વાલી – શાળા – બાળક !
પ્રાથમિક શિક્ષણ
એ ત્રિકોણીય પ્રક્રિયા છે. શિક્ષણ કાર્યમાં અસરકર્તા અથવા તો મહત્વનાં જોડાયેલ
ત્રણ પાસાં છે. એક બાળક પોતે જે મુખ્ય કેન્દ્ર છે,
બીજાં છે તેના વાલી અને ત્રીજા આપણે સૌ એટલે કે શિક્ષક !
ત્રણેયનું સંગમસ્થાન એટલે શાળા કે જ્યાં બાળકના વિકાસ માટેની પ્રક્રિયાઓ થયા કરે
છે.
આપણે
ત્યાં શિક્ષણવ્યવસ્થામાં વાલીને ફક્ત ઉપભોક્તા તરીકે જોવામાં આવ્યો છે. તે માને
છે કે મારું બાળક અહીંયાં શાળામાં ભણે છે. અથવા તો હું મારા બાળકને અહીંયાં -
શાળામાં ભણવા મોકલું છું. ખરેખર તો તે બાળકના શીખવાની પ્રક્રિયાનો એ પોતે
જ મોટો હિસ્સો છે. અને ખૂબ અસરકર્તા પણ છે. પરંતુ આ બાબત વ્યવસ્થાઓમાં એટલી બધી
પ્રકાશિત થઈ શકી નથી જેટલી થવી જોઈએ. શાળા વ્યવસ્થાપન સમિતિ આમ તો શાળાની દરેક
પ્રક્રિયાની દેખરેખ રાખતી સંસ્થા ભલે હોય, પરંતુ બાળકના પોતાનાં વાલીઓ બાળકના શિક્ષણમાં
ભાગીદારી [ અહીં જાણી જોઈને “જાગૃતિ “ શબ્દ ઉલ્લેખાયો નથી. ] વધારે તે ખૂબ મહત્વનું છે.
જન્મથી જ બાળક માતા-પિતાની આસપાસ મોટું થાય છે,
તેની આસપાસના સમાજના હાથમાં ઉછરે છે. અને
ત્યારબાદ તે શાળા એટલે કે શિક્ષક સાથે જોડાય છે.
આવી બધી જ વ્યવસ્થાઓ કહીએ કે પછી પ્રક્રિયાઓ -
બાળક માટે વધુ સમય શિક્ષક કરતાં પણ સમાજ આપે છે. એવામાં સમાજ જો શાળાની વર્ગખંડ -
શૈક્ષણિક કાર્યપ્રણાલીથી વાકેફ હોય તો પોતાનાં બાળકો સાથેના પસાર થતા
સમયમાં તે શાળાને સપોર્ટિંગ રોલમાં ખૂબ સારું કરી શકે.
આપણી
શૈક્ષણિક વ્યવસ્થાઓને રિક્ષા સ્વરૂપે ચાલતી જોઈએ તો બાળક તેનું પ્રથમ પૈડું છે, જ્યારે
પાછળનાં બે પૈડાં તે શિક્ષક અને વાલી ! જો ઉપરોક્ત બાબતો તમને સમજાઈ હોય તો
પાછળનાં બે પૈડાંમાં પણ શિક્ષક કરતાં વધુ મહત્ત્વનું પૈડું તે તેનાં માતાપિતા અને
વાલી છે. આવાં મહત્ત્વનાં આપણાં સાથીને વધુ મજબૂત કરવાનો ઉત્સવ એટલે જ વાલીસંમેલન
!
આપણે
જોયું હશે કે બાળકોના જવાબપેપર જોવા આવતા વાલીઓ ક્યારેક દુખી તો ક્યારેક બાળકોને લડવાના
મૂડવાળા થઈ જય છે ! તેવામાં વાલી સાથે સંવાદ થવો અનિવાર્ય છે. શૈક્ષણિક સંસ્થાઓએ
વાલીઓ સાથે બાળકની જવાબવહીને જોવાની દૃષ્ટિ અંગે ક્યારેય ચર્ચા કરી નથી ! માર્કને
ટ્રેડમાર્ક બનાવી દઈને ચિંતિત થવાને બદલે માર્કનું માર્કિંગ કરી બાળકને આગળ વધવામાં સહાય
કરવા અંગે ક્યારેય સંવાદ કરાયો નથી. બાળક પોતાનો વધુ સમય જ્યાં ગાળે છે તે
પર્યાવરણને, વધુ સમય જેની સાથે રહે છે તે વ્યક્તિઓ એટલે કે વાલીઓ
સાથેનું શિક્ષકનું ટ્યુનિંગ આ કામ ખૂબ સારી રીતે કરી શકતું હોય છે. અને તે કામ
વારંવાર સમાજની વચ્ચે જતો પ્રવૃત્તિશીલ શિક્ષક અથવા તો વારંવાર વાલીઓ સાથે સંવાદ
કરતી શાળા જ કરી શકે છે.
જો શીખવા - શિખવવાની યુક્તિ-પ્રયુક્તિમાં સામાન્ય ફેરફાર કરી કેટલીક શૈક્ષણિક પ્રક્રિયાઓમાં બાળકને જરૂર પડે તે રીતે બાળકના વાલીને પણ જોડવામાં આવે તો આ કામ ખૂબ સરળ બની શકે. વ્યવહારુ ગણિતની વાત હોય કે પછી પર્યાવરણ અંગેની ચર્ચા હોય - આ કામ શિક્ષક કરતાં પણ વધુ સારું દુકાનદાર - ખેડૂત - પશુપાલક વગેરે કરી શકતા હોય છે. બાળકોને અપાતા ગૃહકાર્યમાં પણ જો બાળકે વાલી સાથે સંવાદ કરવો પડે અથવા તો વાલીએ જોડાવું પડે તેવા પ્લાનિંગ સાથે હોય તો ધીમે ધીમે વાલી અનુભવતો જાય કે બાળક કેવી રીતે શીખે છે? કેવા સંવાદથી સમજે છે? આવી સમજણવાળો વાલી બાળકનો મોટો સાથીદાર બની શકે છે.
અને
હા, આ રીતે જો આપણા પ્રયત્નો વડે આપણે વાલીને વર્ગખંડ સાથે
જોડીશું તો પોતાનાં બાળકોની જવાબવહી જોતા સમયે ચિંતા કરતા અને ચિંતા કરાવતા વાલીઓ
ચિંતા છોડી આપણી સાથે બાળકના અભ્યાસ માટેના “ચિંતન” માં જોડાશે. ચાલો, ત્યાં
સુધી ગણિત અંતર્ગત સમાજમાં ચાલતી વ્યવહારિકતા અંતર્ગત કરાતી લેવડદેવડને જાણવા એટલે
કે વ્યવહારિક દાખલા શીખવા ગામમાં જ ક્લાસ લગાવેલ બાળકોને મળીએ ! [ ફોટો પર ક્લિક કરો ]
No comments:
Post a Comment