સત્રનું સરવૈયું !
તીવ્ર ઝડપવાળા કોઈ રોલર કોસ્ટરની મજા માણી હોય એવી સ્થિતિ શાળાની છે. જ્યારે દિવાળીનું આ
વેકેશન શરૂ થવાનું હતું ત્યારે જાણે હમણાં જ ચગડોળમાંથી ઉતાર્યા હોય એમ ફેર ચઢેલા
હતા - આનંદના જ !
આપણી નવા નદીસર પ્રાથમિક શાળા માટે પણ આ સત્ર આવું જ સંગીતમય બની રહ્યું !
સત્રની શરૂઆતમાં જ પ્રવેશોત્સવમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા હતા તેમણે
પોતાના આંગળાનો
જાદુ એવો તો
ફેલાવ્યો કે એના પછીથી તેઓ હંમેશા આ જાદુ કરતા જ રહ્યા ! એ સિવાય આ વખતની પ્રાર્થનામાં
ધ્રુવભાઈને એન્ટ્રી મળી અને તેમનું “ઓચિંતુ કોઈ મને રસ્તે મળે.. “ ગીત તો જાણે કે આપણું શાળાગીત બની ગયું !
પ્રવેશોત્સવ પૂરો થયો ને એટલામાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અને તે પણ ગામડામાં વધારે પ્રમાણમાં છે તેઓ ભય ફેલાયો. વિદ્યાર્થીઓ સાથે તેની ચર્ચા કરી તો એમણે એવું આયોજન કર્યું કે આના વિશેની જાગૃતતા અમે ફેલાવીશું. બાળકો વડે યોજાયેલા આ જાગૃતિ અભિયાનને રાજ્યનાં વિવિધ ટીવી માધ્યમોમાં અને છાપાંઓમાં સ્થાન મળ્યું. એનાથી જ વિદ્યાર્થીઓ પણ વધુ પ્રોત્સાહિત થયા અને એમને “અમે જાણીએ સૌને જણાવીએ” એવી થીમ પર બીજા ચાર પ્રોજેક્ટ કર્યા. એમાં પણ વિવિધ માહિતી એકત્ર કરી અને માહિતીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો હતો. અમારું રિફ્લેક્શન અમને એ સૂચિત કરે છે કે જે પ્રમાણમાં ટીમ તરીકે જે વ્યાપ અમે વિચારેલો એ વ્યાપ સુધી અમે ગામના લોકોને મદદ ન કરી શકયા. તેમાં વિદ્યાર્થીઓ કરતાં અમારા પક્ષે જવાબદારી વિશેષ છે. અમને અભ્યાસક્રમ વિશેની જે ચિંતા ઉત્પન્ન થઈ હતી તેના કારણે અમે સતત તેમને વર્ગના ફોર્મલ ક્લાસિસમાં વધુ રાખવાનો પ્રયત્ન કર્યો. આજે સમજાય છે અમારી એ અપેક્ષાઓને કારણે વિદ્યાર્થીઓને શીખવાનું જે આકાશ છે એ અમે થોડુંક તો કાપી જ લીધું.
શાળાનું એ સૌભાગ્ય છે કે દર વર્ષે નવા ફ્રેન્ડ્સ મળી આવે છે ! ભાર્ગવ આપણી સાથે આપણી શાળા સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે એમના દ્વારા જ બીજા બે નવા ફ્રેન્ડસ ઓફ નવા નદીસર મળ્યા ! - કાર્તિકભાઈ અને વિનશભાઈ ! શિવરંજની ફાઉન્ડેશન એ હવે આપણી શાળા સાથે શાળાની જ ટીમ બની કાર્ય કરી રહ્યું છે. એમની મદદથી જ આપણે પોલિનેટર વીક અને રાત્રિરોકાણ કરીને જુદાં જુદાં જીવડાંઓને જોવા માટેનું અને તેમને ઓળખવા માટે ‘નેશનલ મોથ વીક’ બંનેનું આયોજન કરી શક્યા ! એ અનુભવોના કારણે હવે માણસો સાથે શાળાનાં પક્ષીઓ જ નહીં ઈયળો અને કોશેટાથી લઈ ભમરા અને પતંગિયાં પણ અમારી ચર્ચાનો હિસ્સો બની ગયાં છે ! આ જ રીતે મૌલિકભાઈ પાટણ, ચેતનભાઈ ,હની બી નેટવર્ક, સિદ્ધાર્થભાઈ., સમગ્ર શિક્ષા અભિયાનમાંથી ધર્મેશભાઈ, મહેસાણાથી રમેશભાઈ દેસાઈ અને આઇ. આઇ. એમ અમદાવાદના કેટલાક વિદ્યાર્થીઓએ ડેમોક્રેટિક સ્કૂલ બનાવવા માટેના ફ્રેમવર્ક માટે લીધેલી શાળાની મુલાકાત અને તેમાં પણ નવા નવા આઈડિયાઝની જે ચર્ચાઓ થઈ તેમાં આપણા બાળકોએ કરેલું આયોજન સત્રને વધુ યાદગાર બનવનારું છે.
આ વર્ષે નાગરિક ઉઘડતરની પ્રવૃત્તિમાં જૂથના લીડર અને ઉપલીડરની ચૂંટણી કરવાની જવાબદારી
એક સાવ ઓછા જાણીતા એવા તુષારે લીધી ! એના સુચારુ આયોજનથી વિદ્યાર્થીઓને લાગ્યું કે
શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે ચૂંટણી અધિકારીની ખોજ હતી એ પૂરી
થાય છે પરંતુ શિક્ષક
પક્ષે અમને લાગ્યું કે તુષારની અંદર આત્મવિશ્વાસ ભરવા માટે - તે જે રીતે આ બધાં
આયોજનો કરે છે અને બધાને પોતાની સાથે જોડીને એ આયોજનોને પાર પાડે છે ! એ બાબતથી
એનામાં આત્મવિશ્વાસ આવશે ! અને તુષારે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પણ પાર પાડી !
શાળામાં બે વર્ષ ચૂપચાપ રહેલો તુષાર અત્યારે શાળાનો મુખ્ય સચિવ છે ! અને તેની
લીડરશિપમાં વ્યક્તિત્વ વિકાસનું મૂલ્યાંકન માટે ટીમ બનાવાઇ
! અને સૌને પોતાના વિષે સ્પષ્ટતા મળે તેમ ગુણાંકન તેમની ટીમ વડે કર્યું.
આ વર્ષે
મળેલી પહેલી
કેબિનેટમાં નિર્ણય લેવાયો કે નાગરિક ઘડતર નહીં પરંતુ હવે આ પ્રવૃત્તિને આપણે
નાગરિક ઊઘડતર તરીકે જોઈશું! એ જ મીટિંગમાં નિર્ણય લેવાયો કે હવે દરેક શિક્ષકનો સેલફોન ઑફિસરૂમમાં જ હશે. ! અને જેમ શાળાના
બિલ્ડીંગની અંદર કોઈ ટેબલ-ખુરશી અથવા તો ચંપલ નથી હોતાં તે રીતે હવે સેલફોન પણ
નહીં હોય! નવી કેબિનેટે આ સિવાય એક નવો નિર્ણય લીધો કે હવે દરેક વર્ગખંડની અંદર એક
શિક્ષણસચિવ હશે કે જેનું કાર્ય હશે કે જે પ્રકારે શિક્ષક વર્ગકાર્ય આયોજન કરે છે -
તે અધ્યયન નિષ્પત્તિ આધારિત છે કે નહીં ? તે આયોજન મુજબ વર્ગમાં કાર્ય થાય છે કે નહીં ? તેમાં વિદ્યાર્થીઓ શીખી રહ્યાં છે કે નહીં ? જૂથકાર્ય બરાબર
રીતે થઈ રહ્યું છે કે નહીં ? આમ, જે નાગરિક ઊઘડતર
પ્રવૃત્તિ અત્યાર સુધી જૂથકાર્ય તેમજ શાળાસંચાલન માટેના કાર્યમાં જોડાયેલી હતી એ
હવે શૈક્ષણિક કાર્યમાં ગુણવત્તા જળવાયેલી રહે તે માટે પણ પ્રયત્ન કરતી થઈ.
આ જ સત્રમાં શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખે પંચમહાલ જિલ્લાના શિક્ષકોને
શાળાસંચાલન માટે ટ્રેનિંગ આપવાનું કામ પણ કર્યું. અત્યાર સુધી શાળાની મુલાકાતે
આવનાર સાથે થતી ચર્ચાઓમાં તેઓ બંને શિક્ષકો સામે જઈ ફોર્મલ રીતે તાલીમ આપી શક્યા !
વિદ્યાર્થીઓ જાતે જ વિડીયો જોઈને પોતાની રીતે તેમજ એકબીજાને શીખવીને સ્કેટિંગ કરે છે ! આ સત્રમાં સૌપ્રથમ વખત કુમાર અને કન્યા બંનેની ભાગીદારી જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં થઈ. કબડ્ડીમાં પણ તાલુકા કક્ષાની ટીમમાં આપણી શાળાના પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો. તાલુકા કક્ષાની સંગીત વાદન સ્પર્ધામાં આપણી શાળાનો પ્રમુખ ધનુષ પ્રથમ નંબરે આવ્યો તો આવી જ રીતે જે વિદ્યાર્થીઓ પ્રમાણમાં ઓછું બોલતા અને ઓછી ભાગીદારી કરતા હતા તે પૈકીમાંથી ઘણા પ્રોએક્ટિવલી હવે વધુ સક્રિય બન્યા છે! એક ઉદાહરણ તો આપણે તુષારનું અને બીજું ઉદાહરણ છે સાગર ! જેનું ફાંકડું અંગ્રેજી તેના આત્મવિશ્વાસ સાથે જ બહાર ફૂટી નીકળ્યું. આવી જ એક માથાભારે ચકલી આરાધ્યા તો તમને યાદ જ હશે ! જેનો પ્રવેશોત્સવ પછી પણ તેના વર્ગખંડમાં પ્રવેશ થયો જ નહીં - ઑફિસમાં અને શિક્ષકની પાછળ પાછળ જ ફર્યા કરવાનું તેમની પાછળ ખુરશીમાં ભરાઈ રહેવાનું ! એ આરાધ્યા સત્રના અંતે તેના વર્ગકાર્યમાં સૌથી વધુ સક્રિય બની ગઈ છે.
આવા વિવિધરંગી અનુભવોથી જ આપણી શાળાના ૩ NMMS, ૧૪ મુખ્યમંત્રી
જ્ઞાનશક્તિ સ્કોલરશીપ માટે અને 10 જ્ઞાનસાધના માટે પસંદ થયા
છે.
આ સિવાય પણ શાળાના અન્ય અનુભવો આ બ્લોગ પર વાંચી શકશો. આપણે સૌ સાથે મળીને બાળકો માટેનું આ સ્થળ વધુ સુંદર અને આનંદમય બનાવી શકીએ તેવી નવાવર્ષની શુભેચ્છાઓ.
No comments:
Post a Comment