બે કિસ્સા !!!!
૧.ડૂડલિંગ 😇
બપોરની રિસેસમાં પગથિયાં ઊતરતાં ઊતરતાં -
શિક્ષક - ૧ : અરે ! આ છોકરી ખરેખર ધ્યાન નથી આપી રહી !
શિક્ષક - ૨ : તને એમ કેમ લાગ્યું ?
શિક્ષક - ૧ : આજે
ગણિતમાં દશાંશ વિષે ચર્ચાઓ કરી તો એ એની નોટ પાછળ ડિઝાઇન જ કરતી રહી. એનું વર્ગમાં
શું ચર્ચાઓ ચાલતી એની પર ધ્યાન જ નહોતું.
શિક્ષક - ૨ : આ તારી ધારણા છે
કે તને ખાતરી છે કે તેનું ધ્યાન નહોતું?
શિક્ષક - ૧ :
નહોતું જ તો વળી ! એને એકેવાર માથું ઊંચું કરી બોર્ડ તરફ જોયુંય નથી.
શિક્ષક - ૨ : પણ, એનાથી એનું ધ્યાન
હતું કે ન હતું એ સાબિત થઈ શકે એમ નથી.
શિક્ષક - ૧ : તો શું કરું ?
શિક્ષક - ૨ : તને શું લાગે છે
કે વર્ગમાં સૌથી વધુ ધ્યાન કોણે આપેલું ?
શિક્ષક - ૧ : આ
નામના છોકરાએ.
શિક્ષક - ૨ : ગુડ. તો હવે રિસેસ
પછી દસેક મિનિટ લઈ બંનેને વારફરતી મળી તે પ્લાન કરેલા તાસના હેતુઓને ધ્યાને રાખી
મૂલ્યાંકન કરી જો. શું થાય છે ? ફરી વાત કરીશું.
(રિસેસ પછી બંનેને
મળી લીધા પછી)
શિક્ષક-૧: બંનેને સરખી ખબર
છે. સમજણ છે. જે સવાલો કર્યા એ બધાના એણે સરસ જવાબ આપ્યા! આ કેવી રીતે બને ?
શિક્ષક - ૨ : એ એવી રીતે બને ! 😂
શિક્ષક - ૧ : કેવી
રીતે ?
શિક્ષક - ૨ : ડૂડલિંગ ! માણસનું
મગજ શીખતું હોય ત્યારે જરૂરી નથી કે શરીર સ્થિર થઈ જાય. એટલું જ નહીં, આવી કોઈ હલનચલન વડે જ મગજ વધુ
કાર્યરત થાય એવા રિસર્ચ છે. એટલે આપણે પણ જ્યારે કોઈકની લાંબી વાત સાંભળવાની હોય
ત્યારે આપની નોટબુકમાં કંઈક ને કંઈક ચિતરતા હોઈએ છીએ. અને એ વખતે આપણે સભાન હોતા
નથી. એ એની મેળે સહજતાથી થાય છે. અને એવું થયા કરે એ નેચરલ છે. ઊલટાનું જો એ અટકી
જાય તો આપણને ખલેલ પહોંચે છે.
(શું લાગે છે તમને? તમારાથી કે તમારા
વિદ્યાર્થીઓમાંથી કોનું આવું ડૂડલિંગ ચાલતું રહેતું હોય છે?)
૨. તમારા ગામની નદી ! 😘
(શિક્ષક શાળામાં
પ્રવેશ્યા ને ત્રીજામાં ભણતી એક છોકરી મળવા આવી.)
એ : તમારા ગામની નદીમાં પાણી આવેલું ?
શિક્ષક : હેં !
મારા ગામમાં તો નદી જ નથી.
એ : જુઠ્ઠા !
શિક્ષક : કેમ ? સાચે જ. તને કેમ
એવું લાગ્યું કે મારા ગામની નદી છે અને હું તારાથી છુપાવું છું !
એ : નદી વગરનું તો
કંઈ ગામ હોય ?
શિક્ષક : (મનમાં
અહા ! વાત તો સાચી કે નદી વગરના ગામને કંઈ ગામ કહેવાય !) પણ શું થાય, મારા ગામને નદી
નથી.
(થોડીવાર એ
શિક્ષકને દયાભાવથી જોઈ રહી -જાણે મનમાં વિચારી રહી હોય કે બિચારા સાહેબને કેવડી
મોટી તકલીફ છે.)
થોડીવાર એમ ચૂપ
રહ્યા પછી એ એની જે વાત કહેવાય આવેલી એનો દોર સાંધતાં : અમારે તો આ વખતે બહુ પાણી
આવી ગયેલું.
શિક્ષક : (સહેજ
સ્માઇલ કરી એને એ અહેસાસ કરાવવા કે તું ચિંતા ના કર મને હવે નદી વગર ફાવી ગયું છે
!) ઓહો ! તો પછી તમે શું કર્યું ?
એ : (હવે બરાબર
હળવી થઈ ગઈ હતી તો છણકો કરી !) શું કરવાનું - ધાબા પર જતાં રહ્યાં.
શિક્ષક : વાહ, તો તો પાણી જોવાની
મજા પડી હશે નહીં ?
એ : હોવ.
અને એ પછી તો તેઓ નદીમાં ખેતી નથી કરતાં - તેમની પાસે જમીન છે - એને તમાકુ
રોપતાં આવડે છે અને એ શિક્ષકને શીખવશે જો શિક્ષક એના ખેતરમાં શીખવા જશે તો - વગેરે
વગેરે વાતોની નદી વહી.
એના ગયા પછી શિક્ષકને થયું કે શાળાનાં બાળકોના મનમાં આવી કેટલી નદીઓ વહેતી હશે અને એ બધાંને એ ક્યારે ઓળખી રહેશે !
No comments:
Post a Comment