September 15, 2024

મનની મુસાફરી !

મનની મુસાફરી !

લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરામાંથી ફોન આવ્યો - શાંતિલાલ ભાઈ,આપની શાળાનાં બાળકોને આ વર્ષે પણ સાયન્સ સેન્ટરની મુલાકાત માટે લઈ જવાનાં છે. તો 46 બાળકો અને ચાર શિક્ષકોની યાદી મોકલી આપજો. શૈક્ષણિક પ્રવાસની તારીખ 15 દિવસ પછી 13 સપ્ટેમ્બર છે અને સવારના પાંચ વાગ્યાથી મુસાફરી શરૂ થશે. આ જાહેરાત પ્રાર્થનામાં થતાં જ જાણે કે શાળા કેમ્પસમાં  મુસાફરી એ જ સમયથી શરૂ થઈ. 

શાળાપ્રમુખે જાહેરાત કરી કે પ્રાર્થના પછી ગ્રૂપલીડરની ઓફિસમાં મીટિંગ રાખી છે - જેમાં કયાં બાળકોનો મુલાકાત માટે સમાવેશ કરીશું તેની ચર્ચા રાખી. શાળાકેબિનેટ મળી અને ચર્ચા કરતાં કરતાં નીચે પ્રમાણેનાં બાળકોને યાદીમાં અગ્રતા આપવામાં આવે તેવું ઠરાવ્યું..જેમકે,

·       સાયન્સ સીટીની ગત વર્ષે મુલાકાત બાદ અહેવાલ રજૂ કરેલ હોય તેવાં બાળકો.

·       ગતવર્ષે ગણિતવિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલ હોય તેવાં બાળકો

·       ઇન્સ્પાયર એવોર્ડ અંતર્ગત પોતાના આઈડિયા રજૂ કર્યા હોય તેવાં બાળકો.

·       નાગરિક ઊઘડતર પ્રવૃત્તિ અંતર્ગત ગ્રૂપમાં સૌથી સક્રિય હોય તેવાં બાળકો

 આ ઉપરાંત દરેક ગ્રૂપ લીડર પોતે ઇચ્છે તે 2 બાળકોનો સકારણ સમાવેશ કરી શકશે તેવી પણ સત્તા આપવામાં આવી.

હવે ચર્ચાઓ ગ્રૂપમાં શરૂ થઈ. પ્રવાસ અને તેમાં પણ મિત્રો સાથે ! કોને ન ગમે ? એટલે દરેક બાળકે પોતાને શૈક્ષણિક મુલાકાત માટે ઉમેદવાર અને પોતે લાયકાત ધરાવતાં હોવાનું સાબિત કરવાની મથામણો શરૂ થઈ. માટે શાળાપ્રમુખ કરતાં પણ વધારે કસરત હવે લીડરને શરૂ થવાની હતી, તે સૌ જાણતાં હતાં. એક ગ્રૂપ દીઠ દસ બાળકોનો સમાવેશ થઈ શકે. માટે લીડર સામે સૌથી વધારે સમસ્યા એ હતી કે આવવા ઇચ્છુક ગ્રુપના મોટાભાગનાં બાળકો અને તેની સામે પસંદગી ફક્ત ગ્રૂપ દીઠ 10 બાળકોની કરવાની હતી. હવે તેની શોધયાત્રા શરૂ થઈ હતી. કોણે કોણે ગત વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો છે? આ વર્ષ દરમિયાન કોણે કોણે ઇન્સ્પાયર એવોર્ડમાં પોતાના આઈડિયા આપ્યા છે? દરેક ધોરણમાંથી પોતાના ગ્રૂપમાં વિજ્ઞાન વિષય અંતર્ગત કોણ વધુ સક્ષમ છે? તે બધી જાણકારી ભેગી કરવાનું કામ તેનું પોતાનું હતું. સાથે સાથે જરૂરિયાત પણ એ કે શૈક્ષણિક મુલાકાત કરીને આવ્યા પછી અહીંયાં તે અંગેની રજૂઆત માટે અહેવાલો રજૂ કરી શકે તેવાં, મુલાકાત બાદ પોતાનાં ગ્રૂપમાં ન આવી શકેલ બાળકોને તે અંગેની પૂરી માહિતી આપી શકે તેવા બાળકોની પણ જરૂર હતી. એવામાં આપણ સૌને જે પૂર્વગ્રહ હોય છે કે તેઓ ભાઈબંધી નિભાવશે. તે ડર અમને નહોતો.

હવે શાળાનું ફોકસ વિજ્ઞાનની સાથે સાથે સામાજિક વિજ્ઞાન અંતર્ગત સંવિધાન પર પણ હતું. જવાબદાર નાગરિક પોતે નિયમો બનાવે - પાળે અને બીજાને પાલન કરવા પ્રેરે..

ત્રીજા દિવસે યાદી સાથે ફરીથી શાળા કેબિનેટની બેઠક મળી. આપણે ધાર્યું હતું તેમ દરેક લીડર પોતે ફરિયાદી હતાં. ફરિયાદ હતી કે આ પ્રમાણે જોવા જઈએ તો અમારે તેર બાળકો થાય છે.. કોઈ કહે અમારે 14 થાય છે.. આને તો લઈ જવું પડે એવું છે. -  એવી મૂંઝવણ સાથે મિટિંગની શરૂઆત થઈ. પરંતુ પહેલી બેઠકના નિયમ મુજબ નક્કી હતું તેમ ગ્રૂપદીઠ દસ બાળકોની યાદી આપવાની થતી હોય પહેલા દરેક લીડરને 10 નામ શોર્ટલીસ્ટ કરી આપવા અને બાકીના બાળકોને સમજાવવા એક દિવસનો સમય આપી બેઠક વિખેરાઈ.

બીજા દિવસે પ્રાર્થનાસભાને સમાંતર બેઠક શરૂ થઈ. ગ્રૂપ લીડર દ્વારા યાદીઓ રજૂ થઈ. પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા એપ્રુવલ મળ્યા પછી કેબિનેટે પ્રવાસ સંચાલન અંગેની સઘળી જવાબદારી જયદેવને આપી. તેને પ્રવાસ મંત્રી નીમવામાં આવ્યો. પ્રવાસ દરમિયાન જે બાબતોમાં  સર્વાનુમત નહીં થાય તેવી બાબતોમાં જયદેવનો મત આખરી ગણાશે તેવું સર્વાનુમતે નક્કી થયું. શાળા બાળકોના સ્વભાવને જાણતી હતી કે ડગલે પગલે મતમતાંતર આવશે જ ! પણ પ્રવાસમાં નવાં કપડાં કે  શાળા યુનિફોર્મ ? આવી બાબતમાં આવશે તે જાણતી નહોતી. કેબિનેટની જરૂર પડે તે પહેલાં જ જયદેવે સર્વે હાથ ધર્યો અને પોતાનો નિર્ણય જાહેર કર્યો કે નવાં કપડાં!

પછી તો તેઓ પોતે જ બેઠક વ્યવસ્થા - નાસ્તો લાવવો કે નહીં ? આવવા-જવાનો અને ત્યાંની ટિકિટનો ખર્ચ - લોકવિજ્ઞાન કેન્દ્ર આપશે - તો જમવા માટેના ખર્ચનાં નાણાં ભેગાં કરવાં. વાલીઓના સંમતિ પત્રો - પ્રવાસ દરમિયાન હાજરી પત્રક -  આ બધું ક્યારે કેવી રીતે કર્યું તે તો બધું શિક્ષકોની જાણ બહારનું હતું. જવાના બે દિવસ પહેલાં તૈયારીઓ અંગેની વાતચીત માટે જ્યારે બેઠક મળી ત્યારે જયદેવે કહ્યું, “આ તો બધું ગત વર્ષના આયોજન [ અનુભવ ] મુજબ કરી દીધું.”

હવે દિવસ પ્રવાસનો હતો. બાળકોએ જાતે કરેલા આયોજનનો મોટો ફાયદો એ હોય છે કે તેમાં પ્રવાસ દરમિયાનની બાળકોની કાળજીના નામે વારંવાર આપવાનાં થતાં આપણાં સૂચનો નહિવત્ હોય છે. અને તેના કારણે જ બાળકો અને શિક્ષકો બંનેનો પ્રવાસ આંનદ આપનારો બની રહે છે. ગૂગલ મેપ પરથી પ્રવાસ મંત્રીએ ‘કેટલા વાગે પહોંચીશું’ની જાહેરાત અને સાથે સાથે ‘કેટલા વાગે વચ્ચે સ્ટોપ કરવું’ તે મત પણ જાણી લીધો. એટલે અમારા સૌનું કામ હવે ફક્ત પ્રવાસમંત્રીને ફોલો કરવાનું હતું. ‘સ્ટોપેજ કર્યા બાદ પોતે લાવેલ નાસ્તો કે હોટલમાંથી  નાસ્તો કરી લઈએ?’ તેની ચર્ચામાં શિક્ષકની જરૂર પડી. મુલાકાત બાદ પરત થતાં  મોડું થાય તો સાથે લાવેલ નાસ્તાથી કામ ચલાવી શકાય - આવા વિચારથી ત્યાં જ હોટલમાં બટાકાપૌંઆનું નક્કી થયું. આમ સમય જતો ગયો. સાયન્સ સેન્ટરે પહોંચ્યાં - મુલાકાત શરૂ થઈ - ત્યાં એક નવી સમસ્યા - 5D થિયેટરમાં તો 50 રૂપિયા ટિકિટ લેવી પડશે? જયદેવે હિસાબ આપ્યો - ઉઘરાવેલ 200 રૂપિયામાંથી 30 રૂપિયા સવારે નાસ્તામાં અને 85 રૂપિયા સવારના જમવામાં ખર્ચ થશે. સાંજના જમવાનું બાકી ! જમતી વખતે ચર્ચા કરી. ગ્રૂપલીડર કહે કે, “થિયેટરમાં જવું કે નહીં?” - અંતે જોવાનું જ છે - લીડરે પૈસા સભ્યદીઠ ગણી પ્રવાસ મંત્રીને આપ્યા.  પણ પરત મુસાફરી દરમિયાન જાણ્યું કે જેઓની પાસે નહોતા તેમના ગ્રૂપના સભ્યોએ ફાળો કર્યો, કેટલાક કેસમાં જવાબદારી લેવાઈ - અને અમારી આંખો સામે જાણે કે બાળકોમાં પરોક્ષ રૂપે ખીલી રહેલી મિત્રતા, સામાજિકતા -  સહકારીતા અને વ્યવહારુ જ્ઞાનની છોળો ઊછળી રહી હતી. નાણાંની દૃષ્ટિએ એમના હિસાબમાં કશું ખૂટ્યું નહીં કે કશું વધ્યું નહીં, પરંતુ કૌશલ્યોની દૃષ્ટિએ જોઈએ તો બાળકોમાં લાગણીનો ટોપલો ભરાયાનો અહેસાસ હતો.

અને હા, એ કહેવાનું તો ભૂલી ગયા કે તેમના સુચારુ આયોજનને કારણે જ સમય બચતાં ‘રાની કી વાવ’ પણ સૌને જોવા મળી - ચાલો ત્યારે માણો અમારા પ્રવાસના દિવસના આનંદને : આ ફોટોગ્રાફ અને વિડીયો વડે !


















No comments: