November 24, 2024

અંગ્રેજીનો પેરાડોક્સ !

અંગ્રેજીનો પેરાડોક્સ ! 

વાંચવાનું શરૂ કરો તે પહેલાં ગૂગલ પર “paradox” સર્ચ કરી વાંચી પછી આગળ વાંચો !

ભાષાના સ્વભાવથી પરિચિત થવા તે ભાષા વધુ ને વધુ સાંભળવા મળે તે ઉત્તમ સ્થિતિ છે. જેટલી વધુ સાંભળવા મળે એટલી તે જીભે વહેલી ચડે ! તમારી આસપાસ હમણાં જ બોલતા શીખેલું બે ત્રણ વર્ષનું ટાબરિયું તમને આવીનેકૈસે હૈ ? ખાના ખાના હૈ ! કે અચ્છા હમ ચલતે હૈ !બોલી જાય ત્યારે હવે નવાઈ લાગતી નથી. હવે આપણને સમજાઈ ગયું છે કે પોતાની આસપાસ રહેતા માણસો કરતાંય હવે તે મોબાઇલમાં આવતા જુદા જુદા કાર્ટૂન સાથે સંવાદ વધુ કરે છે ! 

(હા, સંવાદ જ - એ ક્યારે તેના એક પાત્રને બોલતાં સાંભળે છે અને તેમાં રહેલું બીજું પાત્ર કંઈ પણ બોલે તે પહેલાં એના મગજમાં શું બોલાય તેનું ચિત્ર ઉપસતું જ જાય છે ! અને આવું જોયા પછી એ એકલું એકલું તેના જુદા જુદા સંવાદો બડબડાટ કર્યા જ કરે છે !) 

એટલે ગુજરાતમાં જન્મે એ બાળક માટે ગુજરાતી અને હિન્દી ભાષા બોલવામાં અને સાંભળવામાં મુશ્કેલી પડતી નથી -  એનાથી વિપરીત અંગ્રેજી - આપણા કાન જ્યાં જ્યાં અંગ્રેજી શરૂ થાય એટલે બંધ જ થવા માંડે ! યાદ કરો ક્રિકેટ જોતી વખતે તમે કઈ ભાષામાં કોમેન્ટરી પસંદ કરો છો ? અંગ્રેજી મૂવી અંગ્રેજીમાં જુઓ છો કો હિન્દીમાં ડબ થયેલા ! અને આ કારણે શરૂ થાય છે એક અજબ પેરાડોક્સ !

અંગ્રેજી આવડે તો સાંભળીએ- એવું આપણે માનીએ છીએ.

અંગ્રેજી સાંભળીએ તો આવડે. - એ અંગ્રેજી શીખવાની ચાવી છે.

હવે આ સ્થિતિમાં આપણને ક્યારેય અંગ્રેજી સાથે દોસ્તી થશે જ નહીં.

 

આવું, જ વાંચવાની બાબતમાં પણ થાય છે. જેવું આપણી નજરે અંગ્રેજી પડે એટલે આપણે એ લખાણ  બીજા તરફ ધરી દઈએ છીએ કે શું લખેલું છે ? આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણને કોઇકવાર ગુજરાતી લિપિ પણ ઉકેલતાં નહોતી જ આવડતી. અને એ લિપિ આપણે ભૂલો કરતાં કરતાં જ શીખી છે.  જેમાં શરૂઆતમાં એકાદ અક્ષરને આધારે એ કયો શબ્દ છે તે ધારીને બોલતા/વાંચતા  હતા - ઘણી વાર એક શબ્દ વાંચી જઈએ તેના આધારે તેની પાછળનો શબ્દ કયો હોઈ શકે એ વાંચતા હતા ! અને અત્યારે પણ - જ્યારે આપણને ભાષાના બધા અક્ષરો ઉકેલતાં આવડી ગયા છે ત્યારે પણ આપણે શબ્દશ: વાંચતા નથી આપણેઅર્થ બનાવતા જઈએ અને વાંચતા જઈએએમ કરી છીએ. 

આ જ બાબત અંગ્રેજી વાંચવામાં પણ લાગુ થાય પણ આપની આડોડાઈ ગણીએ કે પેરાડોક્સમાં ફસાઈ જવાની આપણી વૃત્તિ ! આપણે પ્રયત્ન કરતા નથી અને આપણાં બાળકો તો આપણને જોઈને જ શીખે છે !એટલે એ પણ અંગેજી વાંચવાનું ટાળે જ - અને એ ટાળે એટલે વાંચતાં આવડે નહીં !

આ પેરાડોક્સે આપણા ધોરણ - સાતને પરેશાન કર્યું. પરંતુ તે જ ધોરણના સાગરને મળેલા એક નાનકડા આત્મવિશ્વાસથી આ આખી મિથ ક્રેક કરી નાખી. જે વિદ્યાર્થી એકાદ વાક્ય વાંચવામાં મુશ્કેલી અનુભવતો હતો એ કડકડાટ અને અર્થપૂર્ણ રીતે વાર્તા વાંચતો થઈ ગયો ! 

આ ઘટના પર રિફલેક્શન કરતાં સમજાયું કે જો તેઓ થોડુંક વાંચતાં થાય અને તેઓને અનુભૂતિ થાય કેયેસ, આઈ કેન રીડ ઇંગ્લિશ !તો બાત બન શકતી હૈ. 

આ વિચારને વર્ગમાં લઈ જવા તેઓને જૂથમાં બેસી એવા શબ્દો શોધવા કહ્યું કે જે બધા યુનિટમાં આવતા જ હોય - એ વાંચતાં આવડે ના આવડે મહત્ત્વનું નથી પણ એવા શબ્દો તારવો કે જે અંગ્રેજી ભાષા જ્યાં જ્યાં છપાયેલી હોય ત્યાં ત્યાં હોય જ !

એમણે ભેગા થઈ 50 શબ્દો શોધ્યા ! (અમને 7043718875 પર અંગ્રેજી શબ્દો એમ લખીને વોટ્સેપ કરજો આપને પણ મોકલી આપીશું.) 

એ શબ્દો એવા શબ્દો હતા જે વારંવાર આવે જેમ કે - you, my, are, is, the, a, an વગેરે !

હવે કોઈ પાનું ખોલીએ અને આટલા શબ્દો વાંચતાં આવડે એવું લાગે તો આગળ વધુ પ્રયાસ કરવાનું મન થાય !

તેઓ મથી રહ્યા છે - પોતાના ગ્રુપના બધા સભ્યોને આવા શબ્દોમાં સહજ બનાવવા ! પરિણામ શું આવશે એ તો પછી જ કહી શકાય - પણ એક બાબત તો થઈ જ રહી છે કે તેઓ સૌ આત્મવિશ્વાસથી ભરેલા છે કેયેસ, વી કેન !” 

શું લાગે છે ? તોડી શકીશું આ અંગ્રેજીનો  પેરાડોક્સ?




No comments: