોનાના કહેરે બાળકો, શિક્ષકો અને વાલીઓ માટે વિપરીત સ્થિતિ ઊભી કરી દીધી છે. ભગવાન કરે અને શાળાઓમાં શિક્ષણ માટે સ્થિતિ  જલ્દીથી કિલકિલાટ વાળી બની જાય. પરંતુ જ્યાં સુધી શક્ય નથી ત્યાં સુધી  તે સ્થિતિના અનુકૂલન માટેની દિશામાં આપણા સૌના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. આપણા સૌની ચિંતા અને ચિંતન એ જ દિશામાં ચાલી રહ્યું છે કે આવી સ્થિતિમાં શાળામાં બાળકોને ન બોલાવવા. તો પછી શું કરવું ? અને કેવી રીતે કરવું ? 

આપણે સૌ શિક્ષકો છીએ એટલે બાળકોને વર્ગખંડમાં શીખવવાની પ્રક્રિયા વડે આપણે પણ ઘણું શીખ્યાં છીએ. માટે જ અલગ અલગ બાળકો સાથે અલગ અલગ પ્રક્રિયા વડે બાળકોને શીખવવાનું કામ એ આપણા સૌ માટે નવી બાબત નથી. નવી બાબત ઉમેરાઈ છે તે બાળકોની શીખવાની અને આપણી તેઓને શીખવવાની સ્થિતિ. હવે આંગણું એ વર્ગખંડ બની ગયો છે. જેમાં શૈક્ષણિક પ્રક્રિયા દરમ્યાન બાળકો/વાલીઓ  આપણી સાથે ક્યારેક ઓનલાઇન ક્લાસમાં સામે છે, તો ક્યારેક રૂબરૂ મુલાકાતમાં સાથે છે, તો વળી ક્યારેક ફોન પર ફક્ત તેમના કાન એટલે કે શ્રવણ જ  શૈક્ષણિક પ્રક્રિયાનું માધ્યમ છે. શૈક્ષણિક પ્રક્રિયાને જીવંત રાખવા આવા ઉપાય આપણે સૌએ શોધી કાઢ્યા છે ! જે ખરેખરા અનુકૂલન સાધવાની વ્યાખ્યામાં આવે છે.

કામ આરંભીએ અને  સ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારે સ્વભાવિકપણે વિઘ્નો ન આવે તો ચિંતા ! અને તેમાંય સારા કામમાં સો વિઘ્ન – કહેવત આપણને ખબર જ છે. માટે જ આવી સ્થિતિમાં જ્યારે કામ કરવાનું થાય છે ત્યારે કેટલાક પ્રશ્નો અને ફરિયાદો પણ સૌની સામે છે જેમાં પહેલો પ્રશ્ન ટેકનોલોજી અને બીજા નંબરનો પ્રશ્ન તો સામા પક્ષે ક્યાંક વાલીઓમાં ઉત્સાહનો અભાવ ! કેટલીકવાર આ બે પ્રશ્નો આપણા ઉત્સાહને હતાશા તરફ વાળી દેતા હોય છે. પરંતુ આવી સ્થિતિમાં પણ જો આપણે અનુકૂળતાઓ શોધવાની શરૂ કરીએ તો જ આપણે એ બધુ બચાવી શકીશું, જે જીવનની સાથે સાથે બચેલા જીવન માટે જરૂરી છે.

આપણા પ્રશ્નોમાં ટેકનોલોજીનો અભાવ એવો શબ્દ પ્રયોગ કરું છું ત્યારે અમને બે પ્રશ્નવિધાન સામે દેખાય છે

 

પ્રશ્ન 1. જેમાં વાલીઓ પાસે ટેકનોલોજી છે પરંતુ શિક્ષણ માટે ઉપયોગ કરવો એનું શિક્ષણ નથી [ જેને મહદ અંશે આપણા જેવી જ સ્થિતિ કહી શકાય કારણ આપણે પણ ટેકનોલોજી વડે શીખવવાની વાતમાં નવા છીએ ]

****

પ્રશ્ન 2. બીજો “ટેકનોલોજીના સંશાધનનો અભાવ.” હવે આ કારણ એ સીધો જ વાલીઓના આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે [હા આપણે સૌ જાણીએ છીએ કે લોકડાઉન વડે અસરગ્રસ્ત બની પરંતુ ફરી આપણે સૌ પાટે ચડી રહેલા છીએ અને આ વાલી પણ તેમાંનો એક છે ] ત્યારે તેમાં આપણે કઈ જ કરી શકતાં નથી.

આપણે બાળક સાથે રૂબરૂ થવાના અન્ય ઉપાયો શોધ્યા જ છે. સાચું કહું તો આ પ્રયત્નો જ આપણા સૌનું શિક્ષક તરીકેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું સૌથી મોટું પરિબળ સાબિત થશે. બની શકે કે પ્રયત્નો પછી વર્ગખંડ જેવુ જ ધાર્યું પરિણામ ન મળે !  કારણ કે  જે રીતે બાળકોને શીખવવા માટેની આ સ્થિતિ આપણા માટે નવી છે તેમ વાલીને પોતાના બાળકના અભ્યાસની કાળજી માટે અને બાળકોને પોતે શીખવા માટે પણ આ સ્થિતિ નવી છે. આવા સમયમાં બાળકોના હિતમાં જેટલું પણ બચાવી શકાશે તે ફક્ત આપણા પ્રયત્નો દ્વારા જ બચાવી શકશે તે ગાંઠે બાંધી લેવા જેવી વાત છે .  

થોડો સમય બાળકો ન શીખે તો શું થાય ? આવા કેટલાક મિત્રોના પ્રશ્ન સામે પ્રશ્ન એ પણ થાય છે કે થોડો સમય એટલે કેટલો સમય ? એનો જવાબ તો પૂછનાર પાસે પણ નથી.

અને હા થોડો સમય બાળક ન શીખે તો શું થાય ? તેનો જવાબ એ જ છે કે ભણાવી દેવું તેના કરતાંય આપણા રૂબરૂ કે દૂરવર્તી પ્રયત્નોથી તેનામાં શીખવાની પ્રક્રિયા ચાલુ રહે તે છે ! માટે ફરીથી કહી કે..

અનુકૂલન સાધવું એ પહેલી શરત છે અને બાળકો સાથે પ્રક્રિયા રૂપી પ્રયત્નો ક્રમશઃ ટકાવી રાખવા એ બીજી શરત !


No comments: