February 01, 2019

શ્રેષ્ઠ નાગરિક – એ શિક્ષણની જવાબદારી !!



શ્રેષ્ઠ નાગરિક – એ શિક્ષણની જવાબદારી !!

       રાષ્ટ્રના બે પર્વ આપણે બે દિવસ ઉજવીને અટકી ના શકીએ ! આઝાદ હોવાની પ્રેક્ટિસ કરવી પડે. અચાનક આવી પડતી આઝાદી તેની સાથે જવાબદારીઓ લઈને આવે છે. અને તમારી આસપાસ નજર દોડાવો....દુનિયા એવા લોકોથી ભરી પડી છે જેમને કામ તો કરવું છે પણ જવાબદારી ભાગતા ફરે છે. હું કૈક કરીશ તો મારા બોસ શું કહેશે ? મારા સહકર્મી કેવી ટીકા ટીપ્પણી કરશે ? મારા ઘરના વ્યક્તિઓ, મારા મિત્રો તેને કેવી રીતે જોશે ? લોકો શું કહેશે ? કોઈકે બરાબર કહ્યું છે, “ સબ સે બડા રોગ, ક્યા કહેંગે લોગ !”  અને આ રોગ ભલભલાને પોતાના કાર્ય કરતા થંભાવી દે છે. માણસો જાતે નક્કી જ નથી કરી શકતા કે તેઓ જે કરવા જઈ રહ્યા છે તે યોગ્ય છે કે નહિ ? વારેવારે તે બીજાની કન્ફર્મેશન લેવા દોડી જાય છે. સલાહ લેવી એક બાબત છે અને કન્ફર્મેશન લેવી બીજી !
        આપણી શાળાની નાગરિક ઘડતર પ્રવૃત્તિ વિદ્યાર્થીઓમાં અત્યારથી જ નિર્ણય લેવાની અને તે નિર્ણય મુજબ આયોજન કરી કાર્ય કરવાની સાથે તેની જવાબદારી ઉપાડવાની શક્તિ નિર્માણ કરે છે. આ વખતની બાળ સંસદ બરાબર પ્રજાસત્તાક દિનના આગળના દિવસ સાંજે ભરાઈ. જેમાં દરેક ગૃપની કામગીરીની સમીક્ષા થાય, શાળાના અન્ય પ્રશ્નોની પણ અહિયાં ચર્ચા થાય. સામાન્ય રીતે યશવંતની નજર દરેક બાબત પર હોય જ છે અને દરેક સંસદમાં તે પોતાની વાત રજુ કરે જ. પરંતુ આ વખત સામે નેહલ હતી.. બંને વચ્ચે સંવાદ થયો તે અમને “શુકુન” આપતો હતો કે તેઓ પોતાના હક માટે જાગૃત છે સાથે જ પોતાની જવાબદારીઓ માટે સભાન પણ !
એક પ્રજાસત્તાક દેશ માત્ર “પ્રજાસત્તાક છીએ” એમ કહેવાથી નથી બની જવાતું, એ માટે જેની પાસે સત્તા છે તેમનું શિક્ષણ પણ કરવું પડશે !