February 21, 2019

છોટા રીચાર્જ – ફૂલ ટોકટાઈમ


છોટા રીચાર્જ – ફૂલ ટોકટાઈમ


ભાષાની ગલીકુંચીઓમાં ફરવાના ઘણા નકશા તૈયાર થાય પણ એ સતત વહેતા દરિયા જેવી છે ! નદીઓના પાણી અને વિંઝાતા વાયરાથી તેનો પ્રવાહ સતત ઉછાળા મારતો જ રહે છે. અને આપણે ચમચી જેટલા ઉપયોગોની ચર્ચા કરીએ છીએ. સામાન્ય રીતે જોઈએ તો ભાષાને આપણે કહીએ કે એ પ્રત્યાયન કરે છે ! જરા શાંતિથી વિચારીએ (હા, એ વિચાર પણ ભાષા વગર હોત કે ....?) એક અજબ મૂંઝવણ થાય છે ને કે ભાષા ના હોત તો વિચાર ના હોત, આપણી રહેણીકરણી આ મુજબની ના હોત.
અને જો ઉપરનો ફકરો ફરી વાંચશો તો સમજાશે કે અમે અહિયાં “ગુજરાતી” – એટલે કે આપણી માતૃભાષાની જ વાત નથી કરતા. શાળામાં પણ બચ્ચાઓ પોતપોતાની મરજીથી ભાષાની કરવત મુકતા હોય છે. હિન્દી બોલે, કોક અગડમ બગડમ અંગ્રેજી- કોઈકને વળી પોતાની લહેકાવાળી ભાષામાં મજા પડે. કેટલાકની પોતાની કોડેડ લેન્ગવેજ હોય – “પેસમેલી તસમમને સસમમજ નાસમા પસમડે !” 😊
આવી બધી ભાષામાં આપણી ગુજરાતીને પોંખવા અમે સૌ તૈયાર હતા. આયોજન શું કરવાનું હોય – અમારી કેબીનેટ મળી...નક્કી કર્યું ! લેખક કવિઓના નામ લેવા પડાપડી..અંતે દરેકને પોત પોતાના ખંડના નામ મળ્યા. હવે શું કરવું જોઈએ ? ગીતો તો હોય –“વાર્તાઓ ?” “ના, એ તો હોય જ છે ને !” “તો ગામની ઘટનાઓને વાર્તા બનાવીએ તો ?” “હા, એ ચાલે !” “પણ ગીતોમાં પીચ્ચરના ગીતો ય હોવા જોઈએ. ગુજરાતી જ !” “વ્હાલમ આવો ને...થી લઇ શાંત ઝરુખે વાટ નીરખતી...” જેવા છ ગીતો નક્કી થયા. (એ વાત જુદી છે કે એમાં મોટાભાગના ગ્રુપે શાંત ઝરૂખે જેવી શાંત ગઝલને બદલે નર્મદા છે..કેન્સલ...” પર નાચવાનું પસંદ કર્યું.) એક ખંડમાં સૂચનાઓ વાંચી એ મુજબ કાર્ય કરવાના હતા. શાળાના ચોગાનમાંથી “ક” શોધવામાં તેઓએ જે મહેનત કરી છે અને બાકીનાઓએ તેમને બીજે બીજે રસ્તે ભેળવી દેવા ભાષાનો ધારદાર ઉપયોગ કર્યો છે ! એ તો જોઈએ/સાંભળીએ તો મજા પડે. સારા અક્ષરથી લખવાનું ગમે છે તો તમારા માટે એક ખંડ છે. તેમાં તમને ટીપ્સ આપવામાં આવશે. શબ્દો અને વાક્યો લખાવશે..તમારા કાગળ જોવામાં આવશે અને પછી તમારા અક્ષરને ક્રમાંક અપાશે. આ ખંડમાં અમને અમારી શાળાનો એક નવો “હસતા_અક્ષર” મળ્યો અને તે છે અમારી “પલક”.
 મોટાભાગે એ કોઈ બાબતમાં લીડરશીપ નહોતી કરતી તેણે આખા ખંડની લીડરશીપ કરી. આવું જ નિબંધ લેખનમાં પણ નવા તણખા મળી આવ્યા. નિકીતાએ અમારા પુસ્તકાલયનું શો-કેસ ગોઠવ્યું. પહેલા કહે અમારી પાસે હજારથી વધુ પુસ્તકો છે, તેમાં ગીર્તોના, વાર્તાના, નિબંધના, વિજ્ઞાનને લગતા, ઈતિહાસને લગતા...વગેરે વગેરે (આમેય, અમારી નિકીતાની પ્રસ્તાવના લાંબી હોય !) ને પછી કોઈને એમ થાય કે લાવો આજે જ વાંચું તો વાંચવા પુસ્તક આપે ને શરત કરે વાંચીને એની મુખ્ય વાત કહેવી પડશે. કેટલાક વાંચે, કેટલાક પાના ફેરવી પુસ્તક બદલાવા આવે કે બીજી આપ.. નિકિતા પુસ્તક આપે સાથે એક છણકો ય હોય..હવે નહિ બદલી આપું ! આ વાંચી લે..
આમ ત્રણ કલાક વારાફરતી બધા જુદા જુદા ખંડમાં જઈ આવ્યા પછી સંધ્યા સભામાં દરેકે પોતાના ખંડમાં ગમેલી, ના ગમેલી બાબતો કહી. પોતાના ખંડમાં કયું જૂથ સારું કરીને ગયું ને કોને માત્ર ગોકીરો કર્યો એ ય કહ્યું. સારું કર્યું એમને તાળીઓનું માન પણ આપ્યું. અને આ રીતે માતૃભાષાનું અમારું આ છોટા રીચાર્જ અમને ભાષાનો ફૂલ ટોકટાઈમ આપતું ગયું... 















No comments: