July 01, 2019

ડી.જે. વાલે બાબુ મેરા ગાના બજા દે...!



ડી.જે. વાલે બાબુ મેરા ગાના બજા દે...!

શૈક્ષણિક પ્રક્રિયાઓ ખુબ જટિલ છે એવું ઘણીવાર આપણે સાંભળ્યું છે. હશે પણ ખરી કારણ કે અલગ અલગ સ્કીલ ધરાવનાર વ્યક્તિઓનો અનુભવ ભિન્ન હોઈ શકે છે. પરંતુ તેના પૂર્વેની બીજી એક પ્રક્રિયા છે જે માટે હજુ પણ આપણે સૌ મથતાં રહીએ છીએ અને તે છે બાળકોનું “સ્કુલીંગ”. બાળકો શાળાએ આવે અને સાથે સાથે વર્ગખંડમાં જોડાય એ ખુબ મહત્વનું છે.માટે જ એક શિક્ષક તરીકે બાળકોને જાણવાની, જાણીને સમજવાની અને સમજીને તેને અનુરૂપ લર્નિંગ પ્રોસેસ કરવાની હોંશિયારી આપણે કેળવવી પડશે.
બાળકની ગેરહાજરીનું એક કારણ તેને અનુકુળ વાતાવરણ ન મળવું પણ હોય છે પરિણામે બાળક શાળાને બદલે વાલી સાથે જોડાય જાય છે અને આપણા વાલીસંપર્કનું પરિણામ મળતું નથી. જયારે કેટલાક કિસ્સામાં પરિણામ મળે અને બીજા દિવસે જો તેના સ્કૂલિંગ (શાળા અભિમુખતા) ને બદલે અભ્યાસક્રમનો બોજ લાદી દઈએ તો તે અનુભવશે કે ક્યાં આવી ચડ્યો ? કારણ કે જેને અગાઉ શું ભજવાઈ ગયું છે તેની ખબર પણ નથી – તેને તમે અધુરપથી સીધો આગળના સ્ટેશન માટેની ગાડીમાં ચઢાવી દો છો. પરિણામે હવે પછી કાલે તો હું નહિ જ આવું ના નિશ્ચય સાથે ઘરે જાય છે.
આપણે અનિયમિત બાળકોને શાળાએ લાવવા માટે ઘણાબધા ઉપાયો અજમાવીએ છીએ પરંતુ તે શાળામાં ટકે તે માટેની પ્રવૃત્તિ/ આયોજનનો નહિવત હોય છે. શાળા એ થી દુર થતાં બાળકો અને ધોરણ પહેલામાં નવા દાખલ થતાં બાળકો બંને ભલે આમ આપણને અલગ અલગ લાગે પણ બંને માટે શાળામાં ટકાવી રાખવા માટે શાળાએ હંમેશા મથવું જ પડતું હોય છે. આવાં બધાં જ બાળકો શાળા સાથે જોડાય અને સાથે સાથે વર્ગખંડમાં જોડાય તે માટે શું કરી શકાય તે માટે અગલ અલગ ઉપાયો હોઈ શકે છે. પરંતુ તે માટેના પ્રયત્નોમાં જુસ્સો કેવો અને કેટલી હદે હોવો જોઈએ તે એક સફળ DJ માસ્ટર પાસેથી શીખવા જેવું છે.
માથા પર હેડ ફોન અને ગીત સાથે લય પૂર્વક પોતાને સતત હલાવ્યા કરતો DJ માસ્ટર સતત પોતાની સામેના ચાહકોનું ધ્યાન રાખતો, તેઓને ડાન્સમાં જોડવા માટે ઉશ્કેરતો અને અને તે માટે સતત ધૂન બદલતો જોવા મળે છે. તેનો એક જ આશય હોય છે સામેના તમામ ડાન્સમાં જોડાય. તમે જોયો છે એવો કોઈ Dj માસ્ટર કે જે ગીતો શરુ કરી બે ધ્યાન રહેતો હોય?  વિચારો કે DJ માસ્ટર પોતાને ગમતી જ ધૂનો વગાડ્યા કરે અને પછી બધાને ડાન્સ ફ્લોર પર આવવા કહ્યા કરે તો ? તમે જાઓ ? અને જો તમારી મનપસંદ ધૂન શરુ કરી છે તો ?  તો દોડીને સીધા જ ડાન્સમાં જોડાશો કે નહિ ? કદાચ તમે બહુ જ શરમાળ હશો તો ભલે નાચશો નહિ તો પણ હાથ-પગ ને ધીમેધીમે લયમાં હલાવતાં તો તમે પોતાને નહિ રોકી શકો, અને થોડા સમય પછી તો તમે પણ ડાન્સફલોર પર જ હશો!
શિક્ષક અને DJ માસ્ટર વચ્ચે શું સામ્યતા છે ? બંને એ એવી ધૂન ઉભી કરવાની છે કે સામેના બધાંજ જોડાય ! DJ માસ્ટર તો સતત તેના માટે મથતો રહે છે. હવે વિચારવાનું આપણે છે કે શું બાળકો આપણી સાથે જોડાય તે માટે જેટલાં બાળકો એટલી રસરૂચી મુજબની પદ્ધતિઓ રૂપી ધૂનો સાથે વર્ગખંડોમાં સજ્જ છીએ ખરા? વર્ગખંડમાં આપણી સામેનાં બધા જ બાળકો વર્ગકાર્ય દરમ્યાન આપણા શૈક્ષણિક લય સાથે જોડાયેલાં હોય છે ખરાં ? ના ? તો નથી જોડાયેલાં બાળકો માટે એ જ શૈક્ષણિક કાર્યને આપણે બાળકના લયમાં લાવી શકીએ છીએ ખરા ?  જે બાળકોને નહિ જોડી શકો તો તે ફરીથી પહેલા અભ્યાસક્રમથી વિમુખ થશે અને પછી શાળા અને શિક્ષકથી ! અને ફરીથી વાલીસંપર્ક વાળી નિરંતર પ્રક્રિયા.. 
માટે જ જો શિક્ષક તરીકે પેલા DJ માસ્ટરની જેમ સજ્જ હોવ તો બેસ્ટ ઓફ લક, નહિ તો તે દિશામાં મંથન શરુ કરી લાગી જઈએ અને  બાળ-પતંગીયાનો સંપર્ક કર્યા વિના,પહેલાં આપણે શાળાબાગને ખીલવી દઈએ !
બાળકોને અનુરૂપ વાતાવરણ નહિ મળે ત્યાં સુધી વાલી સંપર્ક પણ શિક્ષણની જેમ ચાલતી નિરંતર પ્રક્રિયા જ બની રહેશે - ઉપાય નહિ !

June 16, 2019

બદલાય છે, એટલે જીવંત છે !



બદલાય છે, એટલે જીવંત છે !
શાળાનું સુકાન વિદ્યાર્થીઓના હાથમાં [શ્રેષ્ઠ નાગરિક એ શિક્ષણની જવાબદારી  ] પહોંચાડવા માટેની જે ચાવીરૂપ પ્રવૃત્તિ છે તે છે નાગરિક ઘડતર..! 
Ü નાગરિક ઘડતર-2010  આ લેખ વાંચી લેશો તો આગળની વાત સમજાશે...    
છેલ્લા પંદરેક વર્ષથી આ પ્રવૃત્તિ શાળાની કરોડરજ્જુ છે. તેમાં દર વર્ષે અને ઘણીવાર તો છ માસના અંતે પણ  ફેરફાર આવ્યા કરે છે. નાગરિક ઘડતરનું ઘડતર ! એ પ્રકારના ફેરફારના કારણે જ તે આટલા વર્ષો પછી પણ એટલી જ જીવંત છે.
જેમ છેલ્લા બે વર્ષથી શાળામાં પ્રમુખ અને ઉપપ્રમુખ ની પદ્ધતિઓ ઉમેરાઈ છે તેમ આ વર્ષે હેરી પોટર ની હોગર્ડ્ઝ સ્કુલ ની જેમ નાગરિક ઘડતરના સાત જૂથને વર્ષની શરૂઆતમાં સો પોઇન્ટ આપવાનું અને આખા વર્ષ દરમિયાન પોતાના ફાળે આવેલી કામગીરી ઉપરાંત જો કોઈ સિદ્ધિ મેળવે અથવા તો તે ગ્રુપમાં કોઈ સભ્ય કોઈ વિશેષ કાર્ય કરે તો તે ગ્રુપને પોઈન્ટ મળતા જાય અને તેનાથી વિરુદ્ધમાં જો કોઈ વ્યક્તિ (શિક્ષક સહીત) વિદ્યાર્થીઓએ રચેલા શાળાના સંવિધાનથી વિરુદ્ધ કોઈ કાર્ય કરે અથવા જાણી જોઈને સામૂહિક શિસ્તનો ભંગ કરે તો તે ગ્રુપ ના પોઇન્ટ્સ માઇનસ થાય. તે ઉમેરવાનું નક્કી થયું છે.
હજુ આ લખાય છે ત્યાં સુધી સંદીપ અને રીટા ક્યારે પોઈન્ટ્સ આપવા અને ક્યારે પોઈન્ટ્સ કાપવા તે અંગેના વિધાનો બધાને પૂછીને રચી રહ્યા છે..
હજુ તે પોઈન્ટ્સ રેકોર્ડ કેવી રીતે રાખવો ? શાના માટે કેટલા પોઈન્ટ્સ આપવા અથવા કાપવા – તે બધું નક્કી નથી થયું. આમ પણ જયારે તમે બાળકોને નક્કી કરવા દો તો એમને આપણા જેવી કોઈ ઉતાવળ હોતી નથી. તેઓ ઝીણું કાંતે છે, બરાબર કાંતે છે !
આ ફેરફાર કરવા પાછળનો ઉદ્દેશ્ય છે, તેઓ પોતાના હક અને ફરજ માટે વધુ જાગૃત બને. યોગ્ય સમયે યોગ્ય દલીલ અને યોગ્ય ભાષા સાથે પોતાનો વિરોધ નોધાવે અને હકની લડાઈ યોગ્ય રીતે લડતા થાય એ છે. 
અમારી આ પ્રવૃત્તિ વિષે તમારા કોઈ સૂચનો હોય તો જણાવજો..અમે બાળકો સમક્ષ તે મૂકીશું..

May 31, 2019

પહલે આપ...પહલે આપ....!

પહલે આપ...પહલે આપ....!
ગ્રામોત્સવનો જે આનંદ છવાય છે એ કોઈક નશાથી ઓછો નથી હોતો... વેકેશન માટે છુટા પડતા પહેલા માણેલા આ ઉત્સવનો સ્વાદ હજુ ય જીભે છે. એ ઉજવણી સમયે આખા વર્ષ દરમિયાનની બધી “ખાટી” – “મીઠી” થઇ જાય છે. > ગ્રામોત્સવ
અને આ વખતે વેકેશન જાણે અમારા માટે અમારા સબંધોને વધુ ગાઢ કરવાના મોકા સ્વરૂપે આવ્યું હતું. અમારી યુવા ટીમ સમય આપી બાળકોને અવનવી પ્રવૃતિઓ કરાવી રહી હતી. અમે તેમની સાથે ગામમાં વધુ કલાકો ગાળી રહ્યા હતા.  ઈ ટી.વી. ભારત અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા સમાચાર માધ્યમોએ ગામના આ પ્રયાસની નોધ પણ લીધી.>  વેકેશનની નવાનદીસરની અવનવી પ્રવૃત્તિઓ 
અને એવામાં અમને એક મોકો મળ્યો પ્રેમ વિસ્તારનો – નર્મદા જીલ્લાના પચાસેક ગામના યુવક મંડળના યુવક-યુવતીઓ સાથે નવા નદીસરની વાત કરવાનો !
દરેક ગામની સ્થિતિ એક સરખી જ છે. ગ્રામજનો અને શાળા/પંચાયત વગેરેના કર્મચારીઓ જાણે બે ધારાઓ હોય એમ વહે જાય છે. શિક્ષકો/ને લાગે છે કે “જો ગામના લોકો જરા શાળામાં રસ લેતા થાય તો એમની સાથે શાળાની વાત ખુલીને કરી શકાય !” અને શરત એ છે કે જો તમે ખુલીને વાત કરો તો જ તેઓ શાળામાં રસ લેતા થાય. ગ્રામજનોને લાગે છે કે “આ કર્મચારીઓ વ્યવસ્થિત કામ કરે તો આપણે મદદે જઈએ.” અને ત્યાં પણ શરત એ જ છે કે ગ્રામજનો જો શાળામાં/ગામના અન્ય સામુહિક કામમાં ભેગા થવાનું શરૂ કરે એટલે કર્મચારીને “કર્મ” ધક્કો લાગે જ ! બંને એકબીજાની રાહ જોતા બેસી રહે છે અને “પહલે આપ...પહલે આપ...” ની આ જીદમાં ગામના “અચ્છે દિન” ની ટ્રેન છૂટી જાય છે.
એથી અમે તેમની સાથે ગામનો ટૂંકો ઈતિહાસ અને સંઘર્ષ કહ્યો. શિક્ષક તરીકે અમે ગામ અને શાળા એક શા માટે હોવું જોઈએ તે વિષે વાત કરી. કર્મચારીને “નોકરીયાત” તરીકે જોવાને બદલે ગામના વ્યક્તિ તરીકે જોવાથી શું ફરક પડી શકે તે માટે ઉદાહરણો આપ્યા.  જેમ કે શાળામાં કાર્ય કરતા વ્યક્તિઓના જીવનના સારા માઠા પ્રસંગોએ ગામ જોડાય છે... અરે ! જન્મદિવસની ઉજવણીમાં ગામમાંથી બનીને આવતી કેક તો હવે  નવા નદીસરની ઓળખ બની ગઈ છે. ગામના યુવાનો શાળામાં કઈ કઈ રીતે ઇન્વોલ્વ થઇ શકે અને કામ કરવું એ ગૌણ બાબત છે...યુવકોનું મુખ્ય કામ લાગણીથી જોડાયેલા રહેવાનું છે એ વિષે પણ વાત કરી.  
મિતેશ, રવિ, જયેશભાઈ અને ફિરોઝભાઈએ ગામના વ્યક્તિ તરીકે પોતે શું કરી રહ્યા છે તેની વાતો કરી. રવિ અને મિતેશ બન્નેને તો થોડો મહાવરો છે...પણ જયેશભાઈ અને ખાસ તો ફિરોઝભાઈ વાત કરી શક્યા...તેનો આનંદ વધુ થયો.  > youth as a change agent of village Development !
આ બે માસમાં ફિરોઝભાઈએ બે સરપ્રાઈઝ આપ્યા.
૧. ગ્રામોત્સવના અંતે ડાન્સ કરીને....૨. નેત્રંગમાં ગામ વિષે જાહેરમાં વાત કરીને. :😜
એ દિવસ અમારા માટે માઈલસ્ટોન એટલા માટે છે કે શાળા વિષે કહેવાનો મોકો લગભગ દરેક પ્લેટફોર્મ પર મળ્યો છે પણ ગામ વિષે વાત કરવાની આ પહેલી તક હતી. અને એમાં વધુ સારું એ હતું એ વાત માત્ર શિક્ષક તરીકે અમારે નહિ ગામમાંથી પણ કહેવાની હતી.
આ આનંદ પૂરો થાય એટલામાં શાળાને વિધિસર ખોલવાના દિવસ નજીક આવી ગયા... ફરી અમારી યુવા ટીમ તૈયાર જ હતી, શાળા પહેલા જ દિવસથી શરૂ થઇ જાય અને તેઓ ભણતા ત્યારે એક અઠવાડિયા સુધી કરવી પડતી સફાઈના કામમાંથી આ બાળકોને છુટ્ટી અપાવવા... > યુવા ટીમ 
ગ્રામોત્સવના દિવસે શરૂ કરેલ પુસ્તકાલયમાંથી મુનશી, ધ્રુવ ભટ્ટ, કાજલ ઓઝ વૈધ, જય વસાવડા. ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા અને અશ્વિની ભટ્ટ હવે નવા નદીસરમાં વિહરી રહ્યા છે...એમની વાતો કરવા....



“આત્મવિશ્વાસ” è શિક્ષકમાં “હોવો” જોઈએ અને બાળકમાં “ટકવો” જોઈએ !


વર્ગખંડમાં સૌથી મહત્વની વાત

 “આત્મવિશ્વાસ” è શિક્ષકમાં “હોવો” જોઈએ અને બાળકમાં “ટકવો” જોઈએ !

મિત્રો, વેકેશન એ બાળકો માટે ભલે રેસ્ટિંગ ટાઇમ હશે પણ આપણા સૌ માટે ચિંતનની પળો છે. જે ઈતિહાસમાંથી શીખે છે તે જ ટકે છે. પરંતુ આ અડધું વાક્ય છે – પૂરું વાક્ય છે - “જે ઈતિહાસમાંથી શીખે છે અને વર્તમાનમાં તે શીખને અનુસરે છે તેનું જ ભવિષ્ય ઉજ્જવળ બને છે.” ચિંતા માણસને નુકશાન કરે છે, પણ ચિંતન વ્યક્તિને પ્રગતિ માટે તૈયાર કરે છે.
ગત વર્ષની પરીક્ષા સમય સુધી બાળકોના આપણા પોતાના વિષયમાં સારું પર્ફોમન્સ માટે અંત સુધી પ્રયત્નશીલ રહ્યા પછી પણ કેટલાંક બાળકોના પરિણામમાં આપણને નિરાશા હાથ લાગી હશે. તેઓનું પર્ફોમન્સ આપણને ચિંતા ઉપજાવનારું બન્યું હશે. એવું પણ લાગી આવ્યું હશે કે આપણને આપણા પરથી ભરોસો ઉઠી જાય ! અને જયારે વ્યક્તિને પોતાના ખુદના પરથી ભરોસો ઊઠી જાય ત્યારે એ જો સામાન્ય વ્યક્તિ હોય તો તે અન્યના વાંક શોધવા બેસે છે ! પરંતુ આપણે સમાજમાં અસામાન્ય વ્યક્તિ એટલે કે  શિક્ષક તરીકે હોઈએ તો આપણે આવા સમયે ચિંતન કરવું જ રહ્યું – કે તે બાળક માટે ક્યાં ક્ષતિ રહી ગઈ ?
મિત્રો વર્ગખંડ પ્રક્રિયા બે વ્યક્તિઓ વચ્ચે થતી હોય છે – બાળક અને શિક્ષક ! જો આવા સમયે આપણે ખરાબ પ્રદર્શન માટે બાળકને જવાબદાર ગણી લઈશું તો પછી ચિંતન માટેના તમામ દરવાજા બંધ થઇ જશે. સાથે સાથે બાળકનો આત્મવિશ્વાસ પણ ડગી જશે.  – અને જો હું તે બાળકને આ પદ્ધતિને બદલે નવી પદ્ધતિ વડે ટ્રીટમેન્ટ કરી હોત તો ? એ દિશામાં વિચારવાનું અને તે માટે અપડેટ થવાનું શરુ કરી દેશો તો આપણે આગામી વર્ષમાં બાળકો સાથે પુરા કોન્ફિડન્સ સાથે ઉપસ્થિત થઇ શકીશું .
એકવાત યાદ રાખવા જેવી છે કે આત્મવિશ્વાસથી કરેલ પ્રયત્ન જ સફળતા અપાવી શકે છે તે બાળકમાં જળવાઈ રહે અને આપણામાં વધારતાં રહીએ તેની જવાબદારી સમાજના માર્ગદર્શક એવા શિક્ષક તરીકે આપણી જ છે !



May 25, 2019

😎😍 યુવાનોનું સમયદાન – એક મોકો - સમાજને શાળાનુભવ કરાવવા માટેનો ! 😎😍



😎😍 યુવાનોનું સમયદાન–એક મોકો-સમાજને શાળાનુભવ કરાવવા માટેનો !


શાળા એ ગામનું ઘરેણું છે આવું આપણે ઘણીવાર બોલ્યાં છીએ અને સાંભળ્યું પણ છે ! ઘરેણું હોવાના બે અર્થ થાય છે – એક તો ઘરેણું એ રીતે કે શાળાની સુંદરતાથી ગામ દીપી ઉઠે છે, જયારે બીજી રીતે જોઈએ તો શરીર પરનું કિંમતી પરિધાન ! એટલે કે ગામનું સૌથી મહત્વનું અને મહામુલું સ્થળ ! કારણ કે જ્યાં ગામની પેઢીઓનું ઘડતર થતું હોય તે મહામુલું ગણાય જ એમાં શંકાને કોઈ સ્થાન નથી ! પરંતુ વાત જયારે અજાગૃત પેઢીની આવે ત્યારે [ગામડામાં અને શહેર બધા પર લાગુ પડે ] પોતાના બાળક રૂપી હીરાને પણ કાચની જેમ જ જાણનાર તે પરિવારને આપણા કામ વડે જો તેના બાળકના મૂલ્યનો સાક્ષાત્કાર કરાવીએ તો જ માનવું કે અજાગૃત વાલીનું આંગણ ભલે કુરુક્ષેત્ર જેવું હશે  પણ આપણે ભગવાન કૃષ્ણથી કંઈ કમ નથી ! તેથી જ તો સમાજમાં આપણે  નિર્માણ અને પ્રલયના નિર્માતા કહેવાઈએ છીએ.
L જો બકા, તકલીફ તો રહેવાની ! એવું દિલાસા રૂપી સૂત્ર આપણે ઘણી જગ્યાએ વાંચી લીધું છે અને કોઈ તકલીફ જણાવે તો તેને સલાહકાર તરીકે ભેટ આપવા ખિસ્સામાં મૂકી પણ રાખ્યું છે [ હા પણ આપણી પોતાની તકલીફ સમયે નથી વાંચતા- તે જુદી વાત છે L ] તકલીફમાંથી નીકળવાના બે રસ્તા છે : પહેલો – તકલીફ એટલે તકનો લાભ લઇ લેફ્ટર બનવું . બીજો - તકલીફ એટલે તક મેળવી લિફ્ટર બની કાર્ય પાર પાડવા માટે એક યોદ્ધાની જેમ ઝઝૂમવું.
આવું જ અનુભવાયું આ વર્ષે બીજા ધોરણના બાળકો પર વધુ ધ્યાન આપ્યા પછી પણ એ ચિંતા તો હતી જ કે “આ બધા હમણા વાંચતા - લખતા થઇ ગયા છે...વેકેશન પછી મળશે એટલે આમાંથી કેટલા એ જાળવી રાખશે અને કેટલામાં આપણે ફરી પહેલેથી કામ શરૂ કરવું પડશે !”
એવામાં સમયદાન માટે આવેલો પત્ર અને યોજાયેલી કોન્ફરન્સએ અમને એક નવો આઈડિયા આપ્યો ગામના યુવાનો સાથે કોન્ફરન્સ જોતા જોતા અમારું આયોજન થતું ગયું...પરંતુ કોન્ફરન્સના અંતે આખો કાર્યક્રમ તેમનો થઇ ગયો હતો. તેમને બાળકોની વિગતો અને સાહિત્ય આપ્યું. દરેક બાળક વિષે વિગતવાર ચર્ચા કરતા કરતા બીજી એક તક મળી કે “જો યુવાનો જ આમાં કામ કરે તો તેની પ્રક્રિયા દરમ્યાન શાળામાં અનુભવાતી મુશ્કેલીઓ ગામનાં યુવાનો જાણશે અને અનુભવશે. બંને પ્રકારના અનુભવોને આધારે બાળકોને તો ફાયદો થશે જ પરંતુ આ રીતે સમાજ પણ  શાળાના પ્રશ્નોથી અવગત થશે એ બાળકો સાથે સાથે શાળાના પ્રશ્નોનું ઉપચારાત્મક કાર્ય થશે.   







સમયદાતાઓ એવા યુવાનો સાથે તેમના અનુભવોની ચર્ચા 📺



અરે હા ! એક વાત કે ,અમે સાવ તેમને માથે નાખી પુરેપુરો અનુભવાઈ જાય એમ માની ખસી નથી ગયાં. એટલે જ રોજ ટેલીફોનીક અને બે દિવસે રૂબરૂ તેઓની સાથે બાળકોની ચર્ચા કરીએ છીએ. લાગે છે કે આ સમયદાનનો આ કાર્યક્રમ અમને આગામી વર્ષના શૈક્ષણિક સહપ્રવાસીઓનો નફો કરાવશે જ.