October 31, 2024

“એન્જિન કયાં છે?”

એન્જિન કયાં છે?” 🙋


    શિક્ષકનું કામ શું ? એવું કોઈ પૂછે ત્યારે સૌનો જવાબ હોય છે - બાળકને ભણાવવું - શિક્ષિત કરવું - કેળવવું વગેરે વગરે. 

પરંતુ કેટલીકવાર એવું પણ સાંભળીએ છીએ કે બાળક પોતાની આસપાસના પર્યાવરણ પાસેથી શીખતો રહે છે. તો પછી સમાજવ્યવસ્થામાં શાળા શા માટે ? અને સમાજને શિક્ષક પાસેથી શી અપેક્ષા હોય છે? આવા કેટલાય પ્રશ્નો શિક્ષણમાં રસ ધરાવતા હોય એવા સૌને થતા હોય છે. ત્યારે જવાબ અનેક પ્રકારે મળતો હોય છે. જેમ કે  સમાજમાંથી શીખેલ બાબતોને વ્યવસ્થિત ગોઠવી અને બાળકમાં સામાજિકતા વિકસાવવી વગેરે વગેરે.. 

પરંતુ મોટાભાગે આપણે સૌ એ હતાશા અનુભવતા હોઈએ છીએ કે આપણે વર્ગખંડમાં જેટલી મહેનત કરીએ છીએ તેટલું પરિણામ આપણને મળતું નથી હોતું. અગાઉના અંકના લેખમાં વાત થઈ હતી તેમ - હું તો સમજાવી સમજાવીને થાક્યો પણ બાળકો સમજતા જ નથી - જેવી ફરિયાદ / પીડા સતત મનમાં ગૂંજતી રહેતી હોય છે. તો અગાઉની વાતોમાં પણ આપણેહાર્ડ વર્કની સામેસ્માર્ટ વર્કઅંગે ચર્ચા થઈ છે. જેમાં બાળકો શીખતાં નથી - સમજતાં નથી - વગેરે પ્રશ્નોના ઉકેલ મેળવવાની મથામણ કરી છે. તેમાં વધુ એક માથામણ કરવી જરૂરી છે.. 

વર્ગકાર્ય પ્રક્રિયા શું છે? વર્ગખંડ પ્રક્રિયા એટલે બાળક અને શિક્ષક વચ્ચે થતી શીખવવું / શીખવું - સમજાવવું/સમજવું  - ઓળખાવવું/ઓળખવું ! તેના માટે આપણે સીધાં જબાળક સાથે કાર્ય કરતાં હોઈએ છીએ.” - આ વાક્યને જરા સુધારીને લખીએ તો -બાળકના મગજ સાથે કાર્ય કરતાં હોઈએ છીએ. શાળામાં બાળક પ્રવેશે ત્યારે તેને વિદ્યાર્થી તરીકે મળવાને બદલે એક માણસ તરીકે આપણે મળીએ ત્યારે જેમ આપણી તેને મળવાની રીતભાત - ઉદ્દેશ્ય અને ભાવ બધું જ બદલાઈ જાય છે, તે જ રીતે વર્ગખંડમાં બાળક આપણી સામે હોય ત્યારે તેને આપણે કઈ રીતે શીખવી શકીશું ? તે વિચાર કરવા એક ધારણા કરી જોઈએ……

બાળકને એક  મશીન તરીકે ધારો…. તમે શિક્ષક મટી મિકેનિક બની જાઓ. હવે મિકેનિક તરીકે બાળકરૂપી મશીનમાં શિક્ષણના સ્પેશિફિકેશન ઇન્સ્ટોલ કરતાં પહેલાં  શું શું કરશે તે વિચારો! જાણશો કે મશીન કેવી રીતે કાર્ય કરે છે.

ü તેનાં દરેક ફંક્શનને સમજશે. 

ü તેના મધર બોર્ડ એટલે કે મગજના સ્પેશિફિકેશનનો અભ્યાસ કરશે. 

ü ત્યારબાદ તેના મધરબોર્ડમાં જ ખૂટતાં સ્પેશિફિક્શન એક્સટેન્ડ માટેની પ્રક્રિયા કરશે. 

ü છેલ્લે મશીનમાં શિક્ષણના સ્પેશિફિકેશન ઇન્સ્ટોલ કરશે.   

આ જ બાબતોને આપણી શિક્ષણ જગતની ભાષામાં વર્ણવીએ તો સમજાશે કે વર્ગખંડમાં આપણા સૌની સામે શીખવા સમજવા - બેઠેલ મશીનનું  મધરબોર્ડ એટલે કે બાળકનું  મગજ કેવી રીતે શીખે છે? - તે જાણવા - સમજવા માટેની આપણે સૌ મથામણ નહીં કરીએ ત્યાં સુધી આપણે એવા કારીગર છીએ જે મશીનને જાણતા નથી - પરંતુ તેને શિક્ષણ વડે શિક્ષિત કરતા હોવાના વહેમમાં છીએ. 

તેના માટે અહીં એક જોક લાગુ પડે છે.
એક ભાઈ પોતાની કારને રિપેર કારવવા લઈ ગયા. ત્યાં જઈને મિકેનિકલ એન્જિનિયરને પોતાનો પ્રોબ્લેમ કહ્યો. એન્જિનિયરે કહ્યું કે ચિંતા ન કરો. રિપેર થઈ જશે. ફક્ત મને આ કારનું એન્જિન ક્યાં છે તે બતાવો. હવે તમે જ કહો કે તમે જો કાર માલિક હો તો શું કરો? કાર તેને સોંપો કે રિવર્સમાં ગિયર લગાવી પાછા ફરો

માટે જ જ્યાં સુધી આપણે આપણા વર્ગખંડના એ બાળકો જેઓની સાથે કામ કરીએ છીએ - તેઓનું મગજ શીખે કેવી રીતે છે? -  તે નથી જાણતા ત્યાં સુધી આ મિકેનિકલ એન્જિનિયર જેવા જ છીએ. અને જ્યાં સુધી બાળકોના મગજની શીખવા અંગેની પ્રક્રિયાને નહીં જાણીએ - ઉપર વાત કરી તેમ ગમે તેટલું ભણાવીએ - હાર્ડ વર્ક કરીએ - પરિણામ હતાશ કરનારું જ રહેશે. અને આપણે ઠીકરું મશીનની ક્ષમતા, મશીનના ફંક્શન , સ્પેશિફિકેશન વગેરે પર ફોડતાં રહીશું ! 

ચાલો, દિવાળીની પૂર્વસંધ્યાએ શુભેચ્છા કે આ વેકેશનમાં  આપણા સૌનું ચિંતન આ દિશા તરફ વળે અને આપણા સૌની બાળકોને શિખવવાની પ્રક્રિયાઓ એ મુજબની બને - જે રીતે બાળકનું મગજ શીખે છે ! 

💥💫💫💫💫💣

No comments: