July 31, 2020

પરિણામ કરતાંય પ્રયત્નો આનંદાયી !


પરિણામ કરતાંય પ્રયત્નો આનંદાયી !

શાળાએ જૂન માસમાં અનુભવ્યું કે કૂલ ૩૨૫ બાળકો પૈકી કોઈપણ રીત અપનાવો અને ગમે તેટલો સમય આપો દૈનિક – ૧૦૦ થી ૧૨૦ થી વધુ બાળકો સુધી શાળા તરીકે પહોંચી શકાતું નથી. ગામ અને શાળાનો તાલેમલ એકદમ સારો હોય છતાં ક્યાં મુશ્કેલી પડી રહી છે – તે સમજવા માટે એક સર્વે હાથ ધર્યો.
એક ગૂગલ ફોર્મમાં દરેક બાળકની માહિતી (ભૌતિક માહિતી  – લાગણીઓ ઝીલવાની ક્ષમતા હજુ ગૂગલે નથી કેળવી. 😉 ) એકત્ર કરી. તેના આધારે સમજાયું કે જો આપણે ટ્યુનીંગ કરી આપીએ તો ગામના બધા બાળકો સુધી પહોંચી શકાય એમ છેદરેક વાલીના મોબાઇલમાં તેના વર્ગશિક્ષકનો નંબર સેવ રાવ્યો. (એટલે વોટ્સેપ બ્રૉડકાસ્ટ મળી શકે.) જેમની પાસે સાદો ફોન હતો તેમણે રૂબરૂમાં પૂછી લીધું કે તમને આ ફળિયામાં એવું કોણ છે જે તમારા સુધી આ લેશન પહોંચાડે ? તેમને મળીને તેમનામાં લાગુ પડતાં નંબર સેવ કરાવ્યા.. આ બધી વિગતો દરેક શિક્ષક પાસે હતી. દરરોજ સાંજે સાત વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો કે આટલા વાગ્યે ૧૫ મિનિટ માટે તમારે જે ઘરકામ આપ્યું હોય તે લખાવી  દેવાનું. (એક કડક સૂચના પણ  અપાઈ કે તેના માટે બાળકના હાથમાં ફોન આપવાનો નથી.) બે દિવસની આ મહેનતમાં દરેક વર્ગના ૬૦% જેટલા બાળકો સુધી પહોંચી જવાય તેવું તો થઈ ગયું. 
દરેક શિક્ષક પોતાના વિષય માટે સ્વાધ્યાય કાર્ય બનાવે (પ્રશ્નો સંખ્યાની દ્રષ્ટિએ પાંચથી વધુ ના હોવા જોઈએ પણ તેના જવાબો શોધવા માટે તેને વધુ પ્રયત્ન કરવો પડે તે પણ જોવું.) બધાએ બનાવેલા પ્રશ્નો અમારા ગ્રુપમાં ભેગા થાય. ક્વોલિટી ચેક પોઈન્ટ રાખ્યો. તમે લખ્યું હોય એ તમારા સિવાય બધાને સમજણ પડે એવું હોવું જોઈએ. ના હોય તો સુધારો થાય. અને જે ફાઈનલ થાય એ દરેક વર્ગશિક્ષક પોતાના ધોરણના બાળકોને બ્રોડકાસ્ટ કરે.
આ કામ તો સહેલું હતું. હવે ચેલેન્જ એ હતી કે એવું આપણે એવું શું કરીએ કે બાળકો જે તે પુસ્તક ખોલે ! વર્ગમાં હાજર હોય ત્યારે તો આપણી  શરમે તેણે પુસ્તક ખોલ્યું હોય. (બંધ મગજ રાખીને.) અને હવે તો આપણે ઇચ્છીએ છીએ કે તે શીખે !
ભાષામાં પ્રશ્ન ઝડપથી હલ થયો કે દરેક પાના મુજબ અર્થગ્રહણના એવા પ્રશ્નો આપીશું કે જેથી તમામ બાળકો તેના જવાબ શોધવા માટે વાંચે.
સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન આપેલી માહિતીને અત્યારના સમય સાથે જોડીને પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કર્યો. તેમાં પ્રશ્નમાં જ આપણે જે માહિતી પર તેમનું ધ્યાન દોરવું છે તે આવી જાય અને પ્રશ્ન પણ રસપ્રદ રહે તેવી કોશિશ કરી. જેમકે વનરાજ ચાવડાએ રાજા બન્યા પછી તેના શહેરનું નામ અણહિલપુર રાખ્યું તો તમારા પપ્પા ને પૂછો કે જો તેઓ રાજા બને તો તેમના નગરનું નામ શું રાખે? એ જ રીતે વિજ્ઞાનમાં આપેલી માહિતીને હાલના પરિપ્રેક્ષમાં મૂકીને પ્રશ્નો બનાવ્યા.
ગણિતને માત્ર ગણાવી દેવાને બદલે વંચાવવાનું પણ નક્કી કર્યું. તેમાં પણ આપેલી સમજણમાંથી અર્થગ્રહણના પ્રશ્નો પૂછ્યા અને દરેક ઉદાહરણની સંખ્યામાં નાનકડો ફેરફાર કરી તે ઉદાહરણના આધારે અમે મોકલેલો દાખલો ગણો. આ તેમણે એચિવેબલ લાગ્યું..
(અને હા અહીંયા પ્રશ્નો એટલે માત્ર પ્રશ્નો જ નહીં. તેમાં પણ રોજેરોજ કૈક નવો ફેરફાર કરવા માંડ્યા.. જેમ કે નીચે આપેલા વાક્યો માંથી કયું વાક્ય ખોટું છે તે પુસ્તકનું અમુક પેજ વાંચી નક્કી કરો; આ પેજ ઉપર ખેતી માટે ઉપયોગી સાધનોના નામ વધારે વખત છે કે ખેતીની પ્રક્રિયાના ?; આ પાઠ માટેનું ચિત્ર તમને દોરવા કહે તો તમે અત્યારે આપેલ ચિત્રમાં શું શું ફેરફાર કરો.. )
નાના ધોરણમાં બાળકો સાથે તેમના વાલીઓ જોડાય તેવા પ્રયત્નો શરૂ થયા.. ને તેમણે આખી પ્રક્રિયા જ મોકલવા માંડી. જેથી તેઓ બાળકો સાથે કેવી રીતે કામ કરવું તે સમજી શકે.
(આશ્ચર્ય એ હતું કે બાળકો સાથે વાલીઓને આ કામમાં મજા આવવા માંડી.)
આ રીતે શરૂઆત કર્યાને પંદર દિવસ થયા છે. બે અસરો દેખાય છે: એક તો બાળકો શીખાય કેવી રીતે એ શીખી રહ્યા છે. (એવું એટલિસ્ટ અમને તો લાગે છે.) અને બીજું વિષયનું બંધન છોડી અમે સૌ બધા વિષયો શીખી રહ્યા છીએ.
હા, હજુ દૈનિક બાળકો સુધી પહોંચવાની સંખ્યામાં નજીવો ફેરફાર થયો છે. (જૂન મહિનામાં ૧૨૦ હતા, તે વધીને ૧૯૦ સુધી પહોંચીએ છીએ.) ૩૨૫ કુલ સંખ્યા સામે આ આંકડો હતાશા આપે એવો છે પણ આપણે આટલું ય ના કરી શકયા - એવા અફસોસની દુનિયામાં નથી જવું તો આ પ્રયત્નની દુનિયામાં મથ્યા કરીએ.