May 04, 2019

શાળા સંભાળનારનાં સંભારણાં ! 😢


😢 શાળા સંભાળનારનાં સંભારણાં ! 😢
સૌને ખબર હોય છે સતત કે આ આઠમું પાસ કરીશું એટલે શાળા છોડી બીજી જગ્યાએ ભણવા જવાનું જ છે. પણ સૌ એ યાદ કરવાનું ટાળીને “આજ” ની મોજ કરતા રહે છે.
“તેરી પૂજા કરું દિલ સે...મેરી પૂજા અમર કર દો...” તેના સૂર એવા રેલાતા કે સૌ થોડીવાર થંભીને સાંભળી રહેતા. હિન્દી સોન્ગ્સ હોય કે હોય પ્રાર્થના ભજન કે ગુજરાતી લોકગીત...તે અમારા ફોન લઇ તેમાંથી સાંભળી રીયાઝ કરતી..અને એ અમારી સિંગિંગ સ્ટાર નેહલ...અહિયાં રોજ નહિ હોય ! હવે તેનો અવાજ સાંભળવા તેની રાહ જોવી પડશે. આ નેહલબેન ને પાછો કૂવાનો ઘણો શોખ...અને એ શોખને શોક માં બદલાતા અટકાવનાર અમારી કાબરી...તું ય એને સદાય સાથ આપજે !
સ્કૂલ ખુલતા પહેલા જરૂર પડે કિશનની ... “કિશનમ શરણમ ગચ્છામી !”  એના વગર કઈ ચાવી ક્યાં છે કોણ કહે ?! હાથમાં ચોક લઈ દરરોજ શબ્દ લખાવવા ઊભી રહેતી ભૂમિ જાણે હોમવર્ક ચકાસવા ઊભી હોય એમ લાગતું. તેણે શાળાના ઉપપ્રમુખ તરીકે શપથ લીધા અને તેનો આખો નેચર બદલાઈ ગયો ! ક્યાંક બહાર ફરવા ગઈ હોય તો શાળા માટે વસ્તુ ખરીદીને લાવે ! દરેક બાબતમાં તે સ્પષ્ટ હોય કે આમ કરવું જોઈએ અને આમ ના કરવું જોઈએ... સમૂહ બેઠકોમાં ગુંજતા તેના શબ્દો "હાથ ઉપર, સામે...અવાજ બંધ !" યાદ આવશે.
ઉપપ્રમુખ તરીકે ભૂમિ જેટલી ચોકસાઈ ભલે નહોતી પણ વૈભવ એ સાચે જ ગૌરવ અપાવે તેવો પ્રમુખ... બેધડક કોઈની પણ સામે સટિક રજૂઆત કરવી...અને દરેક બાબતમાં તર્કસંગત મુદ્દા મૂકવા ! એની પૂરેપૂરી શક્તિઓ વડે ખીલે એ અભ્યર્થના હજુ ય છે !
શાળાની લાઈબ્રેરી ને સતત જીવંત રાખતી અને એક સવાલ પૂછીએ એની સામે લાંબુ લેક્ચર આપતી, ભારે રિસામણી નિકિતા અને ગમ્મે તે લડીએ ચૂપચાપ સાંભળી .. હા ..એમ કરીએ કહી...આગળ વધી જતો એનો જ ભાઈ નિખિલ... ! તું હવે કબડ્ડી જીતવાનું લક્ષ્ય હાઈસ્કૂલમાં પૂરું કરજે.. દર વખતે કબડ્ડી ટીમ તાલુકા માંથી પાછી આવે ત્યારે ખોખો ની ટીમ ફાઇનલ સુધી જાય તેવી અમારી ખોખો ટીમના સભ્યો ! ધોરણ છઠ્ઠાથી શાળામાં  આવેલી, ઓછું બોલતી, વધુ દોડતી એવી ઉર્વશી જેની પેપર સ્ટાઇલ ઘણા સમય સુધી નવાનદીસર માટે ટ્રેન્ડસેટર રહેશે.. દોડમાં જેણે શાળાને નવી ઓળખ અપાવી તેવો જયદીપ અને ગોળાફેંક માં નવા નદીસર ની પરંપરાને આગળ વધારનાર રીન્કુ તમને અમે ક્યારેય નહીં ભૂલી શકીએ..
અમારી પાસે એક મસ્તી ટીમ હતી. બધા ભાગફોડિયા... વિજ્ઞાનમાં તરાપો બનાવવાનો ડેમો કરવાનો હતો..અને જીગર અને તેની ટીમ તરાપો બનાવી પાનાઈ ના કોતરમાં સાક્ષાતકાર કરવા જતી રહી..તેમને માટે અમારે દરેક વખત અલગથી જ વિચારવું પડે. બેટ્ટાઓ હવે તમને તમારી ભૂલો પર શાંતિથી હાથ ફેરવી સમજાવવા વાળું કોઇ નહીં હોય એ યાદ રાખજો.
ગણિત ગણતી અને એન એમ.એમ.એસ. ની પરીક્ષામાં મેરીટ માં આવનાર ભૂમિકા ! વકૃત્વ માં જગદીશ અને હાર્દિકને સીધી ટક્કર આપતી. હા, હાર્દિક તારું માથું દુખવું ય અમને યાદ રહેશે. અને જગદીશ હવે તારા વગર શાળામાં પ્લાસ્ટિક નહિ એટલે નહિ...નો નારો કોણ બુલંદ રાખશે ?
શાળામાં બનેલી ઘટનાઓની છાનબીન અને જે ગુપ્તચર બનવાના બધા ગુણ ધરાવે છે એવો અમારો "અજિત ડોભાલ" - ભાવેશ, લવ યુ 🤗
અને હા, રોહિત હવે તું ડાયલોગ બોલી શકું, "આઠ આઠ વર્ષની આ પ્રાથમિક શાળાની આનંદની બેડીઓ તોડીને...." તારો એ રમુજી સ્વભાવ જીવંત રાખજે.
પોતાની વિષમ સ્થિતિઓને પરાસ્ત કરી શિક્ષણ મેળવવા મથનાર રમેશ, પરેશ, ટીનો, હેમાલી, દીનિકા, રીમા, વૈશાલી, સપના, અનિતા, ગાયત્રી, આર્યન, રાજુજી,રાજેશ્વરી, તમે બધા તમારો  આ જઝ્બા જાળવી રાખજો.
મિતેશ, તારી રસોઈ બનાવવાની કળા વધુ નિખરશે જ...ત્યારે અમને જમાડવાનું ભૂલતો નહિ. કોમલ તારા લગ્નગીતો અને આપણી ૩૭૭ વાળી મજાક દરરોજ નાસ્તા ટાઈમે યાદ આવશે...
અને હિનાબેન તથા વંદનાબેન હવે જરાક બોલકા થજો... મુશ્કેલી સાંભળવા અમે તૈયાર જ હોઈશું...
જ્યારે બધાને અમારા કહ્યા પછી એમાં પોતાની સુવિધા જોવાની જ થતી ત્યારે તે સમગ્ર હિતને જ ધ્યાનમાં રાખ્યું છે એવી હેમાલી તું ગ્રામોત્સવ માં એકલા જ ડાંસ કરવા તૈયાર થયેલી ! તારું એ ડેડીકેશન ક્યારેય નહી ભૂલાય.. તો નેહાબેન તમે હંમેશા તમને યોગ્ય લાગે તે જ કરતા...એ જીદ જીવનમાં ય ચાલુ રાખજો 😂 તું ઇચ્છું છું તે મેળવું છું એ તને મળતું જ રહે 💫 પ્રિયંકા તું આઠ વર્ષમાં કુલ આઠ કલાક પણ બોલી નહિ હોઉ...પણ તારું પરિણામ હંમેશા બોલ્યું છે...એ એમ જ બુલંદ અવાજે બોલતું રહે.
અને છેલ્લે જે આઠ પાસ કરી દીધું પણ હજુ બધા પાંચમા માં છું એમ જ સમજે એવી નાનકડી નાઝમીન !
બેટા, એક ફોર્મમાં લગાવવા તારી પાસે ફોટા મંગાવ્યા હતા..એક વધ્યો અને તે ખિસ્સામાં મૂક્યો...ને જાણે એ જ દિવસથી શાળાનું ગુડલક શરૂ થઈ ગયું. જુદા જુદા એવોર્ડ્સ થી આપણી દીવાલ ભરાઈ ગઈ છે...તેમાં સર્વોચ્ચ છે એ તારો જ છે.... નાઝું તારું "જો....ને.....સાહેબ..." સંભળાવવા આવતી રહેજે.

એન્ડ યેસ, બોયઝ કીપ ધ જોશ હાઈ... એન્ડ ગર્લ્સ ડોન્ટ ફરગેટ અવર પ્રોમિસ એન્ડ કોડ ઓફ ઇ-મેઇલ !

હેપ્પી જર્ની ટુ ઓલ



May 01, 2019

ગ્રામોત્સવ – પડદાની પેલે પાર !



ગ્રામોત્સવ – પડદાની પેલે પાર !
“બધા કહે છે, ગયા વખત જેવું તો ભાગ્યે જ થાય !”
“હશે, આપણે મન તો ગામ ભેગું થાય કોઈ એક વાત પર એનો જ આનંદ રાખવાનો... ગયા વખત ધાર્યા કરતા આનંદ વધુ થયેલો કારણકે એટલી મોજ આપણે ય નહોતી વિચારી...એટલે આપણે ભેગા થઈશું...એટલું જ ધારવાનું...બાકી જલસા કરો...” ગામમાં આજે મીટીંગ રાખવાના છીએ...એમ કહેવા આવેલ રવિ સાથે થયેલા સંવાદને આજે એક મહિનો થવા આવ્યો હશે...પણ હજુ ય કાનમાં એનો પેલો અંદેશો તો ગુંજે છે !
ગામ આખાને જો કોઈ એક કામ ભેગું કરતુ હોય તો એ છે એ ગ્રામોત્સવ...અમારો પોતીકો નવા નદીસરનો ઉત્સવ ! એમણે તો નક્કી કરી લીધું...સાઉન્ડ, સ્ટેજ, પાણી, જગ્યા...જવાબદારીઓ વહેચાઈ ગઈ..એના કરતા ય કહેવું જોઈએ કે જવાબદારીઓ ઉપાડી લેવાઈ !
હવે વારો હતો શાળાનો...ગયા વર્ષે તાલીમના કારણે પરીક્ષા વહેલી પૂરી થઇ હતી અને એટલે જ તો એક કાર્યક્રમ કરીએ એવો વિચાર આવ્યો હતો..પણ આ વર્ષે આખો મહિનો ચાલનારી પરીક્ષા અને તેની સાથે તૈયારીનો તાલમેલ કરવાનો હતો. ગરમીનું પ્રમાણ પણ વધતું જતું..એટલે કયા ધોરણને ક્યારે પ્રેક્ટિસ પછી ઘર તરફ રવાના કરવા..એ ય જોવાનું હતું. ગયા વર્ષે અન્ય ગામમાંથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હતી. હવે આ વર્ષે તેમને ઘરે જવામાં મુશ્કેલી ના પડે તે પણ નિશ્ચિત કરવાનું હતું. આ બધી મુશ્કેલીઓનો તો ઉપાય મળે..પણ અમારા માથાભારે બોસીસ...
  😎“રાકેશ સાહેબ, પીન્ટુ સર કેમ ના આયા?”
😏 “ગોપાલ ને પૂછો !”
😠  “તમને કેમ નથી ખબર ?”
😟  “મેં એમની સાથે વાત નથી કરી !”
😕  “તો હમણા ફોન કરો...”
😖  “નંબર નથી મારી પાસે,”
😡  “તો શું આચાર્ય બની ગયા... ચાલો,,,આમનાથી કઈ નહિ થાય !”
😏  “સાહેબ, વંદના ના પાડે છે...એને ખેતરમાં કામ છે.”
😒  “સાહેબ હું આતંકવાદી બન્યો હતો પણ કાલથી નહિ અવાય...મારે મારા ઘેર દાહોદ જતા રહેવાનું છે.”
😮  “સાગર પૂનમનો નંબર છે ? ફોન કરો બે દિવસથી નથી આવતો !”
આમ, બધાના મૂડ સેટ કરી રહ્યા...ત્યાં...કપડા આવી ગયા... ટ્રાયલ લેવાનું શરૂ કર્યું...
😆  “આ પેન્ટ મને ના આવે... “  
🙆  “અમે આ કેડિયું ના પહેરીએ....”
ગુસ્સો આવી જાય...પછી થાય..હશે..હજુ ય અર્જુનનો આત્મા આ બધામાં ફેરો મારી જતો હશે... દરરોજ બપોરે બે વાગ્યા સુધી સખત ગરમીમાં તેમની પ્રેક્ટિસ પૂરી કરાવી ઘરે જઈએ.. ભૂખ, તરસ અને તાપ ત્રણેય જોયા નથી ! હવે આ બધું પૂરું થઇ યુદ્ધનો સમય આવ્યો ત્યાં... આ વંકાઈ ગયા... શાંતિથી બેસી તેમને સાંભળ્યા... અને સૉલ્યુશન આપ્યા...
જંગ શરૂ થતા પહેલાની અમારી આ જંગ ચાલુ જ છે... કોઈકને લાગે છે કે અમારે હજુ વધુ કાર્યક્રમમાં રહેવા જેવું હતું... કોઈકને થાય છે કે સાહેબ પક્ષપાત કરે છે અને અમને પ્રેક્ટિસ માટે ઓછો સમય આપે છે. કેટલાકને પોતાનો ડ્રેસ પસંદ નથી આવ્યો ! (મૂળ તો પોતાનો પસંદ નથી આવ્યો એ નહિ, બીજાનો ડ્રેસ સારો લાગે છે એ સવાલ છે !)
આ લખાય છે એ પછી ત્રણેક દિવસ બાકી છે...
કાર્યક્રમનો સમય છે...ચોથી જુન, સાંજે સાત કલાકે...
અમારી આ માથાકૂટ પછી ય એક જલસો નક્કી છે.. અમે એવા જ છીએ, લડાઈ અને ઝઘડા પછી..,,આંસુ સારીને ય સ્મિત સાથે ગળે લાગવા વાળા... ચાલો આવજો અમને મળવા, રૂબરૂ ના આવી શકો તો નીચે આપેલી લીંક પર જઈ આજે જ અમારી સાથે Live જોવા જોડાઓ,.રાહ જોઈએ છીએ તમારી !

April 30, 2019

વર્ગખંડમાંની વ્યક્તિગત દરકાર !



વર્ગખંડમાંની વ્યક્તિગત દરકાર !
—  કાલ્પનિક ઘટના....[૧]
એક શાળામાંથી બાળકો પ્રવાસે ગયા છે. તેમની દેખરેખ અને  દરકાર માટે શાળાના શિક્ષકો પણ તેમની સાથે ને સાથે બસમાં પ્રવાસ કરી રહ્યાં છે. બાળકો અને સૌ શિક્ષકો એક સ્થળે થી બીજા સ્થળે ફરી ફરી પ્રવાસની મોજ માણી રહ્યા છે. પ્રવાસના એક સ્થળે ખબર પડે છે કે એકાદ બે બાળકો જે આપણા સાથે પ્રવાસે નીકળ્યાં હતાં તે અધવચ્ચે છૂટી ગયાં છે. ત્યારે ? પૃથ્વી પરનો કોઈ શિક્ષક એવો નહિ હોય કે આ જાણ્યા પછી હૃદયનો એક ધબકારો ચૂકી ન જાય ? કારણ ?
—   વિચારીએ બાળકો સાથેના વર્ગખંડના શૈક્ષણિક પ્રવાસની ઘટના..[૨]
આખું વર્ષ ભણાવ્યા પછી વર્ષાન્તે કસોટીના પરિણામ બાદ આપણને ખ્યાલ આવે છે કે ફલાણા ધોરણના આપણી સાથે શૈક્ષણિક પ્રવાસે નીકળેલા આપણા ધોરણના બાળકો પૈકી કેટલાંક બાળકો અભ્યાસક્રમમાં પૂરું શીખવાને બદલે વચ્ચેથી છૂટી ગયાં છે. ત્યારે ? ત્યારે આપણો ધબકારો ચુકે છે ખરો ? કારણ ?
ઉપરોક્ત ઘટનાઓ જોઈએ તો પ્રક્રિયાઓ સરખી જ થાય છે. એકમાં બાળક જાતે છૂટી જાય છે અને બીજી ઘટનામાં તેનું શિક્ષણ કે જેનું જીવનમાં મહત્વનું સ્થાન છે તે, છુટી જાય. છે  પરંતુ બંનેમાં ચિંતાનું પ્રમાણ વધઘટ જણાય છે. તેનું કારણ છે જે તે સમયની બાળકોની “વ્યક્તિગત દરકાર”! પ્રવાસ સમયમાં તમે જોશો કે બાળકો પ્રત્યેની આપણી વ્યક્તિગત દરકાર ચરમસીમાએ હોય છે.તે સમયે આપણા માટે  તે ટોળાનો એક ભાગ ન હોતા વ્યક્તિગત પ્રવાસી હોય છે. તેથી દરેક બાળક પ્રવાસમાં સાથે અને  સામે રહે તે માટે ચિંતિત હોઈએ છીએ. અને તે જ કારણે તેના પ્રત્યેની વ્યક્તિગત જવાબદારી આપણે વહન કરતાં હોઈએ છીએ. આપણો એક ધબકારો ચૂકવો એ આપણી તેના પ્રત્યેની દરકાર દર્શાવે છે.
શિક્ષક તરીકે જોઈએ તો આપણે સૌ જાણીએ છીએ જ કે, શિક્ષણ પણ બાળકના જીવનની એટલી જ મહત્વની બાબત છે જેટલી પ્રવાસમાં આપણા માટે બાળકની દરકાર ! તો આવા શૈક્ષણિક પ્રવાસમાં આપણાથી પાછળ રહી જનાર માટે પણ આપણી ચિંતા એટલી જ હોવી ઘટે !
માટે જ, આખા વર્ગખંડમાં બે ચાર તો હોય જ વાળો ડાયલોગ છોડી તેઓની પણ દરકાર શરુ કરીએ કારણ કે આપણા માટે ભલે તે બે ચાર હશે પણ હકીકતમાં તો તે બે ચાર કુટુંબનું ભવિષ્ય છે !

April 21, 2019

જયારે સૌના હૈયે વસે “બાળક” અને તેનું “શિક્ષણ” 🙏



🙏જયારે સૌના હૈયે વસે “બાળક” અને તેનું “શિક્ષણ”🙏
શાળાએ એવા ય વર્ષો જોયા છે જયારે વાલીને તેના પોતાના બાળકનું ય નામ ખબર ના હોય. જો જરૂર પડે અને ઘરે (!) જઈને પૂછીએ કે તમારી ગંગા કેમ શાળાએ આવતી નથી ? તો સામો સવાલ મળતો ? “સાયબ એ કઈ ?” એટલામાં જો એ છોકરી જોવા મળે ને આપણે કહીએ કે “આ ગંગા !” તો કહે... “હ...”આ ટીની....!” (મનમાં થતું કે જેનું નામ એની મા એ શાળામાં આવીને લખાવેલું એનું સાચું નામ એના બાપને ય ખબર નથી ! ) પછીનો એક સમય એવો ય આવ્યો કે નામ ખબર છે પણ પોતાનું પાલ્ય કયા ધોરણમાં છે એ ના ખબર હોય ! (જો કે હજુ અમારી પાસે એવા કેટલાક કુટુંબો છે જેમાં આ સ્થિતિ યથાવત છે !)
આ સમયની સાપેક્ષમાં જયારે ગામમાંથી કોઈ વાલી આવે અને કહે “સર (હા, આ આપણી શાળાનો અ-ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે આવા સંબોધન હવે મળે છે !) સર... આ એક ગેમ લાવ્યો છું સ્કૂલ માટે ! ફેરિયો વેચતો એ જોયું ને ગમી ગઈ..થયું કે આપણા સાતમાં અને આઠમા ધોરણના છોકરાંને કામ લાગે એવી છે ! (એનું પોતાનું બાળક તો હજુ ઘોડિયામાં છે, અને એના ભાઈના બાળકો હજુ બીજા ધોરણમાં !) એવા સમયમાં એને ક્યાંક સાતમાં કે આઠમા ધોરણમાં ઉપયોગી એવી વિશ્વના નકશાની ગેમ જોઈ ખરીદી લેવાનું મન થાય એ દર્શાવે છે કે તેના મનમાં હવે ગામના બધા બાળકોને ઉપયોગી થાય તેવું કૈક લાવવાનું ગમે છે. અને ખાસ તો એ કે તેને એ સમયે ય બાળકોનું શિક્ષણ યાદ છે. આ પહેલા ય એક વાલી છેક વાપી – વલસાડથી શાળાના બાગ માટે મહેંદી લાવવાની જહેમત ઉઠાવી હતી. ગામમાં બનતા તમામ સારા પ્રસંગે દરેકને બાળકો યાદ આવે છે.......સૌના હ્રદયમાં સદાય શાળા છે, બાળકો છે, શિક્ષણ છે...
બાજુના એક ગામાંમથી એક વાલી ગયા વર્ષે તેમના બાળકોને ખાનગી શાળામાંથી આપણી શાળામાં દાખલ કરી ગયા હતા. શરૂઆતમાં મૂકવા આવતી વખત રોજ અમારી સાથે વાત કરે...”સર...આવડી જશે ને ? આમને ત્યાં ખુબ ટોર્ચર થવાય તેવું હોમવર્ક આપતા.... તેમનામાં સ્ફૂર્તિ દેખાતી નથી. થોડું બોલચાલ વધારે એવું થઇ જશે ને ?” આ ક્રમ ધીમે ધીમે ઓછો થયો... હમણાં સત્ર પૂરું થવાના નજીકમાં આવ્યા...”સર...મારી ઈચ્છાથી એક ગીફ્ટ લાવ્યો છું ! ના, ન કહેતા...મને આનંદ છે.... મારા બાળકોને જોઈ હવે મને સંતોષ છે...અને મારી ખુશી માટે આ ગીફ્ટ સ્વીકારી લો...” થોડીવાર મનમાં થયું કે આ વાલીએ ત્યાં ખાનગી શાળામાં ફી માટે તેના સંચાલક સાથે ભાવતાલ કર્યા હશે...કે આ ફી વધુ છે...એ ઓછી કરો...આ પૈસા તમે કેવી રીતે માગી શકો ? વગેરે વગેરે....અને એ વાલી શાળા માટે ખર્ચ કરીને કોઈ વસ્તુ આપી રહ્યો છે ! અમે સ્વીકારી લીધી ભેટ....પણ હજુ ય એ શબ્દો ગુંજે છે... “મારી ખુશીથી...મને સંતોષ છે,,,,” વાલીને ક્યાં ખબર છે કે તેમને અમને આપેલી સૌથી મોટી ભેટ તો એમના આ શબ્દો છે !
આમ, જયારે વાલીઓ પોતાના બાળક માટે નહિ, શાળાના બધા બાળકોને પોતાના માની...જ્યાં હોય ત્યાં...પોતાનાથી થઇ શકે એમ મદદ માટે તૈયાર છે... અને અમે પણ તૈયાર રહીએ છીએ તેમના પ્રેમનો પ્રતિસાદ આપવા !

April 01, 2019

“There are should be more मस्ती की पाठशाला-ए!



 “There are should be more मस्ती की पाठशाला-ए!
ભલે ક્યાંક એક ખૂણામાં, ઝાડી ઝાંખરામાં જો કોઈ સુવાસિત ફૂલ ખીલે તો એ ઝાડી ઝાંખરા ફૂલને ઢાંકી શકે, સુગંધને નહિ ! એવું જ નાના ગામડાઓની શાળાઓના કાર્યોનું ! જો તમે સરકારી શાળાઓના સીધા સંપર્કમાં ના હો તો પણ તમને એકાદ બે સારી શાળાઓ જોવા મળી જશે. (જેના વિષે જાણીને તમને થશે કે કાશ, આપણને પણ આવી શાળા મળી હોત !) શાળાઓમાં ફેરફારના ઘણા પાસાઓ છે પણ સૌથી વધુ ઝડપથી બદલાઈ રહ્યું છે; શિક્ષક – વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ. શિક્ષક સામે સવાલ કરવા, પોતાને જરૂરી સગવડ માટે શિક્ષક સામે દલીલ કરવી. પોતાના હક માંગવા. “સાહેબ, તમારો તાસ છે....ચાલો વર્ગમાં...” “મારો આ દાખલો સાચો જ છે, તમે કેમ એક માર્ક ઓછો આપ્યો ?” “ સાહેબ, આ રીતે નકામું ધમકાવાનું નહિ..” “આમાં તો ના સમજ પડી !” જેવા વિધાનો હવે પ્રાથમિક શાળાઓમાં સાંભળી શકાય છે. સાથે સાથે “સર, કેમ આજે મૂડ નથી કે શું ? “ ના, રહેવા દે યાર બેનને નહિ ગમે !” જેવા શિક્ષક પ્રત્યે લાગણી દર્શાવતા વાક્યો પણ સંભળાય છે. બાળકોને શિક્ષક પ્રત્યે હવે માત્ર માન નહિ, પ્રેમ પણ છે. અને શિક્ષક પણ બાળકોને ભણાવવા માટેના મશીનને બદલે માણસ તરીકે જોતો થયો છે. (પહેલા પણ ઘણા શિક્ષકો જોતા જ હશે, જેમ આજે કેટલાક નહિ જોતા હોય એમ !) છતાં સહજ શાળામાં એવી હવા તો છે જ –
શાળાઓ અને એસ.એમ.સી.  જયારે આપણી નવા નદીસરની મુલાકાત લે છે ત્યારે અમે ભારપૂર્વક એક જ વાત કહીએ છીએ કે “આ બધું જેના માટે છે, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ...એને પોતાની જાતે કરી જોવાનો મોકો મળવો જોઈએ...બાળકને વિદ્યાર્થિની જેમ ટ્રીટ કરવાને બદલે માણસની જેમ ટ્રીટ કરવો જોઈએ...” તેઓ સૌ આપણી શાળામાં એવું અનુભવે છે. તેમની શાળામાં એ અનુભવવા માટે મથે છે. અને કોઈક કોઈક શાળાઓ પ્રતિભાવ પણ આપે છે કે “હવે અમને ય શાળામાં જતા હોય એવું લાગવાને બદલે બીજા ઘરમાં હોઇએ એમ લાગે છે.” “હવે આમારા બાળકો પણ શાળા સંચાલનમાં સહભાગી થઇ રહ્યા છે.” “અમારા ગામના લોકો પણ હવે શાળાની ખાસ દેખરેખ રાખે છે.” અને આવા પ્રતિભાવ અમને વધુ મજબુત રીતે અમારું કાર્ય કરવામાં પ્રેરણા રૂપ બને છે. માટે જ એક વખત પ્રો. અનીલ ગુપ્તા સરે લખ્યું હતું, “There  should be more Masti Ki Pathshalas”  આવા પ્રતિભાવો સરની એ ઈચ્છાનો પડઘો છે કે “There are should be more Masti Ki Pathshalas”
તમે પણ જો શાળાની રૂબરૂ અથવા વર્ચ્યુઅલ મુલાકાત કરી હોય તો તમને નવા નદીસર પ્રાથમિક શાળાની કઈ પ્રવૃત્તિ સૌથી વધુ ગમી ? અથવા આપને તે તમારા ત્યાં કરવા માટે યોગ્ય લાગી તે તમે આ લિંકમાં પર ક્લિક કરી ખૂલેલ ગુગલ ફોર્મમાં જણાવશો >> ક્લિક > અભિપ્રાય


આપણી સમસ્યાઓ અને તેને જોવાની દૃષ્ટિ !



આપણી સમસ્યાઓ અને તેને જોવાની દૃષ્ટિ !

દરેક વ્યવસાય સમસ્યાઓથી ભરેલો છે. અને દરેક વ્યવસાયી તેને ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. પછી તે કોઈ સામાન્ય સંસ્થા કે નામાંકિત કંપની કેમ ન હોય? – તે સૌ પોતાની પ્રૉડક્ટની બજાર માંગ વધારવા અથવા તેને ટકાવી રાખવા સતત પ્રયત્ન કરતી રહે છે. માર્કેટ વ્યૂ નો સતત ખ્યાલ રાખી, અભ્યાસ કરતા રહેવો  અને તેના ધ્વારા પોતાની પ્રૉડક્ટમાં બદલાવ લાવી બજારમા ટકી રહેવા પલ-હરપલ સતત ગ્રાહકોનો સંપર્ક અને ગમા અણગમાનો અભ્યાસ ચાલતો હોય છે. સામાન્ય નિયમ છે કે સમયાંતરે બદલાવ લાવે તે જ બચે, ના બદલાય તે નામશેષ થાય !
આપણો શિક્ષકનો વ્યવસાય પણ તે પૈકી એક છે. આપણું નસીબ છે કે “શિક્ષક” – એ ખૂબ પવિત્ર વ્યવસાયના લીસ્ટમાં સામેલ છે. પરંતુ બદલાવ અને આધુનિકતા એ દરેક વ્યવસાયની આવશ્યકતા છે, તેમાં આપણો વ્યવસાય પણ બાકાત ન હોઈ શકે ! આપણો વર્ગખંડ બાળકોની કીલકીલારીઓની અને સાથે-સાથે ઘણી ચેલેન્જીઝ સહિત આપણી રાહ જોતો ઉભો હોય છે. ત્યારે આપણી તેના પ્રત્યેની દ્રષ્ટિ તેમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે. બાળકો સાથેનો લગાવ આપણને તેમાં સૌથી વધારે મદદરૂપ થતો હોય છે. એક વ્યવસાયિક શિક્ષક તરીકે વર્ગખંડમાં પ્રવેશીએ ત્યારે બાળકો પ્રત્યે ગ્રાહકની જ દ્રષ્ટિ જ ઉભી થાય છે. પરિણામે બાળકોના અભ્યાસ માટેના વિઘ્નો એટલે કે સમસ્યાઓને પણ આપણે એ જ દ્રષ્ટીએ જોયા કરીએ છીએ. જેમાં ઉકેલ આપણા હાથની વાત ન હોય તેમાં આપણાથી થાય તેટલો પ્રયત્ન પણ ન કરી આખું વર્ષ સમસ્યાઓ વાગોળવામાં આપણી એનર્જી વપરાઈ જતી હોય છે. કેટલાંક કેસમાં તો આપણને પણ ખબર હોય છે કે આ વાલી તો ક્યારેય બાળકને ચાહીને નહિ ભણાવે, ત્યારે આપણે મગજમાં વાલીને ધ્યાને રાખી બાળક સાથે ડીલ કરતાં હોઈએ છીએ. પરંતુ એકવાર એ ડીલને બાજુએ રાખી દિલને વચ્ચે લાવીએ. વ્યવસાયી શિક્ષક ને બદલે માં-સ્તર બની બાળક તરફ મમતાભરી નજર નાખીએ તો અનુભવાશે કે વાલીના વાંકે તેના બાળકને સમાજમાં નિરક્ષર રહેવા માટે ન છોડી શકાય. [ કારણ > આપણી જવાબદારી કેટલી ? ] આવા કિસ્સામાં દિમાગ ને બદલે દિલથી એટલું જ વિચારાય કે આપણે આપણે તેની માં-સ્તર હોવાનાં નાતે વધુમાં વધુ કેટલું ભલું કરી શકીએ છીએ. જો દિમાગ સાથે વર્ગખંડમાં પ્રવેશીશું તો સમસ્યાઓની ભરમાર જ પહેલી નજરે પડશે, જો દિલથી પ્રવેશીશું તો બાળકોનો પ્રેમ નજરે પડશે – અને જો દિલ અને દિમાગ સાથે વર્ગખંડમાં પ્રવેશીશું તો – બાળકોનો પ્રેમ અને સમસ્યાઓના ઉકેલ નજરે પડશે. કારણ અમે પહેલાં પણ કહ્યું છે કે .. જ્યાં પ્રેમ છે ત્યાં બધા જ ઉકેલ નીકળી આવે છે. અને પ્રેમ ત્યાં જ થાય છે જ્યાં સંવાદનું અસ્તિત્વ છે. આપણે આપણા વર્ગખંડોમાં કેટલાં બાળકો સાથે રોજેરોજ અનૌપચારિક સંવાદ કરીએ છીએ? વિચારશો તો ખ્યાલ આવશે કે જે બાળક  સાથે ઓછો સંવાદ કર્યો છે તેના વાલીનો સંપર્ક વધારે કરવો પડ્યો હશે ! માટે જ ચાલો નિશ્ચય કરીએ કે છેલ્લી પાટલી સુધીના બાળકો સાથે સંવાદ કેળવીશું. અને તો જ દરેક બાળકો સાથે પ્રેમ થશે – અને એકવાર બાળકો સાથે પ્રેમ થઇ જશે પછી વર્ગખંડોમાં જીવાવાનું શરુ ન થાય તો કહેજો !!! 

February 28, 2019

📣📣 એક જોક.. પરંતુ વિચાર માગી લે તેવો !



📣📣 એક જોક.. પરંતુ વિચાર માગી લે તેવો !

એક પરિવાર પોતાના બેભાન થઇ ગયેલ સભ્યને દોડતું દોડતું ચિંતાતુર સ્થિતિમાં દવાખાને લઇ ગયું અને ડોક્ટરને તાત્કાલિક સારવાર કરવા આજીજીપૂર્વક કહેવા લાગ્યું. ડોક્ટર, કે જે પોતાની જ મસ્તીમાં મસ્ત પરિવારની ચિંતાને જાણે કે કંઈજ નથીની મુદ્રાએ દર્દીની છાતી પર બે ચાર જગ્યાએ સ્ટેથોસ્કોપ વડે તપાસી નિર્દયભાવે કહ્યું “તમે સૌ મોડા પડ્યા. તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. હવે આનો કોઈ જ ઈલાજ શક્ય નથી. દર્દીના હદયની સહેજ પણ ધડકન સંભળાતી નથી.” - ત્યાં જ એક પરિવારના સભ્યએ ગુસ્સેથી કહ્યું “ડોકટર, તમે સ્ટેથોસ્કોપ કાનની નીચે ભરાવેલો છે, તો પછી ક્યાંથી સંભળાય, કાનમાં નાખો તો સંભળાય ને!? 
કહેવા માટે જોક છે પણ, આપણા વર્ગખંડમાં  કેટલીકવાર આવી સામ્યતા ધરાવતી બાબતો જોઈ શકાય છે. “આ બાળક તો સમજતું નથી”  “ આ બાળકને તો આવડતું જ નથી ” -  “આ બાળકને તો ભણવામાં રસ નથી”   આવા બેજવાબદાર શૈક્ષણિક બુલેટીન / નિદાન કર્યા વિના જ ઉપરના જોક જેવા ડોકટરની જેમ એક જ બાજુના સ્ટેથોસ્કોપ વડે ચેક કરી તે બાળકોનું રીપોર્ટ કાર્ડ પરિવાર સામે ધરી દઈએ છીએ . જેમ પેલા ડોક્ટરને સહેજ પણ ચમકારો નથી આવતો કે શ્વાસ ચાલુ છે એટલે ધડકન ચાલુ તો હશે જ ! જરૂર મારા તપાસવામાં જ કંઇક ભૂલ લાગે છે.  તેમ આપણે પણ ક્યારેય બાળકો પ્રત્યેના રીપોર્ટનું રી-રીપોર્ટીંગ કર્યું ખરું ? આ બાળક તો સમજતું જ નથી – એવું જાહેર કરતાં પહેલાં એવો વિચાર આવ્યો ખરો કે તે બીજી ઘણી બાબતો સમજે છે એટલે, આ બાબત ખરેખર તે સમજતું નથી કે શિક્ષક તરીકે આપણે સમજાવી શકતાં નથી ? તેને આવડતું નથી કે તેને આવડે તે રીતે આપણે  શીખવી શકતાં નથી ? તેને રસ નથી કે પછી તેના રસરુચી મુજબનું કરાવી શકતાં નથી ? આપણા તરફની આવી બધી બાબતો આપણે ખરેખર તો પેલા સ્ટેથોસ્કોપના બીજા છેડાની જેમ ચેક કરવી જ રહી નહિ તો વર્ગખંડના ધબકારા એવા આપણાં બાળકોની ધડકન આપણને ક્યારેય નહિ સંભળાય !
ઉપરના જોક્સ જેવા ડોક્ટર હોય તો પરિવારને એક સભ્ય ગુમાવવાનો વારો આવે. પરંતુ જો એ ડોક્ટર જેવા શિક્ષક મળી જાય અને આવું બેજવાબદાર ભૂલભર્યું નિદાન કરે તો ? તો તે પરિવારને જાણે કે એક પેઢી ગુમાવવાનો વારો આવે ! 
ચાલો ફરીથી એ બાળકો માટેની મહેનતમાં આપણે લાગી પડીએ જે બાળકો માટે આપણે જાણેઅજાણે આવા નકારાત્મક રીપોર્ટ જાહેર કરી દીધાં છે  !
બાળકો માટેની મહેનત >>>  આપણી પીડા, આપણો ઉપચાર !