February 19, 2019

મુલાકાતનું મંથન !



મુલાકાતનું મંથન !

બાળક એ સમાજનો સૈનિક છે. ભવિષ્યનો સમાજ આજના આ સૈનિકો વડે જ કાર્યરત થવાનો છે ત્યારે આજના વિદ્યાર્થીઓ કોઈ પ્રાથમિક અનુભવથી વંચિત રહી જાય તો ભવિષ્યનો સમાજ બિન-અનુભવી નિર્માણ પામે. ‘આપણી પ્રાથમિક જરૂરિયાતોને પૂરી પાડવી એ સરકારની ફરજ છે અને એ આપણો હક પણ છે !’- એવું આપણે જયારે કહીએ છીએ ત્યારે પુરક વાક્ય એ હોય છે કે એ હકોનો યોગ્ય ઉપયોગ કરવાની ફરજ નાગરિક તરીકે આપણી જ છે. ઘણીવાર સુવિધાઓના ઉપયોગની જાણકારીના અભાવે સરકારની સુવિધાઓ માટે કરેલો ખર્ચ ધૂળ ખાતો હોય છે. આવી મુશ્કેલીઓ  ભવિષ્યમાં દુર થાય, તે નિશ્ચિત કરવું એ પ્રાથમિક શાળાનું વર્તમાન કાર્ય છે !
આપણી કઈ પ્રાથમિક જરૂરિયાત માટે કઈ સરકારી સંસ્થાની મુલાકાત કરવી? – ત્યાં ગયા પછીની શું પ્રક્રિયા કરવી ?- વગેરની માહિતી અને અનુભવ પ્રાથમિક શિક્ષણ સમયે જ જો કરી લેવામાં આવે તો હાલના અભ્યાસક્રમની સાથે સાથે બાળકોના જીવનમાં અસરકારકતા જોવા મળશે. આપણી આસપાસનો સમાજ આપણી કાળજી માટે કેટલો કાર્યરત છે તે જોયા પછી બાળકની નજર પણ ચોક્કસપણે  તેમની તરફ આદરપૂર્વકની બને જ ! બાળકોને વર્ગખંડની બહાર ફરવું વધુ ગમે છે – તે આપણને ખબર છે ! મુલાકાતે મેળવેલું શિક્ષણ ચિરસ્થાયી બને છે – તે પણ આપણને ખબર છે ! – બસ આ બંને બાબતોમાં શિક્ષણ ઉમેરી દઈએ તો ? તો તો પ્રવાસ નો પ્રવાસ અને સાથે સાથે જીવન શિક્ષણ પણ !
સમાજિક વિજ્ઞાન અંતર્ગત શાળાની ટીમે પણ આવું જ કઈંક આયોજન કર્યું. આગોતરા આયોજનમાં  બાળકોના વિવિધ જૂથોએ  વિવિધ સંસ્થાઓમાં “શું જાણશો?” –તે માટેનાપ્રશ્નો તૈયાર કર્યા. ગ્રુપ લીડર્સએ પ્રશ્નો પૂછી માહિતી અહેવાલ તૈયાર કરવાનું આયોજન કર્યું.
અમને મુલાકાત પહેલાં હતું કે ફક્ત બાળકોને જ સંસ્થાઓ સાથે સંવાદ કરવા સૌથી વધારે ઉત્સુકતા હશે, પરંતુ નદીસર આરોગ્યધામ, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક- નદીસર, ગ્રામ પંચાયત, કૌશલ્ય વર્ધન કેન્દ્ર – બધી જ સંસ્થાઓના કર્મીઓનો બાળકોને માહિતગાર કરવાનો ઉત્સાહ પણ બાળકો કરતાં ઓછો નહોતો ! હવે વિચારો કે બે ઉત્સાહિત કાંઠો ધરાવતી નદી કેવી વહેતી હશે ? બસ આ જ રોમાંચ હતો આખી મુલાકાત દરમ્યાનનો !
મુલાકાતના બીજા દિવસે કેટલાક પ્રશ્નો વડે તપાસ્યું કે બાળકોમાં મુલાકાત અને સંવાદનું કેટલું ઉગ્યું અને જ્યાં જ્યાં જરૂર જણાઈ ત્યાં ફરી થોડું વાવ્યું ! ચાલો જોઈએ બાળકો અને સમાજસેવક રૂપી જાહેર  સંથાઓના આ ઉત્સાહને...





















No comments: